Ahmedabad Theft Case: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક કંપનીની ઓફિસમાંથી અંદાજે રૂ.15 લાખની કિંમતનાં 47 લેપટોપ ચોરાયા (Ahmedabad Laptop Theft)ની ઘટના સામે આવી છે. 13 ઓક્ટોબરની રાત્રે કંપનીના કર્મચારીઓ નવરાત્રિમાં ગરબા રમવા ગયા હતા. આ દરમિયાન ઓફિસનો મુખ્ય દરવાજો ખુલ્લો રહી ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. અજાણ્યો શખસ ઓફિસમાં પ્રવેશ્યો અને સર્વર રૂમમાં CCTV બંધ કર્યા બાદ લેપટોપ ચોરી કરીને ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ છે. આ મામલે કંપનીના માલિકે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Ahmedabad Laptop Theft: ઓફિસનો દરવાજો ખુલ્લો હોવાનો ચોરે લીધો લાભ
મળતી માહિતી મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય નિકુલ શાહ ચિપ ડિઝાઇનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વસ્ત્રાપુરમાં આવેલી તેમની કંપનીની ઓફિસમાંથી 47 લેપટોપ ચોરાયા (Vastrapur Theft)ની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ અનુસાર, 13 ઓક્ટોબરના રોજ કંપનીના કર્મચારીઓ નવરાત્રિ નિમિત્તે ગરબા રમવા બહાર ગયા હતા. આ દરમિયાન ઓફિસનો મુખ્ય દરવાજો લોક કર્યા વિના ખુલ્લો રહી ગયો હતો. અજાણ્યો શખસ આ તકનો લાભ લઈને ઓફિસમાં પ્રવેશ્યો હતો.
સર્વર રૂમમાં જઈ CCTV બંધ કર્યાનો આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઓફિસમાં પ્રવેશ્યા બાદ અજાણ્યા શખસે સર્વર રૂમમાં જઈ CCTV કેમેરાની સ્વીચ બંધ કરી દીધી હતી. ત્યારબાદ હાઉસકીપિંગ સ્ટાફ ઓફિસ બંધ કરવા આવે તે પહેલાં જ અલગ-અલગ કંપનીના 47 લેપટોપ ચોરી કરી લીધા હતા.
ચોરાયેલા લેપટોપની કુલ કિંમત અંદાજે રૂ.15 લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
રાત્રે કપડાં લેવા આવેલા કર્મચારીને ચોરીની જાણ થઈ
ગરબા રમ્યા બાદ રાત્રે આશરે 12:30 વાગ્યે કંપનીના કર્મચારી સચિન શર્મા કપડાં લેવા ઓફિસે પહોંચ્યા હતા. આ દરમિયાન વર્ક એરિયાના ટેબલ પરથી લેપટોપ ગાયબ હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું.
તેમણે તાત્કાલિક હિસાબ સંભાળતા રવિ ઉત્તમચંદાણીને ફોન કર્યો હતો. ત્યારબાદ કંપનીના માલિક નિકુલ શાહને જાણ કરવામાં આવી હતી.
વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં કંપનીના માલિકે ઓફિસમાં CCTV ફૂટેજ (CCTV Footage) તપાસ્યા હતા. ફરિયાદ મુજબ, ફૂટેજમાં એક અજાણ્યો શખસ કેમેરા બંધ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ (Vastrapur Police) સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે ગુનો નોંધી ઘટનાસ્થળની તપાસ શરૂ કરી છે. ચોરીમાં સંડોવાયેલા શખસની ઓળખ અને ચોરાયેલા લેપટોપની ભાળ મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: વ્સસન ખાતર કબરોમાંથી મૃતદેહો ચોરાયા, સરકારે લાદી ઈમરજન્સી,જાણો ક્યાં દેશમાં બની આ વિચિત્ર ઘટના
આ પણ વાંચો: દમણમાં 1 કરોડનું સોનું અને UKના 8 હજાર પાઉન્ડ ચોરાયા, સાથોસાથ મંદિરની દાનપેટીમાંથી પણ ચોરી
આ પણ વાંચો: લ્યો બોલો ન્યાયનું ‘મંદિર’ પણ સુરક્ષિત નથી, કોર્ટમાંથી ઘડા ચોરાયા, પોલીસ CCTV ચકાસણીમા વ્યસ્ત
