Viramgam News: વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે (Hardik Patel) નળકાંઠા વિસ્તારમાં ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને અસરગ્રસ્ત ખેડૂતો, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને તાત્કાલિક નુકસાની સહાય ચૂકવવાની માંગ કરી છે.
ધારાસભ્ય દ્વારા રજૂ કરાયેલા પત્રમાં જણાવાયું છે કે, તાજેતરના ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિના કારણે નળકાંઠા વિસ્તારના અનેક ગામોમાં વ્યાપક નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતો સહિત સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
Hardik Patelની વિરમગામ, માંડલ અને દેત્રોજમાં વિશેષ સર્વેની માંગ
હાર્દિક પટેલે (Hardik Patel) પત્રમાં વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં તાત્કાલિક વિશેષ સર્વે હાથ ધરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે, વરસાદના કારણે પાકને થયેલા નુકસાન તેમજ રહેણાંક અને અન્ય મિલકતોને થયેલા નુકસાનનો સાચો અંદાજ મેળવવા માટે સ્થળ પર સર્વે જરૂરી છે.વિશેષ સર્વે બાદ જ અસરગ્રસ્ત લોકોને યોગ્ય સહાય મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
ખેડૂતો અને અસરગ્રસ્તો માટે રાહત પેકેજની માંગ
ધારાસભ્ય હાર્દિક પટેલે (Hardik Patel) ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની પણ માંગ કરી છે.તેમણે જણાવ્યું કે, વરસાદના કારણે અનેક વિસ્તારોમાં આર્થિક નુકસાન થયું છે, ત્યારે અસરગ્રસ્ત પરિવારોને સરકાર તરફથી તાત્કાલિક સહાય મળી રહે તે જરૂરી છે.
ધોવાયેલા રસ્તાઓના સમારકામની પણ રજૂઆત
પત્રમાં વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાઓના મુદ્દે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. ધારાસભ્યએ ધોવાઈ ગયેલા રસ્તાઓ અને પડેલા ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરાવવા માંગ કરી છે, જેથી નાગરિકોની અવરજવર સરળ બની શકે અને લોકોને હાલાકીમાંથી રાહત મળે. હવે રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યની રજૂઆત પર શું નિર્ણય લેવામાં આવે છે અને અસરગ્રસ્ત વિસ્તારો માટે કયા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો:હાર્દિક પટેલને મોટી રાહત, 2018ના પાટીદાર આંદોલનનો કેસ સરકારે પરત ખેંચ્યો
આ પણ વાંચો:પાટીદાર અનામત આંદોલનના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ-અલ્પેશ કથીરિયાને રાહત
