Business News : વિશ્વના જાણીતા રોકાણકાર વોરેન બફે (Warren Buffett)એ 96 વર્ષની વયે Berkshire Hathawayના ચેરમેન પદેથી વિદાય લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. 18 સપ્ટેમ્બર 2026ના રોજ શેરધારકોને લખેલા પત્ર બાદ કંપનીએ સત્તાવાર રીતે જાહેરાત કરી કે બફે હવે ચેરમેન એમેરિટસ (Chairman Emeritus) તરીકે રહેશે. જોકે તેઓ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે યથાવત રહેશે અને પોતાના અનુભવથી માર્ગદર્શન આપતા રહેશે.
વોરેન બફે (Warren Buffett)નો છ દાયકાનો સફર
વોરેન બફે (Warren Buffett) 1965થી Berkshire Hathaway સાથે જોડાયેલા છે. તેમના નેતૃત્વ હેઠળ એક સમયે ટેક્સટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલી કંપની એક વિશાળ વૈશ્વિક બિઝનેસ સમૂહમાં પરિવર્તિત થઈ. હાલ Berkshire Hathawayનું માર્કેટ વેલ્યુ આશરે 1.1 ટ્રિલિયન ડૉલર છે. બફે 1970થી કંપનીના ચેરમેન રહ્યા હતા.
બફેએ શેરધારકોને લખેલા પત્રમાં પોતાની લાંબી સફરનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સમય સામે દરેક વ્યક્તિએ અંતે આગળ વધવું પડે છે. તેમણે કંપની સાથે છ દાયકાથી વધુ સમય વિતાવ્યો છે અને હવે ઉત્તરાધિકારની પ્રક્રિયાનો આગામી તબક્કો શરૂ થઈ રહ્યો છે.
પુત્ર હોવર્ડ બફે (Howard Buffett) બનશે ચેરમેન
Berkshire Hathawayના લાંબા સમયથી ચાલી રહેલા ઉત્તરાધિકાર આયોજન હેઠળ હવે Howard G. Buffettને બોર્ડના નવા ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હોવર્ડ 1993થી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર તેમની મુખ્ય ભૂમિકા Berkshireની સંસ્કૃતિ અને મૂલ્યોને જાળવી રાખવાની રહેશે.
હોવર્ડ 1999થી Howard G. Buffett Foundationના ચેરમેન અને CEO પણ છે. આ ફાઉન્ડેશન વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને સંઘર્ષ નિવારણ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. તેઓ અગાઉ અનેક જાહેર અને ખાનગી કંપનીઓના બોર્ડ સાથે પણ જોડાયેલા રહ્યા છે.
CEOની જવાબદારી ગ્રેગ એબેલ પાસે રહેશે
કંપનીના દૈનિક સંચાલનની જવાબદારી ગ્રેગ એબેલ (Greg Abel) પાસે રહેશે. તેઓ અગાઉ બફે પાસેથી CEOની જવાબદારી સંભાળી ચૂક્યા છે. હવે નવી વ્યવસ્થામાં એબેલ CEO તરીકે કંપનીનું સંચાલન કરશે, જ્યારે હોવર્ડ ચેરમેન તરીકે Berkshireની લાંબા સમયથી ચાલતી વ્યવસાયિક સંસ્કૃતિ અને મૂલ્યોના સંરક્ષણ પર ધ્યાન આપશે.
સાથે જ Susan L. Decker Lead Independent Director તરીકે પોતાની ભૂમિકા ચાલુ રાખશે. કંપનીના બોર્ડે જણાવ્યું છે કે વોરેન બફેનો અનુભવ અને દૃષ્ટિકોણ હજુ પણ કંપની માટે ઉપલબ્ધ રહેશે.
આ રીતે Berkshire Hathawayમાં નેતૃત્વ પરિવર્તનનો મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. બફે ચેરમેન પદ છોડ્યા બાદ પણ બોર્ડમાં રહીને માર્ગદર્શન આપશે, જ્યારે કંપનીનું ઓપરેશનલ નેતૃત્વ ગ્રેગ એબેલ અને બોર્ડ સ્તરની જવાબદારી હોવર્ડ બફે સંભાળશે.
