Banaskantha News/ રાજસ્થાનથી અમદાવાદ આવતી સ્લીપર બસ બની અગનગોળો, 1 મુસાફર જીવતો ભડથું, 6 ગંભીર

રાજસ્થાનના જેસલમેરથી અમદાવાદ આવતી લક્ઝરી સ્લીપર બસમાં ધાનેરા પાસે ભીષણ આગ લાગતા 1 મુસાફરનું મોત અને 6 ગંભીર રીતે દાઝ્યા. અમદાવાદમાં AMTS બસ પણ સળગી.

Gujarat Top Stories Ahmedabad Others
Dhanera Bus Fire Incident

Dhanera Bus Fire Incident: ગુજરાતમાં ગત મોડી રાત્રે (12 માર્ચ) મુસાફરોથી ભરેલી બે અલગ-અલગ બસોમાં ભીષણ આગ લાગવાની ઘટનાઓએ હાહાકાર મચાવી દીધો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે રાજસ્થાનથી આવતી એક ખાનગી સ્લીપર બસમાં મધરાતે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ હચમચાવી દેનારી ઘટનામાં એક મુસાફરનું બસની અંદર જ બળી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે ૬ થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. બીજી તરફ, અમદાવાદમાં પણ એક AMTS બસ સળગી ઉઠી હતી.

Dhanera Bus Fire Incident

ગાઢ નિદ્રામાં હતા મુસાફરો ને અચાનક લાગી આગ (Fire)!

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના જેસલમેરથી એક ખાનગી લક્ઝરી સ્લીપર બસ મુસાફરોને લઈને અમદાવાદ તરફ આવી રહી હતી. મધરાતે આશરે 3:30 વાગ્યાનો સમય હતો અને મોટાભાગના મુસાફરો ગાઢ ઊંઘમાં હતા. ત્યારે નેનાવા ગામ નજીક અચાનક જ બસમાં આગ ભભૂકી ઉઠી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે આખી બસ આગની જ્વાળાઓથી ઘેરાઈ ગઈ.

કાચ તોડીને બારીમાંથી કૂદ્યા મુસાફરો, 1 નું મોત

બસમાં ધુમાડાના ગોટેગોટા અને આગની લપેટો વચ્ચે મુસાફરોમાં ભારે ચિચિયારીઓ અને નાસભાગ મચી ગઈ હતી. બસના મુખ્ય દરવાજેથી બહાર નીકળવું અશક્ય હોવાથી, જીવ બચાવવા માટે અનેક મુસાફરોએ ચાલુ બસની બારીઓના કાચ તોડીને બહાર છલાંગ લગાવી હતી. પરંતુ, આ અફરાતફરી વચ્ચે એક કમનસીબ મુસાફર આગની લપેટમાં આવી જતાં બસની અંદર જ જીવતો ભૂંજાઈ ગયો હતો.

Dhanera Bus Fire Incident

લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા લોકો

આ દુર્ઘટનામાંથી બચી ગયેલા એક મુસાફરે હૈયું કંપાવી દેતી આપવીતી વર્ણવતા કહ્યું કે, “અમે રાજસ્થાનના જેસલમેરમાં એક લગ્ન પ્રસંગ પૂરો કરીને અમદાવાદ પરત ફરી રહ્યા હતા. રાત્રે અચાનક આગ કેવી રીતે લાગી તેની કોઈને ખબર જ ન પડી. બધા લોકો અંદર ફસાઈ ગયા હતા અને માંડ માંડ જીવ બચાવ્યો.” ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દોડી આવી હતી અને ગંભીર રીતે દાઝી ગયેલા ૬ મુસાફરોને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

આગ બુઝાવવા રાજસ્થાનથી બોલાવાયા ફાયર ફાઈટર

બસમાં લાગેલી આગ એટલી પ્રચંડ હતી કે ધાનેરા નગરપાલિકાની ફાયર ટીમ ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનના સાંચોરથી પણ ફાયર ફાઈટરોને તાત્કાલિક બોલાવવાની ફરજ પડી હતી. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો, પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને ખાખ થઈ ચૂકી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Dhanera Bus Fire Incident

અમદાવાદમાં પણ સળગી AMTS બસ, ડ્રાઇવરે બચાવ્યા જીવ!

આ જ દિવસે બીજી એક ઘટનામાં અમદાવાદના પાલડી વિસ્તારમાં પણ એક AMTS બસમાં આગ લાગી હતી. લાલ દરવાજાથી બાવળા તરફ જઈ રહેલી આ બસના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. જોકે, બસના ડ્રાઇવરે ગજબની સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બસ રોકી દીધી અને તમામ પેસેન્જરોને હેમખેમ નીચે ઉતારી લીધા હતા, જેથી એક મોટી જાનહાનિ ટળી હતી.

આ બંને ઘટનાઓએ ખાનગી અને સરકારી બસોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું કરી દીધું છે.


આ પણ વાંચો: એક જ ટિકિટમાં AMTS–BRTSની મુસાફરી શક્ય બનશે, એક વર્ષમાં નવી વ્યવસ્થા અમલમાં આવશે

આ પણ વાંચો: ધનતેરસથી ત્રણ દિવસ તમામને AMTSમાં મફત મુસાફરી: પહેલી વાર AMTS કમિટીનો નિર્ણય

આ પણ વાંચો: અમદાવાદમાં AMTS બસ ચાલકનો ગુસ્સો, ઝડપી ગતિથી અકસ્માત, વાહનને ટક્કર મારી…..