International News: ચપ્પલ-લૂંગીમાં દેખાતા લડવૈયાઓ…સામે દુનિયાની (Houthi Fighters Yemen) સૌથી મોંઘી અને આધુનિક સૈન્ય ટેક્નોલોજી ધરાવતા દેશોમાંનો એક. સાઉદી અરેબિયા!પણ હવે દાવો એવો છે કે યમનના આ હૂતી બળવાખોરોએ સાઉદીનું F-15 ફાઇટર જેટ જ તોડી પાડ્યું! મિસાઇલના હુમલાનો (Houthi Missile Attack) વીડિયો જાહેર થયો છે, કાટમાળની તસવીરો પણ સામે આવી છે…અને સૌથી મોટો સવાલ આખરે આ હૂતીઓ છે કોણ?સાઉદી અરેબિયા જેવા દેશને તેઓ વર્ષોથી કેમ પરેશાન કરી રહ્યા છે?અમેરિકા સાઉદીની પડખે હોવા છતાં સીધા યુદ્ધમાં કેમ ઉતરવા માગતું નથી?અને પાકિસ્તાન-તુર્કિયે જેવા સાથી દેશો પણ સીધી સૈન્ય મદદ કરતાં મધ્યસ્થીની વાત કેમ કરી રહ્યા છે?આ આખી કહાની માત્ર યમનની નથી…આમાં ઈરાન, સાઉદી, અમેરિકા, પાકિસ્તાન અને લાલ સમુદ્રના વૈશ્વિક વેપાર … બધું જોડાયેલું છે.ચાલો સમજીએ… હૂતી બળવાખોરોનો આખો ખેલ!
Houthi Fighters Yemen: સાઉદીના F-15ને તોડી પાડવાનો દાવો અને ઈરાન કનેક્શન
હૂતીઓ યમનનું સશસ્ત્ર રાજકીય સંગઠન છે, જેનો આધાર (Iran Houthi Connection) મુખ્યત્વે ઝૈદી શિયા સમુદાયમાં છે. 1990ના દાયકામાં હુસૈન અલ-હૂતીના નેતૃત્વમાં આ આંદોલન ઊભું થયું અને 2014માં હૂતીઓએ યમનની રાજધાની સના પર કબજો કરી લીધો. ત્યારબાદ યમનમાં ગૃહયુદ્ધ વધુ ભડક્યું અને 2015માં સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળનું ગઠબંધન હૂતીઓ સામે યુદ્ધમાં ઉતર્યું. અહીંથી યમનનું યુદ્ધ સાઉદી અને ઈરાન વચ્ચેની પ્રાદેશિક ટક્કર સાથે જોડાઈ ગયું. ઈરાન પર હૂતીઓને હથિયાર અને ટેક્નિકલ મદદ આપવાનો લાંબા સમયથી આરોપ છે, જ્યારે સાઉદી યમનની સરકાર અને તેના સાથી જૂથોને સમર્થન આપે છે.
હૂતીઓ પાસે સાઉદી જેવી મોટી વાયુસેના કે અબજો ડોલરની સૈન્ય વ્યવસ્થા નથી, પરંતુ તેમની લડવાની રીત અલગ છે. તેઓ ડ્રોન, મિસાઇલ અને છુપાયેલા મોબાઇલ લોન્ચર જેવી અસમતુલિત યુદ્ધ પદ્ધતિનો ઉપયોગ કરે છે. બીજી તરફ સાઉદી સમર્થિત યમની જૂથોમાં એકસરખું કમાન્ડ માળખું નથી. એટલે જમીન પર સંકલન મુશ્કેલ બને છે. સૌથી મહત્વની વાત એ છે કે યમનની ભૌગોલિક સ્થિતિ પણ હૂતીઓને ફાયદો આપે છે. હવે હૂતીઓ લાલ સમુદ્રના મહત્વના (Red Sea Crisis) વિસ્તારો અને બાબ અલ-મંદેબ જેવા વ્યૂહાત્મક દરિયાઈ માર્ગની નજીક પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આથી ચિંતા માત્ર સાઉદીની નથી, પરંતુ વૈશ્વિક વેપાર માટે પણ છે.
તાજેતરમાં સાઉદીએ એવો દાવો કર્યો કે હૂતીઓ તરફથી આવેલો ડ્રોન મક્કાની દિશામાં હતો અને તેને રસ્તામાં જ અટકાવવામાં આવ્યો, જ્યારે હૂતીઓએ મક્કાને નિશાન બનાવવાનો ઇનકાર કર્યો છે. આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે, કારણ કે મક્કા મુસ્લિમોનું સૌથી પવિત્ર શહેર છે. બીજી તરફ અમેરિકા સાઉદીનો મહત્વનો સાથી હોવા છતાં હૂતીઓ સામે સીધું મોટું સૈન્ય અભિયાન શરૂ કરવામાં સાવચેતી રાખી રહ્યું છે. કારણ કે આવું પગલું મધ્યપૂર્વમાં સંઘર્ષને વધુ મોટો બનાવી શકે છે. પાકિસ્તાન પણ સાઉદી સાથે નજીકના સંબંધો હોવા છતાં સીધી લડાઈમાં ઉતરવાને બદલે રાજદ્વારી અને મધ્યસ્થીનો રસ્તો અપનાવી રહ્યું છે.
તો આખરે…શું હૂતીઓ સાઉદી અરેબિયા કરતાં વધારે શક્તિશાળી બની ગયા છે? જવાબ એટલો સરળ નથી.સાઉદી પાસે વિશાળ આર્થિક શક્તિ, આધુનિક વાયુસેના અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો છે.હૂતીઓ પાસે એ સ્તરની પરંપરાગત સૈન્ય શક્તિ નથી.પરંતુ હૂતીઓએ એક બીજી વસ્તુ સાબિત કરી છે ..નાની કે બિનપરંપરાગત સૈન્ય શક્તિ પણ યોગ્ય ભૂગોળ, લાંબા ગાળાની તૈયારી, ડ્રોન-મિસાઇલ ક્ષમતા અને અસમતુલિત યુદ્ધ પદ્ધતિથી મોટી શક્તિને ભારે કિંમત ચૂકવવા મજબૂર કરી શકે છે.અને હવે આ યુદ્ધનો સૌથી મોટો દાવ માત્ર યમનની જમીન નથી.દાવ છે ..મક્કાની સુરક્ષા…સાઉદીની ઊર્જા સુરક્ષા…લાલ સમુદ્રનો વેપાર માર્ગ…અને સૌથી મહત્વનું…મધ્યપૂર્વમાં ઈરાન અને સાઉદી વચ્ચેની શક્તિની લડાઈ.F-15 ખરેખર હૂતીઓએ તોડી પાડ્યું કે નહીં, તેની સંપૂર્ણ સ્વતંત્ર પુષ્ટિ હજુ બાકી છે.પરંતુ એક વાત સ્પષ્ટ છે ..હૂતીઓને હવે માત્ર પહાડોમાં છુપાયેલા બળવાખોરો તરીકે જોવાની ભૂલ કોઈ મોટી શક્તિ કરી શકે નહીં.કારણ કે તેમની એક મિસાઇલ કે એક ડ્રોનનો પડઘો…યમનથી નીકળીને મક્કા, રિયાધ, વોશિંગ્ટન અને આખા વૈશ્વિક વેપાર સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો: નાઈજીરિયામાં કસ્ટડીમાં 37 લોકોના મોતથી ખળભળાટ, બીમારીના દાવા વચ્ચે ખરાબ વેન્ટિલેશનની આશંકા
આ પણ વાંચો: UN રિપોર્ટમાં ઈરાનની ગર્લ્સ સ્કૂલ પર હુમલાનો ઉલ્લેખ, 120 થી વધુના મોતની આશંકા
આ પણ વાંચો: US સંસદમાં 100% ટેરિફનું બિલ પાસ, ટ્રમ્પના હાથમાં મોટું હથિયાર, ભારત પર શું અસર થશે?
