જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામ (Pahalgam) માં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે બેનકાબ કરતું મોટું પગલું ભર્યું છે. NIA દ્વારા સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવેલી પૂરક (સપ્લીમેન્ટ્રી) ચાર્જશીટમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ હાફિઝ સઈદ પર ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા અને સરહદ પારથી આતંકી ષડયંત્ર રચવાના ગંભીર આરોપો લગાવ્યા છે.
લશ્કર ચીફ હાફિઝ સઈદ પર લાગ્યા આ ગંભીર આરોપો
જમ્મુની ખાસ NIA અદાલતમાં દાખલ કરાયેલી આ ચાર્જશીટમાં આતંકવાદ વિરોધી એજન્સીએ હાફિઝ સઈદ પર વ્યક્તિગત રીતે અને તેના સંગઠન લશ્કર-એ-તૈયબા તેમજ તેના સક્રિય પ્રોક્સી ગ્રુપ ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) ના વડા તરીકે ગુનાહિત ભૂમિકા બદલ ગુનો નોંધ્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર, હાફિઝ સઈદ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 અને યુએપીએ (UAPA), 1967ની વિવિધ કડક ધારાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પાકિસ્તાનની ધરતી પર બેસીને ભારતની અખંડિતતાને નુકસાન પહોંચાડવાના તમામ વૈજ્ઞાનિક પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાયા છે.
શું હતો પહલગામ હુમલો અને ભારતનો ‘ઓપરેશન સિંદૂર’થી પલટવાર?
22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં રજાઓ માણી રહેલા 26 નિર્દોષ પ્રવાસીઓની ત્રણ આતંકીઓએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આતંકીઓએ લોકોની ઓળખ પૂછી-પૂછીને તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ કાયરતાપૂર્ણ હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ 7 મેના રોજ સરહદ પાર ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું.
આ ઓપરેશન હેઠળ પાકિસ્તાન અને પીઓકે (PoK) માં આવેલા આતંકીઓના 9 ઠેકાણાઓને તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ બંને દેશો વચ્ચે સૈન્ય તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. પાકિસ્તાન તરફથી ભારતના શહેરોને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલા નિષ્ફળ બનાવી પાકિસ્તાનના 14 સૈન્ય મથકોને ધ્વસ્ત કરી દીધા હતા. આ પ્રચંડ પલટવારથી ડરીને પાકિસ્તાને યુદ્ધવિરામ (સીઝફાયર) ની વિનંતી કરી હતી, જે બાદમાં બંને દેશોની સહમતિથી લાગુ કરાયો હતો.
પાકિસ્તાની કાવતરાના મજબૂત વૈજ્ઞાનિક પુરાવા
આ નવી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ અગાઉ દાખલ કરાયેલી 1597 પાનાની મૂળ ચાર્જશીટનો જ વિસ્તાર છે. આમાં પાકિસ્તાની એજન્સીઓ અને હાફિઝ સઈદની સીધી સંડોવણીના ડિજિટલ, વૈજ્ઞાનિક અને ફોરેન્સિક પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સાબિત કરે છે કે આ હુમલાનું આખું પ્લાનિંગ પાકિસ્તાનથી ઓપરેટ થતું હતું.
અગાઉ કોની સામે થઈ ચૂકી છે કાર્યવાહી?
એજન્સીએ 15 ડિસેમ્બર 2025ના રોજ દાખલ કરેલી પ્રથમ ચાર્જશીટમાં પાકિસ્તાની આતંકી હેન્ડલર સાજિદ જટ્ટ સહિત જુલાઈ 2025માં ‘ઓપરેશન મહાદેવ’ દરમિયાન માર્યા ગયેલા ત્રણ આતંકીઓ અને પકડાયેલા બે સ્થાનિક મદદગારોને આરોપી બનાવ્યા હતા. આ હુમલાના ફંડિંગ અને લોજિસ્ટિક્સ સપોર્ટમાં લશ્કર અને TRF ની ભૂમિકા સત્તાવાર રીતે રેકોર્ડ પર લેવામાં આવી છે.
આ પણ વાંચો:વિવેક અગ્નિહોત્રીની નવી ફિલ્મ ‘ઓપરેશન સિંદૂર’, પહલગામ આતંકી હુમલા પર આધારિત સ્ટોરી
આ પણ વાંચો:પહલગામ હુમલા સમયે જો ઓવૈસી વડા પ્રધાન હોત તો શું કરત? તેણે પોતાનો જવાબ આપ્યો
આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને પહલગામ હુમલા પીડિતની વિધવાનો વિરોધ
