Ahmedabad News : અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં એક સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ હિંસક બનાવમાં ફેરવાતા ચકચાર મચી છે. એક્ટિવા પાર્ક કરવા મુદ્દે થયેલી બોલાચાલી દરમિયાન અસામાજિક તત્વોએ આતંક ફેલાવી સ્થાનિક વેપારી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
અસામાજિક તત્વોએ આતંક(Terror) ફેલાવી સ્થાનિક વેપારી પર હુમલો કર્યો
મળતી માહિતી મુજબ, પાર્થ પટેલ નામના વેપારી પોતાના દૈનિક કામકાજમાં વ્યસ્ત હતા ત્યારે પાર્કિંગ બાબતે કેટલાક શખ્સો સાથે તેમની બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપીઓ જાહેરમાં અપશબ્દો બોલતા હોવાથી વેપારીએ તેમને ગાળો ન બોલવા સમજાવ્યું હતું. જોકે, આટલી નાની બાબતને લઈને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને વેપારી પર તૂટી પડીને મારામારી કરી.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે આરોપીઓ જાહેરમાં વેપારી સાથે હિંસક વર્તન કરી રહ્યા છે. આ મામલે ભોગ બનનાર પાર્થ પટેલે રમેશ દેસાઈ અને મેહુલ દેસાઈ સામે સોલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે આરોપીઓ અગાઉથી પણ વિસ્તારમાં આતંક ફેલાવતા હોય છે, જેના કારણે વેપારીઓમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે.
ફરિયાદ અને CCTV પુરાવાના આધારે સોલા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે જાહેર શાંતિ ભંગ કરનાર અને વેપારીઓને ધમકાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઘટનાને પગલે ચાંદલોડિયા વેપારી મંડળોએ પણ એકત્રિત થઈને પોલીસ પાસે સુરક્ષા વધારવા અને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માંગ ઉઠાવી છે.
