Vadodara News: જ્યોતિર્લિંગ કેદારનાથ ધામમાં ભક્તિ અને આસ્થાનો અનોખો નજારો જોવા મળ્યો. વડોદરા સ્થિત ‘સત્યમ શિવમ સુંદરમ સમિતિ’ દ્વારા કેદારનાથ મંદિર પરિસરમાં આશરે 12 લાખ રુદ્રાક્ષથી વિશેષ શણગાર (Kedarnath Temple Rudraksha Shringarr) કરવામાં આવ્યો. માંજલપુરના પૂર્વ ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલે સેવેલો આ ધાર્મિક સંકલ્પ તેમના નિધન બાદ સમિતિ અને પરિવારના સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યો. આ સમગ્ર આયોજનમાં વડોદરાથી ગયેલી શિવભક્તોની ટીમે ત્રણ દિવસ સુધી સતત મહેનત કરીને મંદિર પરિસરને રુદ્રાક્ષની માળાઓથી સજાવ્યું હતું.
દોઢ મહિના સુધી 2100 લોકોએ બનાવી રુદ્રાક્ષની માળાઓ
કેદારનાથમાં શણગાર (Kedarnath Temple Rudraksha Shringar) માટે જરૂરી રુદ્રાક્ષ ખાસ નેપાળથી વડોદરા લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ લંબાઈની રુદ્રાક્ષની માળાઓ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીમાં એક-બે દિવસ નહીં, પરંતુ આશરે દોઢ મહિના સુધી 2100 જેટલા લોકો જોડાયા હતા. સખી મંડળ, શિવભક્તો અને સમિતિના સભ્યોએ પોતાની રીતે સેવા આપી માળાઓ તૈયાર કરી હતી. રોજ અલગ-અલગ લોકો આ સેવાકાર્યમાં જોડાતા અને રુદ્રાક્ષની માળાઓ તૈયાર કરવામાં આવતી હતી. માળાઓ તૈયાર થયા બાદ તેને બસ મારફતે વડોદરાથી કેદારનાથ ધામ સુધી પહોંચાડવામાં આવી હતી.
Kedarnath Temple Rudraksha Shringar: રુદ્રાક્ષ પહોંચે તે પહેલાં જ યોગેશ પટેલનું નિધન
સ્વ. યોગેશ પટેલે કેદારનાથ મંદિરમાં નેપાળથી ખાસ મંગાવવામાં આવેલા 12 લાખ અસલી રુદ્રાક્ષ અર્પણ કરવાનો સંકલ્પ લીધો હતો. જોકે, રુદ્રાક્ષ વડોદરા પહોંચે તે પહેલાં જ તેમનું દુઃખદ અવસાન થયું હતું. યોગેશ પટેલનું આ અધૂરું ધાર્મિક સ્વપ્ન પૂર્ણ કરવા પરિવારજનોએ તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ ‘સત્યમ શિવમ સુંદરમ સમિતિ’ના સભ્યો પણ આ સેવાકાર્યમાં જોડાયા અને સંકલ્પને પૂર્ણ કરવાનો નિર્ણય લીધો. આ રીતે સ્વ. યોગેશ પટેલની ભાવના અને સંકલ્પને આગળ ધપાવી કેદારનાથ ધામમાં આ વિશેષ શણગાર (Kedarnath Temple Rudraksha Shringar) કરવામાં આવ્યો.
ત્રણ દિવસ સુધી ચાલ્યું શણગારનું કામ
કેદારનાથ ધામમાં શણગાર માટે વડોદરાથી 33 શિવભક્તોની ટીમ પહોંચી હતી. જરૂરી પરવાનગીઓ મેળવ્યા બાદ શ્રાવણના અંતિમ સોમવારથી મંદિર પરિસરમાં શણગારની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટીમના સભ્યો દ્વારા સતત ત્રણ દિવસ સુધી મંદિર પરિસરમાં રુદ્રાક્ષની માળાઓ લગાવવાનું કામ કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીના મંત્રીમંડળ ઉપરાંત સ્થાનિક જિલ્લા તંત્ર તરફથી પણ સહયોગ મળ્યો હતો. જિલ્લા કલેક્ટર વિશાલ મિશ્રા, SDM તેમજ મંદિર પરિસર સાથે જોડાયેલા આગેવાનોના સહકારથી સમગ્ર કામગીરી સરળતાથી પૂર્ણ થઈ શકી હોવાનું સમિતિ તરફથી જણાવાયું છે.
નંદી અને રેલિંગ સહિત મંદિર પરિસરનો શણગાર
આ વખતે કેદારનાથ મંદિરમાં રુદ્રાક્ષથી શણગાર (Kedarnath Temple Rudraksha Shringar)નું આયોજન વિશેષ રહ્યું હતું. અગાઉ મંદિરના માત્ર એક ભાગમાં રુદ્રાક્ષનો ઉપયોગ કરીને શણગાર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. પરંતુ આ વખતે નંદી, રેલિંગ સહિત મંદિર પરિસરના વિવિધ ભાગોને રુદ્રાક્ષની માળાઓથી સજાવવામાં આવ્યા હતા. 12 લાખ રુદ્રાક્ષથી તૈયાર થયેલા આ શણગારને કારણે કેદારનાથ ધામમાં અલગ જ આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. મંદિર પરિસરમાં હાજર શ્રદ્ધાળુઓએ આ દૃશ્ય નિહાળ્યું ત્યારે તેઓ ભાવવિભોર થયા હતા. મંદિર પરિસર સાથે સંકળાયેલા કિસાન ત્રિવેદી અને હેમંત દ્વિવેદી સહિતના લોકોએ પણ આ આયોજનમાં સહયોગ આપ્યો હતો.
સાવલીવાળા સ્વામીની પુણ્યતિથિએ સેવા પૂર્ણ
રુદ્રાક્ષ શણગારની કામગીરી ત્રણ દિવસ સુધી સતત ચાલી હતી. ખાસ વાત એ રહી કે આ સમગ્ર સેવા કાર્ય સાવલીવાળા સ્વામીની પુણ્યતિથિના દિવસે પૂર્ણ થયું હતું. સમિતિના સભ્યો અને સ્વ. યોગેશ પટેલના પરિવારજનોએ આ ધાર્મિક સેવાને તેમના પ્રત્યેની શ્રદ્ધાંજલિ તરીકે સમર્પિત કરી હતી. કેદારનાથ બાબાના ચરણોમાં આ સંકલ્પ પૂર્ણ કરીને સ્વ. યોગેશ પટેલના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. પરિવાર અને સમિતિ માટે આ માત્ર શણગાર (Kedarnath Temple Rudraksha Shringar) નહીં પરંતુ વર્ષોથી સેવાયેલા ધાર્મિક સંકલ્પની પૂર્ણાહુતિનો પ્રસંગ બની રહ્યો.
12 લાખ રુદ્રાક્ષના શણગારથી કેદારનાથમાં ભક્તિમય માહોલ
કેદારનાથ ધામમાં થયેલો આ અનોખો રુદ્રાક્ષ શણગાર (Kedarnath Temple Rudraksha Shringar) શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નેપાળથી આવેલા રુદ્રાક્ષ, વડોદરામાં દોઢ મહિના સુધી ચાલેલી માળા બનાવવાની સેવા અને ત્યારબાદ કેદારનાથમાં ત્રણ દિવસની મહેનત—આ સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તોએ યોગદાન આપ્યું. આ રીતે સ્વ. યોગેશ પટેલનો સંકલ્પ પૂર્ણ થતાં પરિવાર અને ‘સત્યમ શિવમ સુંદરમ સમિતિ’ માટે આ ક્ષણ ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે વિશેષ બની રહી.
આ પણ વાંચો:બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ 188 લોકોને આ કારણથી નોટિસ ફટકારી
આ પણ વાંચો:કેદારનાથ મંદિરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ, કપડાને લઈને બનાવવામાં આવ્યા નિયમો,જાણો
