Ahmedabad News: અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની પાણીની ટાંકીમાંથી ખોપરી અને બે-ત્રણ હાડકાં મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.
આ અવશેષો માનવીના છે કે પ્રાણીના તે અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. શાહીબાગ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને FSLની મદદથી અવશેષોની તપાસ કરવામાં આવી રહી છે.
ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ ખોપરી અને હાડકાંની ઓળખ સ્પષ્ટ થશે.
પાણીની ટાંકીમાંથી મળ્યા ખોપરી-હાડકાં
અસારવાના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની ટાંકીમાં તપાસ દરમિયાન ખોપરી તથા બે-ત્રણ હાડકાં મળી આવ્યા હતા.
પ્રાથમિક રીતે આ અવશેષો માનવીના હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, પરંતુ પોલીસ દ્વારા હજુ કોઈ અંતિમ નિષ્કર્ષ આપવામાં આવ્યો નથી.
હવે FSL તપાસ અને તબીબી અભિપ્રાય બાદ જ સત્ય સામે આવશે.
ટાંકીમાં અવશેષો આવ્યા કેવી રીતે?
પોલીસ સામે હવે સૌથી મોટો સવાલ એ છે કે આ અવશેષો પાણીની ટાંકીની અંદર પહોંચ્યા કેવી રીતે?
કોઈ વ્યક્તિ અકસ્માતે ટાંકીમાં પડી હતી કે પછી બહારથી કોઈ પ્રાણીના અવશેષો અંદર આવ્યા હતા, તે સહિતની વિવિધ શક્યતાઓ તપાસવામાં આવી રહી છે.
ટાંકીની આસપાસની હિલચાલ અને ત્યાં અવરજવર કરતા લોકો અંગે પણ પોલીસ માહિતી મેળવી રહી છે.
જાન્યુઆરી 2025 બાદ ટાંકીની સફાઈ નહીં
આ ઘટનાની સાથે પાણીની ટાંકીની જાળવણીનો મુદ્દો પણ સામે આવ્યો છે.
AMCના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા મુજબ ટાંકીની છેલ્લી સફાઈ જાન્યુઆરી 2025માં કરવામાં આવી હતી.
નિયમ પ્રમાણે પાણીની ટાંકીની સફાઈ દર 6 મહિને થવી જોઈએ. જોકે ત્યારબાદ લાંબા સમય સુધી સફાઈ કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે.
કૃણાલ બિલ્ડર્સને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી
ટાંકીની(Asarwa Water Tank) નિયમિત સફાઈની જવાબદારી મેસર્સ કૃણાલ બિલ્ડર્સને સોંપવામાં આવી હતી. નિયમ મુજબ સફાઈ ન કરવામાં આવતા AMC દ્વારા હવે આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ખોપરી-હાડકાં મળવાની ઘટનાની તપાસ સાથે ટાંકીની જાળવણીમાં થયેલી બેદરકારી અંગે પણ કાર્યવાહી થઈ રહી છે.
વોટર સેન્ટરની કામગીરી મહિમા કંપની પાસે
અસારવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરના(Asarwa Water Tank) વોટર ઓપરેશન્સ અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ મહિમા નામની કંપનીને આપવામાં આવ્યો છે.
પાણી વિતરણ કેન્દ્રની કામગીરી આ એજન્સી સંભાળે છે, જ્યારે ટાંકીની(Asarwa Water Tank) સફાઈ માટે અલગ કોન્ટ્રાક્ટર હતો.
ત્યારે નિયમિત સફાઈ કેમ કરવામાં આવી નહીં અને ટાંકીમાં (Asarwa Water Tank) અવશેષો કેવી રીતે પહોંચ્યા તે બંને મુદ્દે હવે તપાસ આગળ વધી રહી છે.
