Valsad News: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સોંઢલવાડા ગામમાં નકલી પોલીસ(FAKE POLICE) બની યુવક પાસેથી રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતે પોલીસ હોવાનો દાવો કરીને યુવકને ધમકાવનાર શખ્સોએ તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
યુવકે વિરોધ કરતાં તેને કારના બોનેટ પર ઢસડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી સિદ્ધાર્થ બાબુ પટેલની ધરપકડ કરી છે.
FAKE POLICE : ‘અમે પોલીસ છીએ’ કહી યુવક પાસે માગ્યા રૂપિયા
મળતી માહિતી મુજબ, પારડી તાલુકાના સોંઢલવાડા ગામે (Sondhalvada Village)વગર નંબરની કારમાં આવેલા કેટલાક શખ્સોએ એક યુવકને અટકાવ્યો હતો. આરોપીઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને યુવક પર દારૂનો ધંધો કરતો હોવાનો આક્ષેપ મૂક્યો હતો. ત્યારબાદ તેને ધમકાવીને રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે.
વિરોધ કરતાં યુવકને કારના બોનેટ પર ઢસડ્યો
પોતાની સામે નકલી પોલીસ હોવાની શંકા જતાં યુવકે આરોપીઓનો સામનો કર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ કાર ચાલુ કરી દેતાં યુવકને કારના બોનેટ પર ઢસડવામાં આવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર બનાવ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ઘટનાના ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.
CCTV ફૂટેજના આધારે પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પારડી પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી સિદ્ધાર્થ બાબુ પટેલને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે કાર કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
આરોપીઓ સામે ખંડણીના પ્રયાસ, છેતરપિંડી અને હુમલા સંબંધિત ગુના(Crimes related to fraud and assault)ની તપાસ ચાલી રહી છે. જોકે, ઘટનામાં સંડોવાયેલા અન્ય શખ્સો અને સમગ્ર કાવતરાની વિગતો અંગે પોલીસ તપાસ બાદ વધુ સ્પષ્ટતા થશે.
આ પણ વાંચો:અમદાવાદ: દિવસમાં CA ની ઓફિસમાં નોકરી, સાંજે બનતો નકલી પોલીસ, કેવી રીતે થયો પર્દાફાશ ?
આ પણ વાંચો:નકલી પોલીસના ગુનામાં નાસતા ફરતા આરોપીની કરાઈ ધરપકડ
