New Delhi News: દેશના 124 પૂર્વ અધિકારીઓ ચૂંટણી પંચ(Election Commission)ના બચાવ પક્ષમાં આવ્યા છે. આ અધિકારીઓએ દેશવાસીઓના નામે ખુલ્લો પત્ર લખ્યો છે. તેમાં પૂર્વ IAS, IFS અને એલાઇડ સર્વિસીસના અધિકારીઓ સામેલ છે, જેમાં કેટલાક પૂર્વ રાજદ્વારીઓ પણ છે. તેમણે ચૂંટણી પંચ અને તેની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયાનો બચાવ કર્યો છે.
તેમની દલીલ છે કે ચૂંટણી કે મતચોરીના જે આરોપો લગાવાય છે, તેની પાછળ પાકા પુરાવા પણ હોવા જોઈએ. આ પત્ર એવા સમયે આવ્યો છે, જ્યારે શનિવારે કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janta Party) એ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શનનો પ્રયાસ કર્યો હતો. દિલ્હી પોલીસે તેને નિયમ વિરુદ્ધ ગણાવી રોકવા માટે આખો દિવસ પ્રયાસ કર્યા હતા.
અધિકારીઓએ કર્યું Election Commissionનું સમર્થન

પત્રમાં અધિકારીઓએ ચૂંટણી પ્રક્રિયામાં રહેલી સુરક્ષા વ્યવસ્થા, અગાઉના પરિણામો અને બિહાર ચૂંટણી (Bihar Election) 2025ના આંકડાના આધારે SIRની જરૂરિયાત સામે ઉઠાવાતા સવાલોને પડકાર્યા છે. તેમણે જણાવ્યું કે ભારતીય ચૂંટણી પ્રક્રિયા બૂથ કેપ્ચરિંગ, મતપેટી લૂંટ અને ચૂંટણી હિંસાના દોરમાંથી બહાર આવીને અહીં સુધી પહોંચી છે.
તેમણે હાલની વ્યવસ્થામાં પોલિંગ એજન્ટ, EVM સીલિંગ, સ્ટ્રોંગ રૂમ સિક્યોરિટી અને VVPAT વેરિફિકેશન જેવી અનેક સુરક્ષા વ્યવસ્થાઓનો ઉલ્લેખ કર્યો. બિહાર વિધાનસભા ચૂંટણી 2025નું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે એક પણ બેઠક પર ફરી મતદાનની જરૂર પડી નહીં અને 1951 પછીનું સૌથી વધુ મતદાન નોંધાયું.
શું લખ્યું છે પત્રમાં?
પત્રમાં લખ્યું છે, “કોઈ વ્યવસ્થા તમે જીતો ત્યારે પ્રામાણિક અને હારો ત્યારે ગેરરીતિવાળી ન હોઈ શકે.” પત્ર પર પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલ (Kanwal Sibal), આર.ડી. કપૂર, સમિંદ્ર ચેટર્જી, ગોપાલ કૃષ્ણા, વિવેક ભારદ્વાજ અને નવનીત સેહગલ જેવા પૂર્વ IAS અધિકારીઓએ સહી કરી છે. અધિકારીઓનું કહેવું છે કે કેન્દ્રમાં સરકારનું નેતૃત્વ કરતી ભાજપ આ જ ચૂંટણી પંચના કાર્યકાળમાં ઘણાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી હારી છે અને 2024ની સામાન્ય ચૂંટણીમાં પણ બહુમતીથી પાછળ રહી હતી.
તેમણે એક કરતાં વધુ સભ્યો હોવાથી પંચ સંસ્થાકીય રીતે સુરક્ષિત હોવાનું જણાવી તેની સ્વતંત્રતાનો બચાવ કર્યો. સાથે તેમણે ચૂંટણી પ્રક્રિયા સામે સવાલ ઉઠાવવા છતાં આરોપોની પુષ્ટિ માટે પુરાવાના અભાવનો પણ ઉલ્લેખ કર્યો. પત્રમાં લખ્યું છે, “સવાલ પૂછવો દરેક નાગરિકનો અધિકાર છે. સાબિત કરવું આરોપ લગાવનારની જવાબદારી છે.”
“ખોટી મતદાર યાદીનો ફાયદો ગેરરીતિ કરનારને”
અધિકારીઓએ પાકી મતદાર યાદી માટે SIRને જરૂરી ગણાવી છે. તેમણે બિહારનું ઉદાહરણ આપ્યું કે ત્યાં SIR દ્વારા 22 લાખ મૃત મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં મદદ મળી અને 7 લાખ ડુપ્લિકેટ મતદારોના નામ બહાર કરાયા. આ ઉપરાંત લગભગ 21.5 લાખ નવા મતદારોના નામ ઉમેરાયા. પત્રમાં લખ્યું છે, “અશુદ્ધ મતદાર યાદી(Voter List)મતદારનું રક્ષણ કરતી નથી. તે ગેરરીતિ કરનારાઓને બચાવે છે.”
આ પણ વાંચો:CEC જ્ઞાનેશ કુમારની Z+ સુરક્ષા વધુ મજબૂત, નિવાસ અને ચૂંટણી પંચની ઓફિસે વધારાયો બંદોબસ્ત
