Ahmedabad News : શહેરના વેજલપુર વિસ્તારમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ (Rape)આચરવાના અને તેના અંગત ફોટા-વીડિયોનો ઉપયોગ કરીને બ્લેકમેલ કરવાના આરોપમાં પોલીસે 25 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને POCSO સહિતની કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
લગ્નની લાલચ આપી સગીરાનું શોષણ કરવાનો આરોપ
પોલીસ તપાસ મુજબ, આરોપીએ સગીરાને પ્રેમસંબંધમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેની સાથે અનેકવાર દુષ્કર્મ (Rape)આચર્યું હોવાનો આરોપ છે. આ દરમિયાન આરોપીએ સગીરાના અંગત ફોટા અને વીડિયો પણ બનાવ્યા હતા.
મિત્ર સાથે સંબંધ બાંધવા માટે દબાણ
તપાસમાં એવો પણ આરોપ સામે આવ્યો છે કે યુવકે સગીરા (Minor Girl)પર પોતાના એક મિત્ર સાથે સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. સગીરાએ વિરોધ કરતાં આરોપી દ્વારા તેના અંગત વીડિયો અને ફોટાનો ઉપયોગ કરીને તેને બ્લેકમેલ કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે.
પોર્ન સાઇટ પર વીડિયો અપલોડ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો
આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સગીરાનો અંગત વીડિયો પોર્નોગ્રાફિક વેબસાઇટ પર જોવા મળ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ પરિવાર તરફથી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી.
આરોપી જુનેદ શેખની ધરપકડ
વેજલપુર પોલીસે ગુનો નોંધીને આરોપી જુનેદ શેખની ધરપકડ કરી છે. પોલીસે વીડિયો ક્યારે, ક્યાં અને કઈ રીતે અપલોડ કરવામાં આવ્યો હતો તેમજ આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા ડિજિટલ પુરાવા એકત્ર કરવાની સાથે આરોપીના મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. કેસની વધુ તપાસ ચાલુ છે.
