Dholka News/ ધોળકાના ભેટાવાડામાં કેમિકલયુક્ત પાણી સામે આંદોલન ઉગ્ર, હજારો લોકો રેલીમાં જોડાયા

ધોળકાના ભેટાવાડા (Bhetawada)સહિત પાંચ ગામોમાં પાણી પ્રદૂષણના મુદ્દે 33 દિવસથી વધુ સમયથી આંદોલન યથાવત. હજારો લોકો રેલીમાં જોડાયા.

Gujarat Ahmedabad Breaking News
Bhetawada

Dholka News: ધોળકા તાલુકાના ભેટાવાડા ગામ સહિત આસપાસના પાંચ ગામોમાં પાણી પ્રદૂષણની સમસ્યાને લઈને ચાલી રહેલું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. છેલ્લા 33 દિવસથી વધુ સમયથી ચાલી રહેલા વિરોધ વચ્ચે ભેટાવાડા ગામથી મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને આગેવાનો રેલી સ્વરૂપે ધોળકા APMC ખાતે પહોંચ્યા હતા.

કેમિકલયુક્ત પાણી સામે Bhetawadaમાં વિરોધ

ભેટાવાડા સહિત આસપાસના ગામોમાં પાણી પ્રદૂષણની સમસ્યા વર્ષોથી હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ અંગે અગાઉ પણ મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કાયમી ઉકેલ આવ્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સામાજિક કાર્યકર પ્રફુલ બી. મહેતાએ અમદાવાદ જિલ્લા કલેક્ટર તેમજ ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

હજારો લોકો રેલીમાં જોડાયા

 

 Bhetawada
Protest against polluted water in Bhetawada

પાણી પ્રદૂષણના મુદ્દે ભેટાવાડા ગામથી મોટી સંખ્યામાં ખેડૂતો (Dholka Farmers)અને આગેવાનો એકત્ર થઈ ધોળકા APMC (Dholka APMC)ખાતે પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને હાથમાં બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ દરમિયાન સરપંચના પતિએ ગળામાં કેમિકલયુક્ત પાણી (Chemical-laden water)ભરેલી બોટલોનો હાર પહેરીને વિરોધ નોંધાવ્યો હોવાની માહિતી સામે આવી છે. રેલીમાં હજુ વધુ ખેડૂતો જોડાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

ગટર લાઇન અને STP વ્યવસ્થા અંગે સવાલો

ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં વર્ષ 2023માં RTI હેઠળ મળેલી માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવેદન મુજબ, ધોળકા શહેરના કેટલાક વિસ્તારોમાં ગટર લાઇનના જોડાણો બાકી હોવાના કારણે ગંદુ પાણી ભેટાવાડા, ત્રાસદ સહિતના વિસ્તારો તરફ વહેતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ધોળકા નગરપાલિકાના STP અને ગટર જોડાણોની વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

ઔદ્યોગિક એકમોના પાણીની તપાસની માગ

સ્થાનિકોના આક્ષેપ મુજબ કેટલાક ઔદ્યોગિક એકમોમાંથી કેમિકલયુક્ત પાણી ભળતું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે પાણીના સ્ત્રોતો અને ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા પાણીની તપાસ કરવાની તથા જો નિયમોનો ભંગ સામે આવે તો જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

33 દિવસથી વધુ સમયથી ચાલી રહ્યું છે આંદોલન

ભેટાવાડા સહિત આસપાસના પાંચ ગામોના ગ્રામજનો દ્વારા પાણી પ્રદૂષણ (Water Pollution)ના મુદ્દે છેલ્લા 33 દિવસથી વધુ સમયથી આંદોલન ચાલી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હવે આંદોલન વધુ ઉગ્ર બનતા તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર છે. ગ્રામજનોની મુખ્ય માંગમાં પાણી પ્રદૂષણની તપાસ, ગંદા અને કેમિકલયુક્ત પાણીના વહેણને રોકવા માટે કાયમી ઉકેલ તથા જવાબદાર સામે કાર્યવાહીનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો: ‘પાણી નહીં, ઝેર મળી રહ્યું છે!’ ધોળકાના ભેટાવાડામાં કેમિકલયુક્ત પાણી સામે ગ્રામજનોનો મોરચો

આ પણ વાંચો: રાજ્યમાં પાણીની અછતને લઈ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર સાધ્યુ નિશાન

આ પણ વાંચો: ધોળકામાં પ્રદૂષિત પાણીથી ગંભીર બીમારીઓનો ખતરો, ગ્રામજનોનું આંદોલન