Gandhinagar News/ ગાંધીનગરમાં Blinkit સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ, ગંદકી અને કરોળિયાના જાળા મળ્યા

ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલા Blinkit સ્ટોરમાં તપાસ દરમિયાન ગંદકી અને અસ્વચ્છતા મળી આવતાં ફૂડ વિભાગે લાયસન્સ સસ્પેન્ડ (Food License) કરી સ્ટોરનો ધંધો બંધ કરાવ્યો છે

Top Stories Gandhinagar Gujarat
ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલા Blinkit સ્ટોરમાં તપાસ દરમિયાન ગંદકી અને અસ્વચ્છતા મળી આવતાં ફૂડ વિભાગે લાયસન્સ સસ્પેન્ડ (Food License) કરી સ્ટોરનો ધંધો બંધ કરાવ્યો છે

Gandhinagar News : ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલા Blinkit સ્ટોરમાં તપાસ દરમિયાન ગંદકી અને અસ્વચ્છતા મળી આવતાં ફૂડ વિભાગે લાયસન્સ સસ્પેન્ડ (Food License) કરી સ્ટોરનો ધંધો બંધ કરાવ્યો છે. સ્ટોરમાં કરોળિયાના જાળા, યોગ્ય સ્ટોરેજના અભાવ સહિતની ખામીઓ સામે આવ્યા બાદ તંત્રએ ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપી છે.

રાયસણના Blinkit સ્ટોરમાં તપાસ

ગાંધીનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગને મળેલી ફરિયાદના આધારે રાયસણ વિસ્તારમાં આવેલા સ્ટોર (Gandhinagar Blinkit Store)માં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્ટોરની સ્વચ્છતા અને હાઈજીન અંગે ગંભીર ખામીઓ જોવા મળી હતી. દીવાલો પર કરોળિયાના જાળા બાઝેલા હતા અને ખાદ્યસામગ્રી રાખવા માટેના રેક પણ પૂરતી સફાઈ વગરના હોવાનું સામે આવ્યું હતું.

ગંદકી વચ્ચે ખાદ્યસામગ્રીનો સંગ્રહ

તપાસ દરમિયાન ખાદ્યસામગ્રીના સંગ્રહ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું. ગ્રાહકોને ડિલિવરી કરવાની ચીજવસ્તુઓ અસ્વચ્છ રેક પર રાખવામાં આવી હતી. ફૂડ સેફ્ટી (Food Safety)નિયમો હેઠળ જરૂરી સ્વચ્છતા અને હાઈજીન જાળવવામાં આવી ન હોવાથી તંત્રએ કાર્યવાહી કરી હતી.

આ મામલે સ્ટોરને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે અને લાયસન્સ સસ્પેન્ડ (Food License) કરવામાં આવ્યું છે. નિયમ મુજબ કંપનીને ખામીઓ દૂર કરવા માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જરૂરી સુધારા કર્યા બાદ દસ્તાવેજો રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જ સ્ટોર ફરી શરૂ કરવાની મંજૂરી મળી શકશે.

14 હોસ્ટેલ-કેન્ટીનમાં પણ તપાસ

ગાંધીનગરમાં ફૂડ વિભાગ (Food Department)દ્વારા હોસ્ટેલ અને કેન્ટીનમાં પણ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. NID, NIFT સહિત કુલ 14 હોસ્ટેલ-કેન્ટીનની ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન વિવિધ સ્થળોએથી ખાદ્યપદાર્થોના કુલ 34 નમૂના લેવામાં આવ્યા છે.

યુથ હોસ્ટેલ ગીતા રેસિડેન્સીમાં અસ્વચ્છતા જોવા મળતાં ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. લેવામાં આવેલા નમૂનાઓના લેબ રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ સેફ્ટી અંગે તંત્રની કડક સૂચના

મહાનગરપાલિકાના ડેઝિગ્નેટેડ ઓફિસર એસ.એ. ઓડે ફૂડ બિઝનેસ, હોસ્ટેલ અને કેન્ટીન સંચાલકોને સ્વચ્છતા જાળવવા સૂચના આપી છે. રસોડાના કર્મચારીઓ માટે કેપ, એપ્રોન અને ગ્લોવ્ઝનો ઉપયોગ ફરજિયાત કરવા જણાવાયું છે.

આ ઉપરાંત તૈયાર ખોરાકમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ ન કરવા, ન્યૂઝપેપરમાં ખોરાક ન પીરસવા અને નાશવંત ખાદ્યચીજોને યોગ્ય તાપમાને રાખવા પણ સૂચના આપવામાં આવી છે. ફૂડ વિભાગે આગામી દિવસોમાં પણ તપાસની કામગીરી ચાલુ રાખવાની વાત કરી છે.


આ પણ વાંચો : Blinkitના સ્ટોરમાં Food & Drug વિભાગની રેડ, ખાદ્ય સામગ્રીની સ્થિતિ જોઈ અધિકારીઓ ચોંક્યા

આ પણ વાંચો : Blinkitએ કરી છેતરપિંડી? 1 લીટર તેલનો Fraud…સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ‘સિંઘમ’નો હન્ટર: FDAની કાર્યવાહીથી કેમ મચ્યો હડકંપ?