Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) સિટી સેશન્સ કોર્ટની વિશેષ POCSO અદાલતે સગીરા સાથે દુષ્કર્મના કેસમાં 28 વર્ષીય આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. વર્ષ 2024માં આરોપી વિરુદ્ધ BNS અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. 10 સાક્ષીઓ અને 28 દસ્તાવેજી તથા અન્ય પુરાવાઓના આધારે જજ એચ.એન. દેસાઈએ ચુકાદો સંભળાવ્યો હતો. કેસની વિગતો મુજબ, ફરિયાદી પોતાની પત્નીની સારવાર માટે હોસ્પિટલ ગયા હતા. તે દરમિયાન તેમની 17 વર્ષ અને 2 મહિનાની સગીર દીકરી ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પણ તેનો પત્તો ન મળતાં રામોલ પોલીસ સ્ટેશન અમદાવાદમાં(Ahmedabad) અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બસ અને ટ્રેનથી અજમેર લઈ ગયો
તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી સગીરાને બસ અને ટ્રેન મારફતે વડોદરા અને સુરત થઈને અજમેર લઈ ગયો હતો. ત્યાં તેને સમીર ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવી હતી. ફરિયાદ મુજબ આરોપીએ સગીરાને તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. અદાલત સમક્ષ સગીરાએ પણ આરોપી દ્વારા ધમકી આપવામાં આવી હોવાની અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની જુબાની આપી હતી. અદાલતે નોંધ્યું કે અમદાવાદ(Ahmedabad) સિટી સેશન્સ કોર્ટે POCSO કાયદા હેઠળ સગીરાની સંમતિને કાયદેસર સંમતિ માનવામાં આવતી નથી.
મેડિકલ અને FSL રિપોર્ટથી પુરાવાને સમર્થન
કેસમાં સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરના રિપોર્ટ, ગાયનેકોલોજિસ્ટની તપાસ અને FSL રિપોર્ટ સહિતના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. અજમેરના ગેસ્ટ હાઉસના રજિસ્ટરની એન્ટ્રી અને આધાર કાર્ડની નકલો દ્વારા આરોપી અને સગીરા સાથે રોકાયા હોવાની વિગતોને પણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી. આ તમામ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઈને કોર્ટે 28 વર્ષીય આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આરોપી પરણિત છે અને એક બાળકનો પિતા હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો:અમદાવાદમાં સગીરા દુષ્કર્મ કેસ: અંગત વીડિયો પોર્ન સાઇટ પર અપલોડ થતાં ભાંડો ફૂટ્યો
આ પણ વાંચો:અમદાવાદમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે સાવકા પિતાને આજીવન કેદ
આ પણ વાંચો:સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં સાવકા પિતાની ધરપકડ, વીડિયો પુરાવો સામે આવ્યો
