Jaipur Foreign Tourist Abusive Video: રાજસ્થાનનું પિંક સિટી જયપુર પોતાની સંસ્કૃતિ અને ‘પધારો મારે દેશ’ની મહેમાનનવાજી માટે દુનિયાભરમાં જાણીતું છે. પરંતુ તાજેતરમાં એક એવી ઘટના બની છે જેણે આ આખી છબીને ધૂમિલ કરી દીધી છે. એક રીક્ષા ચાલકે વિદેશી મહિલા પર્યટકને હિન્દી ભાષા ન આવડતી હોવાનો ફાયદો ઉઠાવી તેને અશ્લીલ ગાળો શીખવી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જોકે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ શખ્સને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
શું હતી સમગ્ર ઘટના?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે, એક રીક્ષા ચાલક હસતા-હસતા વિદેશી મહિલાને અત્યંત અશોભનીય અને અશ્લીલ શબ્દો શીખવી રહ્યો છે. આ વિદેશી મહિલા આ શબ્દોના અર્થથી તદ્દન અજાણ હતી. તેને લાગ્યું કે આ કદાચ વાતચીતનો કોઈ સામાન્ય ભાગ કે અભિવાદન (નમસ્તે) છે, તેથી તે માસૂમિયતથી એ ગાળોને વારંવાર દોહરાવતી રહી. રિક્ષાચાલક આ બધું જોઈને ખડખડાટ હસતો હતો અને વીડિયો ઉતારતો હતો.
Jaipur પર્યટક પોલીસે કરી ધરપકડ
આ શરમજનક વીડિયો વાયરલ થતા જ જયપુર પર્યટક પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી અને સ્થાનિક દુકાનદારો તેમજ અન્ય રિક્ષાચાલકોની પૂછપરછ કરી હતી. કડક મહેનત બાદ આરોપીની ઓળખ મોહમ્મદ સોહેલ (રહે. લુહારો કા મહોલ્લા) તરીકે થઈ હતી. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દેશની છબીને નુકસાન
આરોપી માત્ર મહિલાને ખોટા શબ્દો શીખવી જ નહોતો રહ્યો, પરંતુ તેને અન્ય લોકો સામે બોલવા માટે ઉકસાવી પણ રહ્યો હતો. જયપુર જેવા પ્રવાસી શહેરમાં આવા પ્રકારનું વર્તન માત્ર શહેરની જ નહીં, પણ સમગ્ર દેશની છબીને આંતરરાષ્ટ્રીય સ્તરે નુકસાન પહોંચાડે છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર 204 કિલો ગાંજો કરાયો જપ્ત, માવલ ચેકપોસ્ટ પર પોલીસની મોટી કાર્યવાહી
આ પણ વાંચો: રાજસ્થાનથી અમદાવાદ આવતી સ્લીપર બસ બની અગનગોળો, 1 મુસાફર જીવતો ભડથું, 6 ગંભીર
આ પણ વાંચો: રાજસ્થાનના કોટામાં ઇમારત ધરાશાયી, 2નાં મોત, 13થી વધુ ઘાયલ; બચાવ કામગીરી તીવ્ર
