New Delhi News: ઓનલાઇન પ્લેટફોર્મ પર નિયંત્રિત અને જોખમી વિસ્ફોટક પદાર્થોની (Online Explosives Sale) લિસ્ટિંગ, જાહેરાત અને વેચાણને સુગમ બનાવવાના મામલે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ કાર્યવાહી હાથ ધરી છે. CCPAના હસ્તક્ષેપ બાદ 7 ઓનલાઇન પ્લેટફોર્મ પરથી કુલ 3,940 વિક્રેતાઓની લિસ્ટિંગ દૂર કરવામાં (3940 Seller Listings Removed) આવી છે. આ કાર્યવાહી ગ્રાહક સુરક્ષા અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
Online Explosives Sale: કયા 7 ઓનલાઇન પ્લેટફોર્મ સામે કાર્યવાહી?
CCPA દ્વારા જે ઓનલાઇન પ્લેટફોર્મ પર કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં નીચેના નામ સામેલ છે:
ઈન્ડિયામાર્ટ (IndiaMART)
ટ્રેડઈન્ડિયા (TradeIndia)
ડાયલ4ટ્રેડ (Dial4Trade)
જસ્ટડાયલ (Justdial)
સિગ્મા-એલ્ડ્રિચ ઈન્ડિયા (Sigma-Aldrich India)
એક્સપોર્ટર્સઈન્ડિયા (ExportersIndia)
આઈબાયકેમિકલ્સ (Ibuychemikals)
આ પ્લેટફોર્મ પર એમોનિયમ નાઇટ્રેટ, ગન પાવડર, પિક્રિક એસિડ અને PETN જેવા નિયંત્રિત તથા જોખમી પદાર્થોની ઓનલાઇન લિસ્ટિંગ અને વેચાણ સંબંધિત વિગતો સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. CCPAના જણાવ્યા અનુસાર, સંબંધિત પ્લેટફોર્મ પરથી આવી લિસ્ટિંગ દૂર કરવામાં આવી છે.
વિસ્ફોટક પદાર્થોના વેચાણ માટે લાઇસન્સ જરૂરી
એક્સપ્લોઝિવ્સ એક્ટ, 1884 અને તેના હેઠળના નિયમો મુજબ સંબંધિત વિસ્ફોટક પદાર્થોના કાયદેસર વેચાણ અને ખરીદી માટે નિર્ધારિત લાઇસન્સની જરૂર પડે છે. ઓનલાઇન પ્લેટફોર્મ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ વિક્રેતાઓના માન્ય PESO લાઇસન્સની વિગતો જાહેર કરે અને ખરીદી પહેલાં ખરીદનારની ઓળખ તથા લાઇસન્સ સંબંધિત યોગ્ય ચકાસણી કરે.
CCPAએ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019 અને ઈ-કોમર્સ નિયમો, 2020 હેઠળ આ મામલે નિયમનકારી કાર્યવાહી શરૂ કરી છે.
બે કંપનીઓ પર રૂ.10-રૂ.10 લાખનો દંડ
CCPAએ અત્યાર સુધીમાં કેટલાક કેસોમાં અંતિમ આદેશો આપ્યા છે. તેમાં ડાયલ4ટ્રેડ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડને એમોનિયમ નાઇટ્રેટના ઓનલાઇન વેચાણ સંબંધિત મામલે રૂ.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કંપનીને પોતાના પ્લેટફોર્મ પર એમોનિયમ નાઇટ્રેટ અને અન્ય વિસ્ફોટક પદાર્થોની લિસ્ટિંગ તથા વેચાણને સુગમ બનાવવાનું બંધ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો.
આ આદેશ સામે કંપનીએ નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC)માં અપીલ કરી હતી. PIBના જણાવ્યા મુજબ, 9 ઓક્ટોબર, 2026ના રોજ કમિશને અપીલ ફગાવી દીધી હતી.
બીજી તરફ, એક્સપોર્ટર્સઈન્ડિયા ચલાવતી વેબલિંક.ઈન પ્રાઇવેટ લિમિટેડ પર પણ બે અલગ-અલગ કેસમાં રૂ.10-રૂ.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કેસ એમોનિયમ નાઇટ્રેટ અને PETNની લિસ્ટિંગ તથા વેચાણને સુગમ બનાવવા અને બીજા કેસમાં પિક્રિક એસિડ સંબંધિત લિસ્ટિંગ અંગે હતા. કંપનીએ આ આદેશો સામે NCDRCમાં અપીલ કરી છે.
ઈન્ડિયામાર્ટ અને જસ્ટડાયલના કેસમાં તપાસ
CCPAએ ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ લિમિટેડને એમોનિયમ નાઇટ્રેટ, PETN, ગન પાવડર અને પિક્રિક એસિડ જેવા પદાર્થોની ઓનલાઇન લિસ્ટિંગ તથા વેચાણને સુગમ બનાવવા અંગે નોટિસ આપી હતી. તપાસ પૂર્ણ થયા બાદ તપાસ અહેવાલ કંપનીને આપવામાં આવ્યો હતો અને કંપનીએ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. આ મામલે કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં પણ અરજી કરી છે.
જસ્ટડાયલ લિમિટેડ સામે પણ એમોનિયમ નાઇટ્રેટ સંબંધિત ઓનલાઇન લિસ્ટિંગ અને વેચાણના મામલે કાર્યવાહી ચાલી રહી છે. કંપનીને તપાસ અહેવાલ આપવામાં આવ્યો છે અને તેણે પોતાનો જવાબ રજૂ કર્યો છે. PIBના જણાવ્યા મુજબ, આ કેસમાં આગામી અને અંતિમ સુનાવણી 23 ઓક્ટોબર, 2026ના રોજ યોજાવાની હતી. આ ઉપરાંત, ટ્રેડઈન્ડિયા, સિગ્મા-એલ્ડ્રિચ કેમિકલ્સ અને આઈબાયકેમિકલ્સ સંબંધિત કેટલાક કેસોની તપાસ પણ ચાલી રહી છે.
ઓનલાઇન વિસ્ફોટકોના વેચાણની ફરિયાદ ક્યાં કરવી?
CCPAએ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ ઓનલાઇન પ્લેટફોર્મ પર વિસ્ફોટક (Explosives Listing) પદાર્થોના વેચાણ અથવા લિસ્ટિંગનો મામલો ધ્યાનમાં આવે, તો તેની જાણ રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઇનના નંબર 1915 પર કરી શકાય છે.
આ કાર્યવાહીનો હેતુ ઓનલાઇન માર્કેટપ્લેસ પર કાયદાનું પાલન સુનિશ્ચિત (Consumer Protection Authority) કરવાનો, અનધિકૃત વેચાણ અટકાવવાનો અને ગ્રાહકો તથા જાહેર જનતાની સુરક્ષાને મજબૂત કરવાનો છે.
આ પણ વાંચો: દેશભરમાં DRIની મોટી કાર્યવાહી: 7.1 કિલો એમ્ફેટામાઈન અને 3.1 કિલો કોકેઈન ઝડપાયું
આ પણ વાંચો: અમદાવાદ-સુરતમાં રૂ.19.41 કરોડની સોનાની તસ્કરીનો પર્દાફાશ, 3ની ધરપકડ
આ પણ વાંચો: ચૂંટણી પહેલાં અસારવા ભાજપમાં બળાપો? વોટ્સએપ પોસ્ટમાં મૂળ કાર્યકરોની અવગણનાનો આક્ષેપ
