Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court)પોલીસની કામગીરીમાં ગંભીર બેદરકારી અને કથિત બોગસ અહેવાલ (Fake Police Report)ના મામલે કડક વલણ અપનાવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એ. પરમાર સામે ખાતાકીય તપાસની સાથે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આરોપીનું સરનામું બદલાઈ ગયું હોવાનો અહેવાલ તૈયાર કરવા માટે કાલ્પનિક પાડોશીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યા બાદ કોર્ટે આ નિર્ણય લીધો હતો.
ગુજરાત હાઈકોર્ટનો આદેશ
આ મામલો અમદાવાદના નિકોલ રોડ વિસ્તારમાં રહેતા સંદીપ શ્રીવાસ્તવ સાથે સંબંધિત છે. તેમની સામે છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો હતો. ફેબ્રુઆરી 2024માં આ કેસ રાજકોટ કોર્ટમાંથી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
શ્રીવાસ્તવ અગાઉ રાજકોટ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર રહ્યા હતા. જોકે, કેસ વેરાવળ કોર્ટમાં ટ્રાન્સફર થયા બાદ તેમને કોર્ટની નોટિસ મળવાનું બંધ થઈ ગયું હતું. તેમના વકીલના જણાવ્યા મુજબ, સરનામું એક જ હોવા છતાં નોટિસ અને વોરંટની બજવણી થઈ શકી નહોતી.
ડિસેમ્બર 2024માં જારી કરાયેલું જામીનપાત્ર વોરંટ પણ બજવ્યા વગર પરત આવ્યું હતું. ત્યારબાદ 2025માં બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આરોપી મળી ન આવતા કોર્ટમાં તેમની ગેરહાજરી નોંધાઈ હતી.
કાલ્પનિક પાડોશીનો અહેવાલ
જુલાઈ 2025માં સંદીપ શ્રીવાસ્તવને CrPCની કલમ 82 હેઠળ ફરાર જાહેર કરવામાં આવ્યા હતા અને કલમ 299 હેઠળ તેમની ગેરહાજરીમાં કેસ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણયને પડકારવા માટે તેમણે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

સુનાવણી દરમિયાન હેડ કોન્સ્ટેબલ પી.એ. પરમારના અહેવાલ અંગે ગંભીર સવાલો ઊભા થયા હતા. અહેવાલમાં અજય મુંગરા નામના વ્યક્તિને આરોપીનો પાડોશી દર્શાવવામાં આવ્યો હતો. આ વ્યક્તિએ આરોપીએ સરનામું બદલી નાખ્યું હોવાની વાત કહી હોવાનું નોંધાયું હતું.
જોકે, હાઈકોર્ટે (Gujarat High Court) કથિત પાડોશીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો ત્યારે પોલીસે જણાવ્યું હતું કે આવી કોઈ વ્યક્તિ મળી રહી નથી. તપાસમાં કથિત પાડોશીનું અસ્તિત્વ જ ન હોવાનું સામે આવતાં અહેવાલની વિશ્વસનીયતા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા.
હેડ કોન્સ્ટેબલ સામે ફોજદારી કાર્યવાહી
ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court)ગીર સોમનાથના પોલીસ અધિક્ષકને હેડ કોન્સ્ટેબલ (Head Constable)સામે ખાતાકીય તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પોલીસ અધિક્ષકે તેમને સસ્પેન્ડ કરીને તપાસ શરૂ કરી હોવાનું કોર્ટને જણાવવામાં આવ્યું હતું.
કોર્ટે માત્ર ખાતાકીય કાર્યવાહી પૂરતી ન ગણતાં વેરાવળ કોર્ટને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને હેડ કોન્સ્ટેબલ સામે ફોજદારી કાર્યવાહી(Criminal Proceedings)શરૂ કરવા પણ નિર્દેશ આપ્યો હતો. સાથે જ, અન્ય કેસોમાં પણ આવા અહેવાલો તૈયાર થયા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ચિંતા વ્યક્ત કરી હતી.
આરોપીને ફરાર જાહેર કરવા નવી માર્ગદર્શિકા
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે વોરંટની બજવણી ન થવી એ કોઈ વ્યક્તિને આપમેળે ફરાર જાહેર કરવા માટે પૂરતું કારણ નથી. આરોપી આપેલા સરનામે મળી ન આવે એટલા માત્રથી તે ધરપકડથી બચવા માટે છુપાઈ રહ્યો છે એવું માની શકાય નહીં.
કોર્ટે માર્ગદર્શિકામાં જણાવ્યું કે પોલીસે આરોપીનું સરનામું, ટેલિફોન નંબર અને ઈમેલ જેવી ઉપલબ્ધ વિગતો સાથે એફિડેવિટ અથવા સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવો પડશે. આરોપીને કોર્ટમાં રજૂ ન કરી શકવાના કારણો પણ જણાવવા પડશે.
જો વોરંટ આરોપીના ઘરના દરવાજે ચોંટાડવામાં આવ્યું હોય, તો તે યોગ્ય સરનામે ચોંટાડવામાં આવ્યું હોવાનો પુરાવો આપતો ફોટોગ્રાફ રજૂ કરવો પડશે. તપાસ અધિકારી અથવા પોલીસ ઇન્સ્પેક્ટરે ઓછામાં ઓછા બે પ્રતિષ્ઠિત સ્થાનિક રહેવાસીઓની વિગતો મેળવી સરનામાની ચકાસણી કરવી પડશે. તેમના નામ, સરનામા, ફોન નંબર અને ઓળખના પુરાવા કેસ ડાયરીમાં નોંધવાના રહેશે.
આ માર્ગદર્શિકાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કાયદાકીય પ્રક્રિયા યોગ્ય રીતે અનુસરાય અને માત્ર પોલીસના અહેવાલના આધારે કોઈ વ્યક્તિને ફરાર જાહેર કરવામાં ન આવે.
આ પણ વાંચો: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: ગુજરાત હાઈકોર્ટે સજાના અમલ પર 3 મહિનાનો સ્ટે આપ્યો, હવે આરોપીઓ સુપ્રીમ કોર્ટ જશે
આ પણ વાંચો: સેક્સ વર્કર પાસે ગયેલા ગ્રાહક સામે સીધો ગુનો બને? ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
આ પણ વાંચો: નારાયણ સાઈને રાહત નહીં: ગુજરાત હાઈકોર્ટે સજા સસ્પેન્ડ કરવાની અરજી ફગાવી
