Ahmedabad News : અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવાઓને વધુ સુવિધાજનક અને એકીકૃત બનાવવા માટે સિંગલ ટિકિટ સિસ્ટમ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ નવી વ્યવસ્થા હેઠળ AMTS અને BRTSમાં મુસાફરી કરનારા મુસાફરોને હવે એક જ ટિકિટથી બંને સેવાઓમાં મુસાફરી કરવાની સુવિધા મળશે.

સિંગલ ટિકિટમાં AMTS-BRTSમાં મુસાફરી કરી શકાશે
આ સિંગલ ટિકિટ સિસ્ટમ આગામી એક વર્ષમાં અમલમાં મૂકવાની યોજના છે. ભવિષ્યમાં આ વ્યવસ્થાનો વિસ્તાર કરીને મેટ્રો, એસટી બસ તેમજ ઓલા-ઉબેર જેવી ખાનગી પરિવહન સેવાઓને પણ આ એક જ ટિકિટ વિન્ડો સાથે જોડવાની તૈયારી કરવામાં આવી રહી છે.

એએમટીએસ, બીઆરટીએસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવાઓ ઝડપથી વિસ્તરી રહી છે, એએમટીએસ અને બીઆરટીએસ પર દરરોજ પાંચ લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. લોકોને એક જ ટિકિટનો ઉપયોગ કરીને બસોમાં મુસાફરી કરવા સક્ષમ બનાવવા માટે ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) અને ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ (AFCS) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. આનાથી લોકો એક જ ટિકિટનો ઉપયોગ કરીને એએમટીએસ અને બીઆરટીએસ બંને બસોમાં મુસાફરી કરી શકશે.
ભવિષ્યમાં, શહેરના તમામ પરિવહન માધ્યમો, જેમાં એએમટીએસ, બીઆરટીએસ મેટ્રો અને અન્ય ભાવિ સિસ્ટમોનો સમાવેશ થાય છે, એકીકૃત કરવામાં આવશે. એમેનેક્સ ઇન્ફોટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ સહિત બે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. ₹470 કરોડના આ કોન્ટ્રાક્ટને મંજૂરી આપવામાં આવી છે. આમાં તમામ માનવશક્તિ, સંચાલન અને જાળવણી માટેના કોન્ટ્રાક્ટનો સમાવેશ થાય છે.
અગાઉ, મહાનગરપાલિકાએ સિંગલ-વિન્ડો સિસ્ટમ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જે હેઠળ મહાનગરપાલિકાના ઈ-ગવર્નન્સ વિભાગે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી હતી. વિવિધ કંપનીઓએ ટેન્ડરમાં ભાગ લીધો હતો, અને L1 કિંમત મેળવનાર કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જોકે, મહાનગરપાલિકાએ અગાઉ જનમિત્ર કાર્ડ શરૂ કર્યા હતા, જે લોકોને એક જ કાર્ડનો ઉપયોગ કરીને મુસાફરી કરવાની મંજૂરી આપવા માટે રચાયેલ સિસ્ટમ હતી, પરંતુ આ સિસ્ટમમાં સંકલન અને કાર્યક્ષમતાનો અભાવ હતો.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખે જણાવ્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, લોકો હવે ટેકનોલોજી દ્વારા ટિકિટ ખરીદીને એક જ ટિકિટનો ઉપયોગ કરીને જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરી શકે છે. એક ઓનલાઈન એપ્લિકેશન વિકસાવવામાં આવશે જે લોકોને QR કોડ સ્કેન કરીને ટિકિટ ખરીદવાની મંજૂરી આપશે. આ પર તબક્કાવાર કામ હાથ ધરવામાં આવશે.
