Ahmedabad Fake Mobile Scam: અમદાવાદના ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેશન માર્કેટમાં બ્રાન્ડેડ કંપનીના લોગોનો ઉપયોગ કરીને કથિત નકલી મોબાઇલ (Ahmedabad Fake Mobile) ફોનના વેચાણ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી ઝોન-6ની ટીમે તપાસ દરમિયાન 1,034 મોબાઇલ ફોન સહિત કુલ રૂ.7.07 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં મોબાઇલ ફોન પર સેમસંગ કંપનીના ટ્રેડમાર્ક અને લોગોનો કથિત દુરુપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગીતામંદિર માર્કેટના રિટેલ વેપારીઓ અને કાલુપુર રિલીફ રોડના જથ્થાબંધ સપ્લાયર્સ સહિત 14 લોકો સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
Ahmedabad Fake Mobile: ઓથોરાઇઝ્ડ પ્રતિનિધિની તપાસમાં નકલી ફોન હોવાનો ખુલાસો
પોલીસને ગીતામંદિર (Gitamandir Mobile Market) એસ.ટી. બસ સ્ટેશન માર્કેટમાં ડુપ્લિકેટ મોબાઇલ ફોન વેચાતા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ એલસીબી ઝોન-6ની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસના ભાગરૂપે બ્રાન્ડેડ કંપનીના અધિકૃત પ્રતિનિધિ સૌરભકુમાર રાજેશ્વરી પાંડેની મદદ લેવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન જપ્ત કરાયેલા સેમસંગ મોબાઇલ ફોન (Fake Samsung Phones) બનાવટી હોવાનું અને કંપનીની મંજૂરી વિના તેના ટ્રેડમાર્ક (Trademark Violation) તથા લોગોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
રૂ.7.07 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ગીતામંદિર માર્કેટની ભોલેનાથ મોબાઇલ, મહાવીર મોબાઇલ સહિતની દુકાનો અને ગોડાઉનમાંથી બિલ વગરનો સામાન જપ્ત કર્યો હતો.
જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગતો નીચે મુજબ છે:
– મોબાઇલ ફોનના 1,034 નંગ: રૂ.6,61,870
– HP લેપટોપ: રૂ.12,000
– ચાર્જર: રૂ.3,000
– બેટરીઓ: રૂ.28,850
– મોબાઇલ બોડી: રૂ.1,100
આમ, પોલીસે કુલ રૂ.7,07,270નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કાલુપુરના જથ્થાબંધ વેપારીઓ પાસેથી માલ લાવ્યાનો આક્ષેપ
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ગીતામંદિર માર્કેટના કેટલાક વેપારીઓ કાલુપુર રિલીફ રોડ પર આવેલા રાજ કોમ્પ્લેક્સ અને મેટ્રો પ્લાઝાના જથ્થાબંધ વેપારીઓ પાસેથી બિલ વગર મોબાઇલ ફોન ખરીદતા હોવાનો આક્ષેપ છે.
આ સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ટ્રેડમાર્ક્સ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
ગીતામંદિરના વેપારીઓ અને સપ્લાયર્સ સહિત 14 સામે ગુનો
આ કેસમાં ગીતામંદિર માર્કેટના વેપારીઓ તરીકે રમેશ સોલંકી, જીતેન્દ્ર ઉર્ફે જીતુ ભુરારામ પ્રજાપતિ, રવીન્દ્રકુમાર ઉર્ફે રવિ લક્ષ્મણરાવ છીપા, રૂપારામ થાનાજી ચૌધરી, દીનેશકુમાર મઘારામ ઘાંચી અને મહેન્દ્ર મોદી સામે ગુનો નોંધાયો હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત કાલુપુર રિલીફ રોડના સપ્લાયર્સ તરીકે અશોક, ભઈલુ, વિવેક (કેસરીનંદન), ગોપી, કુલદીપ, રાજુ (આર.એસ.બી. ટ્રેડર્સ), પ્રવિણ અને દર્શન (શિવાય કોમ્યુનિકેશન)નાં નામ પણ ફરિયાદમાં સામેલ છે.
પોલીસ હવે મોબાઇલ ફોન ક્યાંથી લાવવામાં આવતા હતા, તેના સપ્લાયમાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં અને આ રીતે કેટલા ફોન વેચાયા હતા તે દિશામાં તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ! સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડમાં ફેરવી વેચાતો ખેલ
આ પણ વાંચો: ગૂગલ મેપથી હોટેલ બુકિંગ કરો છો? સાવધાન! નકલી વેબસાઇટ બનાવી સાયબર ઠગાઈ કરતી ગેંગ સક્રિય
આ પણ વાંચો: CBI નોટિસ અસલી છે કે નકલી? AI સત્ય ઉજાગર કરશે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખો.
