નવી દિલ્હી,
દેશભરમાં હાલ તહેવારોની મોસમ ચાલી રહી છે, ત્યારે પહેલેથી જ મોંઘવારીનો માર જીલી રહેલી દેશની સામાન્ય જનતાને વધુ એક ડોઝ મળ્યો છે. બે દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ભડકો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવમાં વધારો અને અમેરિકી ડોલરની સામે સતત ગગડી રહેલા રૂપિયાના કારણે બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આ રેકોર્ડ સ્તરે પહોંચી છે.
ડીઝલની કિંમતમાં થયો રેકોર્ડ વધારો
ઇન્ડિયન ઓયલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, સોમવારે રાજધાની દિલ્હીમાં ૧ લીટર ડીઝલની કિંમત રેકોર્ડ ૬૯.૪૬ રૂપિયા સુધી પહોચી છે. આ પહેલીવાર છે ત્યારે ડીઝલના ભાવમાં આ રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે.
જયારે કલકત્તામાં તમને ડીઝલ ૭૨.૩૧, મુંબઈમાં ૭૩.૭૪, અને ચેન્નઈમાં ડીઝલ ૭૩.૩૮ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.

પેટ્રોલના ભાવમાં થયો ભડકો
ડીઝલ બાદ પેટ્રોલનો ભાવ પણ આસમાને પહોચી રહ્યો છે. સોમવારે પેટ્રોલની કિંમતમાં આવેલા વધારા બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૧૩ પૈસાનો વધારો થયો છે. આ સાથે દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ ૭૭.૯૧ રૂપિયા સુધી પહોંચી છે.
જયારે કલકત્તામાં તમને પેટ્રોલ ૮૦.૮૪, મુંબઈમાં ૮૫.૩૩, અને ચેન્નઈમાં ડીઝલ ૮૦.૯૪ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.
જો ગૃહરાજ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો, છેલ્લા બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
- રાજ્યના મેટ્રો શહેરના પેટ્રોલના ભાવ :
| શહેર | ભાવ | વધારો |
| અમદાવાદ | ૭૭.૧૨ | + ૦.૨૩ |
| વડોદરા | ૭૬.૮૬ | + ૦.૨૪ |
| સુરત | ૭૭.૧૩ | + ૦.૨૪ |
| રાજકોટ | ૭૬.૯૪ | + ૦.૨૪ |
- રાજ્યના મેટ્રો શહેરના ડીઝલના ભાવ :
| શહેર | ભાવ | વધારો |
| અમદાવાદ | ૭૪.૫૭ | + ૦.૩૦ |
| વડોદરા | ૭૪.૩૦ | + ૦.૩૦ |
| સુરત | ૭૪.૬૦ | + ૦.૩૦ |
| રાજકોટ | ૭૪.૪૦ | + ૦.૩૦ |
આ કારણે ક્રુડ ઓઈલના વધી રહ્યા છે ભાવ
છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયો સતત ગગડી રહ્યો છે. હાલમાં એક ડોલરની સામે ભારતીય રૂપિયાએ ૭૦નો આંકડો પણ પાર કરી લીધો છે. આ કારણે બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે.
