New Delhi News/ દિલ્હીમાં ન્યાય માટે માગ કરી રહેલા અંકિતાના પરિવારની રાહુલ અને પ્રિયંકા ગાંધીએ લીધી મુલાકાત

અંકિતા ભંડારી (Ankita Bhandari) કેસમાં CBI તપાસ તેજ કરવાની માગ, પરિવારને મળ્યા રાહુલ- પ્રિયંકા

Top Stories India Breaking News
Ankita Bhandari

New Delhi News: અંકિતા ભંડારી(Ankita Bhandari) કેસમાં ન્યાયની માગ સાથે ઇન્ડિયા ગેટ પર ધરણાં કરી રહેલા પરિવારને બુધવારે સાંજે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ મળીને સાંત્વના આપી હતી. બંને પરિવાર સાથે લગભગ એક કલાક સુધી રહ્યા હતા.

પરિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અપીલ કરી છે કે CBI તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી દુષ્યંત કુમાર ગૌતમની સિક્કિમના રાજ્યપાલ તરીકેની નિમણૂક અટકાવવામાં આવે અને તેને રદ કરવામાં આવે. દુષ્યંત કુમાત ગૌતમની નિમણૂક 12 ઓક્ટોબરે કરવામાં આવી હતી.

અંકિતા ઉત્તરાખંડ(Uttarakhand)ની એક હોટેલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. 2022માં રિસોર્ટમાં તેની હત્યા થઈ હતી. પરિવારનો દાવો છે કે આ કેસમાં ચર્ચામાં આવેલા VIPની ઓળખ હજુ સુધી જાહેર થઈ નથી.

Ankita Bhandari કેસમાં પરિવારની ચિંતા વધી

ankita bhandari
rahul-meet-ankita-bhandaris-family

અંકિતાની માતા સોની દેવીએ જણાવ્યું હતું કે દુષ્યંત કુમાર ગૌતમ(Dushyant Kumar Gautam)ને સિક્કિમના રાજ્યપાલ બનાવવામાં આવતાં પરિવારની ચિંતા વધી છે. તેમના કહેવા પ્રમાણે, જે VIP અંગે સવાલો ઊઠી રહ્યા છે, તેમની ઓળખ અંગે સ્પષ્ટતા ન થતાં પરિવારને ન્યાય માટે કોનો સંપર્ક કરવો તે સમજાતું નથી.

સોની દેવીએ જણાવ્યું કે પરિવાર ઉત્તરાખંડથી દિલ્હી આવ્યો છે, જેથી ઇન્ડિયા ગેટ (India Gate)પર પોતાની માગ રજૂ કરી શકે. તેમના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્તરે તેમની વાત સાંભળવામાં આવી નથી, પરંતુ સામાન્ય લોકોએ સતત સાથ આપ્યો છે. જનતાના સહકારથી જ મામલો આ તબક્કા સુધી પહોંચ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

 VIPની ઓળખ અંગે સવાલ

18 સપ્ટેમ્બર 2022ના રોજ અંકિતાની હત્યા થયા બાદથી પરિવાર ન્યાયની માગ કરી રહ્યો છે. નીચલી અદાલતમાં સુનાવણી દરમિયાન પણ VIPની ઓળખનો મુદ્દો ઊઠ્યો હતો. અંકિતાના ફોનની ચેટમાં VIP માટે વધારાની સુવિધાઓ માગવામાં આવી હોવાનો ઉલ્લેખ હતો. પરિવારે તે સમયે અજય કુમારનું નામ પણ લીધું હતું.

અંકિતાના પિતાના જણાવ્યા મુજબ, ઉર્મિલા સનાવરે એક વીડિયો જાહેર કરીને કથિત VIP તરીકે સુરેશ રાઠોડ અને અજય કુમારનાં નામ લીધાં હતાં. આ પછી ઉત્તરાખંડમાં ફરી વિરોધ પ્રદર્શનો થયાં હતાં. પરિવારની માગ છે કે આ નામો સાથે જોડાયેલા તમામ પાસાંની તપાસ કરવામાં આવે.

CBI તપાસ અંગે પરિવારની માગ

ankita-bhandari
rahul-meet-ankita-bhandaris-family

7 જાન્યુઆરી 2026ના રોજ મુખ્યમંત્રીએ પરિવારને બોલાવ્યો હતો. તે બેઠક દરમિયાન પરિવારે સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના ન્યાયાધીશની દેખરેખ હેઠળ CBI તપાસ કરાવવાની માગ કરી હતી. પિતાના જણાવ્યા મુજબ, 2 ફેબ્રુઆરીએ CBI તપાસની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આઠ મહિના બાદ પણ તેમને તપાસની પ્રગતિ વિશે માહિતી મળી નથી.

પિતાએ વધુમાં જણાવ્યું કે 9 ઓક્ટોબરે CBI અધિકારીઓ સાથે તેમની વાતચીત થઈ હતી. તેમના જણાવ્યા પ્રમાણે, અધિકારીઓએ ચાર્જશીટમાં અગાઉ નોંધાયેલા સાક્ષીઓનાં નિવેદનોનું પુનરાવર્તન કરવાની વાત કરી હતી. પરિવાર ઇચ્છે છે કે તપાસ આગળ વધે અને VIPની ઓળખ અંગે સ્પષ્ટતા થાય.

ઉર્મિલા સનાવર અને સુરેશ રાઠોડની પૂછપરછની માગ

અંકિતાના પિતાએ માગ કરી છે કે ઉર્મિલા સનાવરનું નિવેદન નોંધવામાં આવે અને કથિત VIP સાથે જોડાયેલા પાસાંની તપાસ થાય. જરૂર જણાય તો સુરેશ રાઠોડની પણ પૂછપરછ કરવામાં આવે તથા નિવેદન આપવાનો ઇનકાર કરવામાં આવે તો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે, તેવી તેમની માગ છે.

પિતાએ SITની તપાસ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના આરોપ મુજબ, 18 અને 19 સપ્ટેમ્બર 2022 દરમિયાન પુલકિત આર્યનો ફોન જપ્ત કરવામાં આવ્યો નહોતો અને તેનાથી સંબંધિત માહિતી પણ એકત્રિત કરાઈ નહોતી. તેમના કહેવા પ્રમાણે, પુલકિતે 19 સપ્ટેમ્બરે નવો ફોન ખરીદ્યો હતો અને તે ફોન SITને સોંપ્યો હતો. પરિવાર આ પાસાની પણ તપાસ ઇચ્છે છે.

દુષ્યંત કુમાર ગૌતમનું નામ વિવાદમાં કેવી રીતે આવ્યું?

2022માં પૌડી જિલ્લાના વનંત્રા રિસોર્ટમાં 19 વર્ષની અંકિતા ભંડારીની હત્યા થઈ હતી. આ કેસમાં રિસોર્ટ સંચાલક પુલકિત આર્ય અને તેના બે કર્મચારીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. કેસની તપાસ અને સુનાવણી દરમિયાન VIPને વધારાની સુવિધાઓ આપવાના મુદ્દે ચર્ચા થઈ હતી, પરંતુ કથિત VIPની ઓળખ અંગે સવાલો યથાવત્ રહ્યા હતા.

ડિસેમ્બર 2025માં પૂર્વ ભાજપ ધારાસભ્ય સુરેશ રાઠોડ અને અભિનેત્રી ઉર્મિલા સનાવર વચ્ચેની વાતચીતના કથિત ઓડિયો-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ સાથે જોડાયેલા દાવાઓમાં ઉત્તરાખંડ ભાજપના પૂર્વ પ્રભારી દુષ્યંત કુમાર ગૌતમ અને ઉત્તરાખંડ ભાજપના પૂર્વ મહામંત્રી સંગઠન અજય કુમારનાં નામ કથિત VIP તરીકે લેવામાં આવ્યાં હતાં. અંકિતાના પિતાએ પણ આ વીડિયોને ટાંકીને તપાસની માગ કરી હતી.

દુષ્યંત કુમાર ગૌતમે આરોપોને નકારીને તેમને પોતાની છબી ખરાબ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. જાન્યુઆરી 2026માં તેમણે સુરેશ રાઠોડ અને ઉર્મિલા સનાવર વિરુદ્ધ દેહરાદૂનના ડાલનવાલા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. ફરિયાદમાં તેમના વિરુદ્ધ ભ્રામક ઓડિયો-વીડિયો તૈયાર કરીને પ્રસારિત કરવામાં આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

જાન્યુઆરીમાં દિલ્હી હાઈકોર્ટે ગૌતમની માનહાનિ અરજી પર વચગાળાની રાહત આપતાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ્સને સંબંધિત વાંધાજનક સામગ્રી દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો.


આ પણ વાંચો: અંકિતા ભંડારી હત્યા કેસમાં કોર્ટનો મોટો નિર્ણય, ત્રણેય આરોપીઓને આજીવન કેદ

આ પણ વાંચો: અંકિતા ભંડારી મર્ડર કેસ :પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ

આ પણ વાંચો: અંકિતાની હત્યાથી રોષમાં ઉત્તરાખંડ, આરોપીના રિસોર્ટ પર રાતોરાત ચલાવ્યું બુલડોઝર