Gandhinagar News/ ગાંધીનગરના અડાલજ રોડ પર ગમખ્વાર અકસ્માત: MBBSની વિદ્યાર્થિની સહિત 3નાં મોત

ગાંધીનગરના અડાલજ(Adalaj) પાસે કાર પલટી જતા 3 ના મોત

Gujarat Gandhinagar Breaking News
Adalaj

Gandhinagar News: દશેરાની વહેલી સવારે ગાંધીનગરના અડાલજ(Adalaj) રોડ પર ભીષણ માર્ગ અકસ્માત સર્જાતાં ત્રણ યુવામિત્રોનાં મોત નીપજ્યાં છે. ગાંધીનગરમાં નવરાત્રિના ગરબા રમીને અમદાવાદ પરત ફરી રહેલા ચાર મિત્રોની કાર મહારાજા હોટેલ નજીક ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી 25 વર્ષીય વિદ્યાર્થિની આસ્થા સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 Adalaj  પાસે અકસ્માત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

મળતી માહિતી અનુસાર, 20 ઓક્ટોબર, દશેરાની વહેલી સવારે ચાર યુવામિત્રો કારમાં ગાંધીનગરથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. તમામ મિત્રો નવરાત્રિ(Navratri)ના ગરબા રમીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અડાલજ રોડ પર મહારાજા હોટેલ (Maharaja Hotel) નજીક પહોંચતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે જોરદાર અથડાઈને પલટી ખાઈ ગઈ હતી.

અકસ્મા્તની તીવ્રતા એટલી વધારે હતી કે કારમાં સવાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાનો અવાજ સાંભળીને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન વધુ એક યુવતીનું મોત

અકસ્મા્તમાં એક યુવક અને એક યુવતીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડીને તબીબોએ સારવાર શરૂ કરી હતી. જોકે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમિયાન મોત થતાં આ અકસ્માતમાં મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો હતો. કારમાં સવાર ચોથા યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકોમાં MBBSના છેલ્લા વર્ષની વિદ્યાર્થિનીનો સમાવેશ

અકસ્મા્તમાં જીવ ગુમાવનાર 25 વર્ષીય આસ્થા મૂળ રાજકોટની વતની હતી. તે અમદાવાદમાં હોસ્ટેલમાં રહીને MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. યુવાનીમાં જ તેનું દુઃખદ અવસાન થતાં પરિવારજનો અને પરિચિતોમાં શોકની લાગણી ફેલાઈ છે. અન્ય બે મૃતકોની ઓળખ અંગેની વિગતો સામે આવવાની બાકી છે.

આ ગમખ્વાર અકસ્માતને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કાર કયા સંજોગોમાં બેકાબૂ બની અને અકસ્માત પાછળનાં ચોક્કસ કારણો શું હતાં, તે જાણવા તપાસ કરવામાં આવી રહી છે.