Delhi News: SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પૂર્ણ કરી ચૂકેલાં 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી પંચ વિશેષ અભિયાન ચલાવશે. આ અભિયાનમાં સર દરમિયાન હટાવાયેલા લોકોનાં નામ ફરી તપાસાશે અને 18 વર્ષ પૂર્ણ કરનારા નવા મતદારોનાં નામ પણ યાદીમાં ઉમેરાશે. ગુજરાતમાં 68 લાખ અને મહારાષ્ટ્રમાં લગભગ બે કરોડ નામ મતદાર યાદીમાંથી હટાવાયાં છે.
20 રાજ્યોમાં ચાલશે વિશેષ અભિયાન

ચૂંટણી પંચે 29 સપ્ટેમ્બરે લેખિતમાં નિર્દેશ આપ્યો હતો. ગુરુવારે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારી (Chief Electoral Officer)ઓ સાથેની વિડિયો કોન્ફરન્સમાં પણ આ વાત ફરી જણાવાઈ હતી. સર દરમિયાન હટાવાયેલા લોકોનાં નામ ફરી તપાસવા ઉપરાંત નવા મતદારોને યાદીમાં ઉમેરવાનું કામ પણ આ અભિયાનમાં થશે.
SIR માં ભૂલથી કપાયેલાં નામ કેવી રીતે ઉમેરાશે?
પંચ સર પહેલાંની અને પછીની મતદાર યાદીની સરખામણી કરાવશે, જેથી ભૂલથી કાઢી નખાયેલા પાત્ર મતદારોની ઓળખ થઈ શકે. ત્યાર બાદ BLO ઘરે જઈને તપાસ કરશે. વ્યક્તિ ડુપ્લિકેટ કે મૃત ન હોવાનું જણાશે, તો ફોર્મ 6 દ્વારા તેનું નામ ફરી ઉમેરાશે. આ કામગીરીમાં રાજકીય પક્ષો અને બૂથ લેવલ એજન્ટોની મદદ પણ લેવાશે.
ફોર્મ 6માં રાહત

સર પૂર્ણ થયેલાં રાજ્યોમાં ચૂંટણી પંચે બુધવારે ફોર્મ 6માંથી વધારાનું ઘોષણાપત્ર હટાવી દીધું છે. એટલે હવે નામ કપાયા પછી ફરી ઉમેરાવવા માટે 2003ની મતદાર યાદીની માહિતી આપવી પડશે નહીં.
મહારાષ્ટ્રમાં ખાસ સાવચેતીની સૂચના
મહારાષ્ટ્ર (Maharashtra)માં સરની કામગીરી હજુ ચાલુ છે. ત્યાંના અધિકારીઓને સૂચના અપાઈ છે કે કોઈ પણ પાત્ર મતદારનું નામ કમી ન થાય તેની તકેદારી રાખવી. ડ્રાફ્ટ યાદીમાં આશરે 1.22 કરોડ રેકોર્ડ તપાસ માટે ચિહ્નિત કરાયા છે. તેમાંથી લગભગ 62.48 લાખ કેસ સંબંધીઓની માહિતીમાં ગડબડ સાથે જોડાયેલા છે. જ્યારે લગભગ 59.75 લાખ કેસમાં અગાઉની યાદીમાં સંબંધીઓ સાથે મેપિંગ થયું નથી.
મુંબઈ શહેર અને ઉપનગરના અધિકારીઓને દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ પછી જ નામ દૂર કરવા કહેવાયું છે. નોટિસ મેળવનારા લોકો માટે 3, 4, 10 અને 11 ઓક્ટોબરે વિશેષ કેમ્પ યોજાશે.
આ પણ વાંચો: SIR પૂર્ણ થયેલા રાજ્યોમાં Form 6માંથી વધારાનું ઘોષણાપત્ર દૂર, 2003ની મતદાર યાદી અંગેનો સવાલ હટ્યો
આ પણ વાંચો: નાગરિકતા નક્કી કોણ કરશે? SIR મુદ્દે ચૂંટણી પંચ સામે સવાલો
