Surat News : સુરત (Surat)માં એમ્બ્રોડરી એકમોમાં સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે શ્રમિકોએ 15 ઓક્ટોબરે મહાઆંદોલન (Workers Protest)અને સત્યાગ્રહનું આયોજન કર્યું હતું. જોકે, વિરોધ શરૂ થાય તે પહેલાં જ પોલીસે કામદાર આગેવાનોની (Workers Detained)અટકાયત કરી હતી. કલેક્ટર કચેરી બહાર એકઠા થયેલા શ્રમિકોને પણ પોલીસે ડિટેઈન કર્યા હતા. DCP રાજેશ પરમારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 60થી 70 શ્રમિકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.
Surat : શ્રમિક આંદોલન પહેલાં જ આગેવાનોની અટકાયત
શ્રમિકોના વિરોધ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પાંડેસરા પોલીસે યુનિયનના આગેવાનો સુરેશ સોનવણે અને મલખાનસિંહ વર્મા સહિત છથી વધુ કામદાર નેતાઓની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા આગેવાનોમાં સુરેશ સોનવણે, રમાકાંત પાંડે, મલખાનસિંહ વર્મા, સંદીપ પટેલ અને વિનય પાઠકનાં નામ સામે આવ્યાં છે.
કલેક્ટર કચેરી બહાર શ્રમિકોની ભીડ, દોડધામનાં દૃશ્યો
આગેવાનોની અટકાયત (Workers Detained)છતાં કેટલાક શ્રમિકો કલેક્ટર કચેરી બહાર એકઠા થયા હતા. જોકે, વિરોધ કાર્યક્રમને પોલીસની મંજૂરી ન હોવાથી પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન કેટલાક શ્રમિકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જ્યારે અન્ય શ્રમિકોને પોલીસે પકડીને ડિટેઈન કર્યા હતા. શ્રમિકોને પોલીસની બસ અને વાનમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા.
કડોદરા અને સચિન વિસ્તારમાંથી પણ વિરોધમાં જોડાવા આવેલા શ્રમિકોને અટકાયત (Workers Detained)માં લેવામાં આવ્યા હતા. કલેક્ટર કચેરી બહાર મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થયા હતા અને પોતાના આગેવાનો આવે તેની રાહ જોઈ રહ્યા હતા.
શાન ખાનનો વિરોધ, આંદોલન ચાલુ રાખવાની જાહેરાત
કામદાર નેતા શાન ખાન સહિતના શ્રમિકોની પણ પોલીસે અટકાયત કરી હતી. શાન ખાનને ઉમરા પોલીસ મથકે લઈ જવાયા બાદ અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ વાન રસ્તામાં બંધ પડી જતાં શ્રમિકોને ગરમી અને બફારાનો સામનો કરવો પડ્યો હોવાની માહિતી સામે આવી છે.
આ સમગ્ર કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરતાં શાન ખાને સુરતમાં અઘોષિત કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ હોવાનો દાવો કર્યો હતો. સાથે જ તેમણે શ્રમિકોનો અવાજ દબાવી શકાશે નહીં અને આંદોલન ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.
પોલીસની મંજૂરી ન મળતાં કાર્યવાહી
DCP રાજેશ પરમારના જણાવ્યા અનુસાર, શ્રમિકોના કાર્યક્રમ માટે જરૂરી શરતો પૂર્ણ ન થતાં પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી. તેથી કલેક્ટર કચેરીથી આશરે 100 મીટર દૂરથી જ 60થી 70 શ્રમિકોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
શ્રમિકોની મુખ્ય માગણીઓમાં એમ્બ્રોડરી એકમોમાં રવિવારની સાપ્તાહિક રજા (Sunday Holiday)અને પગાર વધારા (Salary Hike Demand)નો સમાવેશ થાય છે. પોલીસની કાર્યવાહી બાદ હવે શ્રમિક સંગઠનો આગળ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: પોલીસ ‘ગ્રેડ પે’નાં મહાઆંદોલનમાં હવે આવ્યો રાજકીય વળાંક
આ પણ વાંચો: ખેડૂતોનો સરકાર સામે હલ્લાબોલ! પાલનપુરમાં મહારેલી બાદ ચક્કાજામ
આ પણ વાંચો: ટેટ-ટાટ પાસ ઉમેદવારોના ગાંધીનગરમાં ધરણાં, શિક્ષકોની ભરતી મામલે આંદોલન
