Gujarat High Court Encroachment Ahmedabad: અમદાવાદ શહેરમાં વધતા જતા દબાણો અને ધ્વનિ પ્રદૂષણના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે મ્યુનિસિપલ કમિશનર, ગૃહ વિભાગના સેક્રેટરી અને GPCBના ચેરમેનને ઓનલાઇન હાજર રાખીને સવાલોની ઝડી વરસાવી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “દબાણ દૂર થયું હોય તેવો અમદાવાદનો એક રોડ તો બતાવો! લોકોએ હવે આશા છોડી દીધી છે.”
‘અમે પણ શહેરમાં ફરીએ છીએ, બધું દેખાય છે’
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સત્તાધીશોને ટકોર કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ છતાં માત્ર પોલિસી બનાવવામાં આવી છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ છે. કોર્ટે વેધક સવાલ કર્યો કે, “શું તમે કોમનવેલ્થ કે ઓલિમ્પિક આવશે ત્યારે જ શહેરને સારું બતાવવા કામ કરશો? લોકો માટે કામ ક્યારે થશે?” એડવોકેટ જનરલે જ્યારે કામગીરી થઈ હોવાની ખાતરી આપી, ત્યારે કોર્ટે પૂછ્યું કે આ કોર્ટરૂમમાં કોણ સ્વીકારશે કે દબાણ હટ્યા છે?
AMC કમિશનરનો બચાવ, 21 હજાર ફેરિયા હટાવ્યા
હાઇકોર્ટમાં ઓનલાઇન હાજર થયેલા AMC કમિશનર બંછાનિધિ પાનીએ અત્યાર સુધીની કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે, તાજેતરમાં ૩૩ હજારથી વધુ વાહનોને દંડ કરવામાં આવ્યો છે અને 21 હજારથી વધુ ફેરિયાઓને ફૂટપાથ પરથી દૂર કરાયા છે. આ કડક અમલીકરણના ભાગરૂપે અત્યાર સુધીમાં નિયમોના ભંગ બદલ કુલ 6.27 કરોડનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે હાલમાં એસ.જી. હાઈવે, જજીસ બંગલો અને નારણપુરા જેવા મુખ્ય માર્ગો પર કામગીરી ચાલુ છે, જોકે આ સાંભળીને હાઇકોર્ટે ટકોર કરતા વળતો સવાલ કર્યો હતો કે શું અમદાવાદમાં ફક્ત પશ્ચિમ વિસ્તાર જ છે અને આ પોલિસીનો અમલ પૂર્વ વિસ્તારમાં કેમ દેખાતો નથી?
Ahmedabad: ધ્વનિ પ્રદૂષણ પર ગૃહ વિભાગને ખરખરો
રાત્રે વાગતા ડીજે (DJ) અને લાઉડ સ્પીકર મુદ્દે પણ કોર્ટે ગૃહ સચિવ નિપુણા તોરવણેને આડે હાથ લીધા હતા. કોર્ટે કહ્યું કે, “રાત્રે 10 થી સવારે 6 સુધી લાઉડ સ્પીકર વાગે છે, તમે શું પગલાં લીધા? તમારા કેસ માત્ર પેપર ઉપર જ છે.” કોર્ટે આદેશ આપ્યો છે કે માત્ર ડીજે ટ્રક જ નહીં, પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતી તમામ પબ્લિક એડ્રેસ સિસ્ટમ સામે પગલાં લો.
જવાબદાર અધિકારીઓ સામે ચાર્જફ્રેમની ચીમકી
હાઇકોર્ટે અંતમાં કડક ચેતવણી આપી છે કે જો સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન નહીં થાય, તો જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે ચાર્જફ્રેમ (Charge Frame) કરવામાં આવશે. હવે આ મામલે આગામી સુનાવણી 18 જૂન, 2026 ના રોજ નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં હાઇકોર્ટે ફાયર ઓફિસર અને ATP ની ડિસ્ચાર્જ અરજી ફગાવી
આ પણ વાંચો: દિલ્હી સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે, હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી, ઉમર ખાલિદની અરજી….
આ પણ વાંચો: આસારામ આશ્રમને ઝટકો, હાઇકોર્ટે 45,000 ચોરસ મીટર જમીન ખાલી કરવાના આદેશ પર મારી મહોર
