Gujarat News: ગુજરાતમાં જળસંચય અને સિંચાઈ ક્ષેત્રે પ્રથમ વખત અત્યાધુનિક સાઉથ કોરિયન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બે ‘એર-ફિલ્ડ રબર ડેમ’નું નિર્માણ થઈ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના રાજવાસણા ખાતે હેરણ નદી પર અને તાપી જિલ્લાના પાઠકવાડી ખાતે અંબિકા નદી પર કરોડો રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યા છે. આ બંને ડેમ પૂર્ણ થયા બાદ હજારો હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે, ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે, પૂર અને સિલ્ટની સમસ્યામાં રાહત મળશે તેમજ ખેડૂતોને વર્ષભર પાણીની સુવિધાનો લાભ મળશે. આધુનિક SCADA ઓટોમેશન અને એર-ફિલ્ડ રબર ટેકનોલોજીથી સજ્જ આ પ્રોજેક્ટ રાજ્યમાં જળ વ્યવસ્થાપન માટે નવી દિશા સાબિત થશે.
ગુજરાતમાં પહેલીવાર બનશે (Air-filled Rubber Dam) ‘એર-ફિલ્ડ રબર ડેમ’
ગુજરાત સરકાર રાજ્યમાં જળસંચય અને સિંચાઈ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘કેચ ધ રેઈન’ અભિયાનને વધુ વેગ આપવા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પ્રથમ વખત સાઉથ કોરિયન ટેકનોલોજી આધારિત બે અત્યાધુનિક એર-ફિલ્ડ રબર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ બંને પ્રોજેક્ટ છોટાઉદેપુર જિલ્લાના રાજવાસણા અને તાપી જિલ્લાના પાઠકવાડી ખાતે સાકાર થઈ રહ્યા છે.
હેરણ નદી પર અંદાજે રૂ. 82.97 કરોડના ખર્ચે આધુનિક રબર ડેમનું થશે નિર્માણ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી પર અંદાજે રૂ. 82.97 કરોડના ખર્ચે આધુનિક રબર ડેમનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ આગામી સપ્ટેમ્બર 2027 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલ ડેમનું આશરે 75 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
આ ડેમમાં 180 મીટર લાંબું અને 3.5 મીટર ઊંચું રબર બ્લેડર લગાવવામાં આવશે, જેના કારણે લગભગ 3.5 મિલિયન ક્યુબિક મીટર (MCM) પાણીનો સંગ્રહ થઈ શકશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આસપાસના 25 ગામોના 3,420 હેક્ટર વિસ્તારને સિંચાઈ માટે પાણી મળશે. સાથે જ ભૂગર્ભ જળસ્તરમાં વધારો થવાથી પીવાના પાણીની સમસ્યામાં પણ રાહત મળશે. ડેમ સાથે ડાબા કાંઠે 900 મીટર અને જમણા કાંઠે 500 મીટરની ફ્લડ પ્રોટેક્શન વોલ પણ બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં આગામી 10 વર્ષ સુધી ઓપરેશન અને મેન્ટેનન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
તાપીના ડોલવણ પાસે અંબિકા નદી પર એર-ફિલ્ડ રબર ડેમનું નિર્માણ
બીજી તરફ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામ નજીક અંબિકા નદી પર રૂ. 79.13 કરોડના ખર્ચે જાપાનીઝ ડિઝાઈન આધારિત એર-ફિલ્ડ રબર ડેમનું નિર્માણ થઈ રહ્યું છે. હાલ આ ડેમની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
તાપી જિલ્લાના ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં પરંપરાગત ચેકડેમ અથવા બેરેજ બનાવવું મુશ્કેલ હોવાથી એર-ફિલ્ડ રબર ડેમનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે. આ ડેમમાં ઉપયોગમાં લેવાતું વિશેષ રબર બ્લેડર દક્ષિણ કોરિયાથી મંગાવવામાં આવ્યું છે. તેની જાડાઈ 18થી 32 મીમી છે અને તે 50 ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ કાર્યક્ષમ રહે છે. તેનું અંદાજિત આયુષ્ય લગભગ 30 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે.
ડેમની વિશેષતા
કમ્પ્યુટરની મદદથી જ રબર બ્લેડરમાં હવા ભરવાની અને કાઢવાની પ્રક્રિયા કરી શકાશે, જેના માટે અલગથી માનવબળની જરૂર નહીં પડે.
પાઠકવાડી રબર ડેમમાં અંદાજે 3.50 MCM પાણીનો સંગ્રહ થશે, જેના કારણે લગભગ 650 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે.
આસપાસના કૂવા અને બોરના પાણીના સ્તરમાં વધારો થશે અને સ્થાનિક લોકોને પીવાના પાણીની સુવિધા પણ વધુ મજબૂત બનશે.
નિષ્ણાતોના મતે એર-ફિલ્ડ રબર ડેમ પરંપરાગત સ્ટીલ ગેટેડ ડેમ કરતાં વધુ અસરકારક સાબિત થઈ શકે છે. પૂરની સ્થિતિમાં ડેમને ડિફ્લેટ કરી દેતાં નદીનો કુદરતી પ્રવાહ જળવાઈ રહે છે, જમીનનું ધોવાણ અટકે છે અને કાંપ પણ સરળતાથી બહાર નીકળી જાય છે. ભવિષ્યમાં આ ટેકનોલોજી દરિયાના ખારા પાણીને અંદર ઘૂસતું અટકાવવા માટે પણ ઉપયોગી બની શકે છે. આ બંને પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજ્યમાં જળસંચય, સિંચાઈ અને પાણી વ્યવસ્થાપન ક્ષેત્રે એક નવી ટેકનોલોજીકલ ક્રાંતિ સર્જાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જન જીવનને અસર, નદી-ડેમમાં નવા નીરની આવક
આ પણ વાંચો:ચોમાસા અગાઉ ટેન્શન! ગુજરાતના 88 જળાશયોમાં 20%થી ઓછું પાણી, 10 ડેમ તળિયાઝાટક
આ પણ વાંચો:ખેડામાં કેનાલ બાદ સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારના નમૂના રૂપ ચેકડેમનું કૌભાંડ
