Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)ના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં મંગળવારે સવારે કરુણ દુર્ઘટના સર્જાઈ. નવી બિલ્ડિંગ પાસે માટી પુરાણનું કામ ચાલતું હતું, ત્યારે બાજુની દીવાલ અચાનક તૂટી પડી અને તેની નીચે 27 વર્ષનો એક શ્રમિક દબાઈ ગયો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. મણિનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.
Ahmedabadની LG હોસ્પિટલમાં દુર્ઘટના
પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક છુટન શુક્રુમાર મંડલ (ઉં.વ. 27) મૂળ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના યાદપુરના રહેવાસી હતા. તેઓ હાલ એલ.જી. હોસ્પિટલ (LG Hospital)ના કમ્પાઉન્ડમાં જ રહીને મજૂરી કરતા હતા. મંગળવારે સવારે તેઓ જૂની હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કડિયા કામ કરી રહ્યા હતા. સવારે લગભગ 9 વાગ્યે નજીકમાં થઈ રહેલા માટી પુરાણને કારણે બાજુની દીવાલ પર દબાણ વધી ગયું. દીવાલ ધરાશાયી (Wall Collapse) થતાં તે સીધી છુટનભાઈ પર પડી.
આઈ.સી.યુ.માં ખસેડાયા, પણ બચી ન શક્યા
કાટમાળ નીચે દબાતાં છુટનભાઈને શરીરે ગંભીર મૂઢ ઈજાઓ થઈ હતી અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા. બનાવ બનતાં જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. સાથી મજૂર ક્રિષ્ના તેમને તરત જ હોસ્પિટલના આઈ.સી.યુ. (ICU) વોર્ડમાં લઈ ગયા, જ્યાં તબીબોએ સઘન સારવાર શરૂ કરી. જોકે ગંભીર ઈજાઓને કારણે સવારે 11 વાગ્યે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.
કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરાશે
હોસ્પિટલ ચોકીમાંથી જાણ મળતાં મણિનગર પોલીસ (Maninagar Police) સ્ટેશનના એ.એસ.આઈ. સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતકના પત્ની જુમાબેન વાગ્ચીનું વિગતવાર નિવેદન નોંધ્યું, ઇન્ક્વેસ્ટ પંચનામું કર્યું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે, પરંતુ તપાસમાં જો માટી પુરાણ કે બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટર અથવા સુરક્ષા વ્યવસ્થામાં કોઈની બેદરકારી સામે આવશે, તો તેમની સામે કડક ગુનાહિત કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:શ્રમિકોની સુરક્ષાને લઈ રાજ્ય સરકાર કેટલી ચિંતિત? 5 વર્ષમાં 555ના મોત
