New Delhi News: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) ના રાજીનામાની માંગ અને કથિત વોટ ચોરીને લઈને સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને જોતાં માત્ર CEC જ્ઞાનેશ કુમાર જ નહીં, પરંતુ અન્ય બંને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીની સુરક્ષા પણ વધારવામાં આવી છે.
Gyanesh Kumarની સુરક્ષા વધારવામાં આવી
જોકે CEC જ્ઞાનેશ કુમારને પહેલેથી જ ઝેડ પ્લસ સિક્યોરિટી (Z Plus Security) મળેલી છે. પરંતુ કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષો અને કોકરોચ જનતા પાર્ટી જે રીતે તેમના પર નિશાન સાધી રહ્યાં છે, તે જોતાં તેમની અને તેમના પરિવાર ઉપરાંત દિલ્હી અને આગ્રા (Agra) સ્થિત તેમના ઘરોનું પણ સિક્યોરિટી રિવ્યૂ કરાયું છે. જરૂરિયાત મુજબ સુરક્ષામાં વધારાના જવાનો તૈનાત કરાયા છે.
મૂવમેન્ટ સંપૂર્ણ ગુપ્ત રખાઈ રહી છે
સિક્યોરિટી એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે પરિસ્થિતિને જોતાં જ્ઞાનેશ કુમારના ઘરથી ઓફિસ કે અન્ય સ્થળે અવરજવરની મૂવમેન્ટ સંપૂર્ણ ગુપ્ત રખાઈ રહી છે, જેથી રસ્તામાં કોઈ અડચણ ન આવે. હાલ CEC કુમારે દિલ્હી બહારના તમામ પ્રવાસ આગામી કેટલાક દિવસો માટે અસ્થાયી રીતે સ્થગિત કર્યા છે. જોકે દિલ્હીમાં તેઓ પોતાના સરકારી નિવાસ અને નિર્વાચન સદન ઓફિસમાં પહેલાંની જેમ જ આવ-જા કરી રહ્યા છે અને તેમાં કોઈ અવરોધ નથી.
ચૂંટણી પંચની ઓફિસ આસપાસ પણ ભારે પોલીસ ફોર્સ ગોઠવાયો છે, જેમાં RAFના જવાનો પણ સામેલ છે. ઓફિસના આગળ અને પાછળ બંને ગેટ પર બેરિકેડિંગ સાથે જવાનો તૈનાત કરાયા છે. આ જ રીતે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગ્રા ખાતેના પૈતૃક ઘરે પણ સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરાઈ છે. દિલ્હીમાં સરકારી નિવાસની આસપાસ બેરિકેડિંગ છે અને ઘરમાં આવનારા લોકોની પૂરી તપાસ બાદ જ તેમને અંદર જવા દેવાય છે.
બંને કમિશનરની સુરક્ષાની પણ સમીક્ષા
આ જ રીતે બંને ચૂંટણી કમિશનરની સુરક્ષાની પણ સમીક્ષા કરાઈ છે અને જરૂરિયાત મુજબ તેમને પણ સુરક્ષા અપાઈ છે, જેથી પંચના રોજિંદા સરકારી કામમાં કોઈ અડચણ ન આવે. સૂત્રોએ સુરક્ષાનો હવાલો આપી ત્રણેય કમિશનરની સુરક્ષામાં કેટલો અને કેવો વધારો કરાયો તે જણાવવાનો ઇનકાર કર્યો. જોકે એટલું જરૂર કહ્યું કે જરૂરિયાત મુજબ સુરક્ષાની ફુલપ્રૂફ વ્યવસ્થા કરાઈ છે.
પાંચ રાજ્યોની ચૂંટણી તૈયારીઓમાં મોડું
પંચ વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોને કારણે ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ (Assembly Elections) ની તૈયારીઓમાં મોડું થવા લાગ્યું છે. પંચની જે ટીમ આ જ સપ્તાહે ગોવા (Goa) જવાની હતી, તેની મુલાકાત હાલ આગામી કેટલાક દિવસ માટે ટાળી દેવાઈ છે. આ જ રીતે પંજાબ અને અન્ય રાજ્યોમાં જનારી ચૂંટણી પંચના અધિકારીઓની અલગ-અલગ ટીમોના કાર્યક્રમ પણ થોડા સમય માટે રોકવામાં આવ્યા છે, જેથી જરૂર પડ્યે દિલ્હીમાં પંચના તમામ અધિકારીઓ હાજર રહે.
આ પણ વાંચો:જ્ઞાનેશ કુમારના બચાવમાં આવ્યા 124 પૂર્વ IAS-IFS અધિકારીઓ, કહ્યું- વોટ ચોરીના આરોપો સાબિત કરો
આ પણ વાંચો:CEC જ્ઞાનેશ કુમારની Z+ સુરક્ષા વધુ મજબૂત, નિવાસ અને ચૂંટણી પંચની ઓફિસે વધારાયો બંદોબસ્ત
