Business News: નવી દિલ્હીથી લાખો કામદારો માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે કૃષિ, કન્સ્ટ્રકશન અને મેઇન્ટેનન્સની સાથે રોડ તથા બિલ્ડિંગના કામોમાં જોડાયેલા શ્રમિકોના મોંઘવારી ભથ્થા (Dearness Allowance)માં વધારો કર્યો છે. આ નિર્ણય 1 ઓક્ટોબર, 2026થી અમલી બન્યો છે. તહેવારો પહેલાં થયેલા આ વધારાથી અનસ્કિલ્ડ કામદારોને પ્રતિદિન 537 અને સ્કિલ્ડ કામદારોને 705 મળશે.
કેટેગરી મુજબ Dearness Allowanceમાં જુદો-જુદો વધારો
મોંઘવારી મુજબ ભથ્થું વધવાથી જુદી-જુદી કેટેગરીમાં શ્રમિકોના લઘુત્તમ વેતન (Minimum Wage)માં વધારો થયો છે. આ વધારો કામદારના કૌશલ્ય અને કામના સેક્ટર એટલે કે એરિયા-એ, બી અને સી મુજબ અલગ-અલગ છે. કેન્દ્ર સરકાર (Central Government)ના નિર્ણય મુજબ એગ્રી સેક્ટરમાં એરિયા-એના અનસ્કિલ્ડ વર્કર્સને હવે પ્રતિદિન ઓછામાં ઓછા 537 મળશે, જેમાં 333 મૂળભૂત વેતન અને 204 મોંઘવારી ભથ્થું સામેલ છે.
આ સેક્ટરમાં સ્કિલ્ડ વર્કર્સનો લઘુત્તમ વેતન દર પ્રતિદિન 705 નક્કી કરાયો છે. એરિયા-બીમાં અનસ્કિલ્ડ વર્કર્સને પ્રતિદિન ઓછામાં ઓછા 491 અને એરિયા-સીમાં 486 મળશે.
કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં કેટલું વેતન?

કન્સ્ટ્રકશન (Construction Workers) અને મેઇન્ટેનન્સમાં કામ કરતા વર્કરો માટે પણ મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે. તેમાં રોડ, રનવે, બિલ્ડિંગ, ઇલેક્ટ્રિસિટી અને કમ્યુનિકેશનના અંડરગ્રાઉન્ડ કેબલ, પાણીની પાઇપલાઇન અને સીવર લાઇન સાથે જોડાયેલા કામનો સમાવેશ થાય છે.
એરિયા-એમાં અનસ્કિલ્ડ કન્સ્ટ્રકશન વર્કરોનું લઘુત્તમ વેતન પ્રતિદિન 840 અને સ્કિલ્ડ વર્કરોનું 1,111 રહેશે. એરિયા-બીમાં અનસ્કિલ્ડને ₹704 અને સ્કિલ્ડને ₹1,024 મળશે. એરિયા-સીમાં બંને કેટેગરીના વર્કરોને અનુક્રમે 565 અને 933 મળશે. આ રીતે સેમી સ્કિલ્ડ અને સ્કિલ્ડ વર્કર્સનો વેતનદર પણ સ્કિલ અને સેક્ટર મુજબ વધારાયો છે.
મોંઘવારી ભથ્થું શું છે?
મોંઘવારી ભથ્થું વેતનનો તે હિસ્સો છે, જે મોંઘવારી મુજબ વધારવામાં આવે છે. તેનો હેતુ વધતા રોજિંદા ખર્ચનો બોજ ઘટાડવાનો છે. સરકાર તેને ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈ-આઇડબલ્યુ (CPI-IW)ના આધારે રિવાઇઝ કરે છે. આ વખતે તેને 424.80થી વધારીને 431.42 કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર; DA માં 3% નો વધારો નિશ્ચિત, વધીને 63% થશે મોંઘવારી ભથ્થું
આ પણ વાંચો:કેન્દ્રીય કર્મચારીઓની મોદી સરકારની દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધારાયું
