New Delhi News : કોંગ્રેસે 2 ઓક્ટોબર 2026ના રોજ પંજાબ અને ઉત્તર પ્રદેશમાં સંગઠનાત્મક સ્તરે મોટા ફેરફારો (Congress Reshuffle)ની જાહેરાત કરી છે. પંજાબમાં અમરિંદર સિંહ રાજા વારિંગના રાજીનામા બાદ પૂર્વ ભારતીય હોકી કેપ્ટન અને જલંધર કેન્ટના ધારાસભ્ય પરગટ સિંહ (Pargat Singh)ને પંજાબ પ્રદેશ કોંગ્રેસ (Punjab Congress)સમિતિના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પંજાબ કોંગ્રેસની કમાન પરગટ સિંહને
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પરગટ સિંહની પંજાબ PCC પ્રમુખ તરીકે તાત્કાલિક અસરથી નિમણૂક કરી છે. આ નિર્ણય રાજા વારિંગે રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા પછી લેવામાં આવ્યો છે. પરગટ સિંહ (Pargat Singh)અગાઉ ભારતીય હોકી ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે અને જલંધર કેન્ટ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.
ઉત્તર પ્રદેશમાં આરાધના મિશ્રાને જવાબદારી
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે આરાધના મિશ્રા ‘મોના’ (Aradhana Mishra Mona)ને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ અજૈ રાયનું સ્થાન લેશે. આરાધના મિશ્રા હાલમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા રહી ચૂક્યા છે અને રામપુર ખાસ બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
ઇમરાન મસૂદ સહિત અનેક નિમણૂકો
કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં ઇમરાન મસૂદને પ્રદેશ એકમના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત દેવેન્દ્ર નિષાદ અને આલોક પ્રસાદને વરિષ્ઠ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ ચૌધરી વીરેન્દ્ર સિંહને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાની મંજૂરી પણ આપી છે.
આ ફેરફારો સાથે કોંગ્રેસે બંને મહત્વના રાજ્યોમાં સંગઠનના મુખ્ય હોદ્દાઓમાં ફેરબદલ (Congress Reshuffle)કર્યો છે. પંજાબમાં પરગટ સિંહ અને ઉત્તર પ્રદેશમાં આરાધના મિશ્રાની નિમણૂક સાથે રાજ્ય સંગઠનની નવી ટીમની શરૂઆત થઈ છે.
