Surat News/ ટેક્નોલોજીનો અતિરેક અને નાની અમસ્તી બેદરકારી કેટલી ભારે પડી શકે છે, તેનો જીવતોજાગતો કિસ્સો સુરતના જહાંગીરપુરામાંથી સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર ‘લિટલ ગ્લવ્ઝ’ (Little Gloves) તરીકે લોકપ્રિય અને લાખો ચાહકો ધરાવતી ડિજિટલ ઇન્ફ્લુએન્સર શિવાની કપિલા (Shivani Kapila)ના ઘરમાં પાવર બેંક બ્લાસ્ટ થવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં તેનો બેડરૂમ આગની ચપેટમાં આવી ગયો હતો. આ ઘટના શિવાનીએ સોશિયલ મીડિયા પર શેર કરતા રડતા અવાજે કહ્યું કે, “મારી સખત મહેનતની કમાણી પલભરમાં વેરવિખેર થઈ ગઈ.”

Shivani Kapila હોસ્પિટલ પહોંચતા જ આવ્યો
ઘટનાની વિગતો મુજબ, શિવાની તેની સાસુને અચાનક તીવ્ર તાવ આવવાને કારણે હોસ્પિટલ લઈને ગઈ હતી. ઘરમાં માત્ર તેના પિતા જ હાજર હતા. શિવાની હજુ હોસ્પિટલ પહોંચી જ હતી ત્યાં જ તેના ફોન પર રૂમમાં આગ લાગી હોવાના સમાચાર આવ્યા. તે તાબડતોબ ઘરે પહોંચી ત્યારે બેડરૂમની સ્થિતિ જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. રૂમમાં એક જાણીતી બ્રાન્ડની આશરે રૂપિયા 4000 થી 4500 ની કિંમતની વાયરલેસ પાવર બેંક ચાર્જિંગમાં મુકેલી હતી. ચાર્જિંગ દરમિયાન આ ઉપકરણ પાછળના ભાગથી અચાનક પ્રચંડ ધડાકા સાથે ફાટ્યું હતું, જેને કારણે આખા રૂમમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.
રૂમમાં બંધ મૂંગા પશુનો ‘ચમત્કારિક બચાવ’

આ ભયાનક દુર્ઘટના સમયે શિવાનીનો પાલતુ શ્વાન ‘કોકો’ એ જ રૂમની અંદર બંધ હતો. એસી ચાલુ હોવાને કારણે તેને ત્યાં રાખવામાં આવ્યો હતો. આગ લાગતાં જ રૂમમાં કાળોઝેર ધુમાડો ભરાઈ ગયો હતો. જોકે, શિવાનીના પિતા અને તેના મેનેજર રાજીવે ત્વરિત સૂઝબૂઝ બતાવી જીવના જોખમે પાણીનો મારો ચલાવ્યો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. સદનસીબે ‘કોકો’ને ધુમાડાની વચ્ચેથી સુરક્ષિત બહાર કાઢી લેવાયો હતો. તેના શરીરના પાછળના ભાગના થોડા વાળ બળવા સિવાય તેને કોઈ મોટી ઈજા થઈ નથી, પરંતુ આ આઘાતથી તે અત્યારે ઊંડા ડરમાં છે.
સપનાના ઘરમાં ‘યાદગીરીઓ’ પણ બળી ગઈ
આગ એટલી પ્રચંડ હતી કે રૂમનું એર કંડિશનર (AC), લાઈટો, તમામ સ્વિચબોર્ડ, મોંઘી એક્સેસરીઝ અને કપડાં ઓગળીને રાખ થઈ ગયા છે. શિવાની માટે સૌથી મોટો ફટકો એ હતો કે તેની પુત્રી આધ્યાની બાળપણની યાદગીરી રૂપે બનાવેલું વોલ ડ્રોઈંગ અને યુટ્યુબ તરફથી મળેલા પ્રતિષ્ઠિત સિલ્વર, ગોલ્ડન અને ડાયમંડ પ્લે બટન પણ આ આગની લપેટમાં આવીને નાશ પામ્યા છે. મિડલ ક્લાસમાંથી આવીને હોંશથી બનાવેલું સપનાનું ઘર પલભરમાં બરબાદ થઈ જતાં શિવાની ભાંગી પડી છે.
ગેજેટ્સ વાપરનારાઓ માટે લાલબત્તી સમાન ચેતવણી
આ ભયાનક અનુભવ બાદ શિવાનીએ તેના લાખો ફોલોઅર્સને એક ખૂબ જ મહત્વની અપીલ કરી છે. તેણે જણાવ્યું કે, આજકાલ ઘરોમાં તમામ સામગ્રી સિન્થેટિક હોવાથી આગ ખૂબ ઝડપથી પકડે છે. તેથી ક્યારેય પણ પાવર બેંક કે મોબાઈલ જેવા ગેજેટ્સને બેડ પર અથવા સૂતી વખતે માથાની નજીક રાખીને ચાર્જ ન કરવા જોઈએ.
આ અકસ્માત બાદ રૂમમાં ફેલાયેલા ઝેરી કાર્બન મોનોક્સાઇડ ધુમાડાના કારણે શિવાની અને તેના પરિવારના સભ્યોને સતત ઉલ્ટીઓ અને પેટમાં દુખાવાની તકલીફ થઈ રહી છે. હાલમાં આખો પરિવાર આ મોટી આર્થિક અને માનસિક નુકસાનીના આઘાતમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ગેસની મુખ્ય પાઇપલાઈનમાં આગથી દોડધામ, લોકો સુરક્ષિત સ્થળે ખસ્યા
આ પણ વાંચો: સુરત : મંતવ્ય ન્યૂઝમાં કેમિકલ યુક્ત પાણીના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું
આ પણ વાંચો: કૌશાંબીમાં LPG ટેન્કરમાં ભીષણ આગ, ટોલ પ્લાઝા સાથે અથડાતા 5 કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા
