Vadodara News/ બરોડા ક્રિકેટ ટીમોનો દબદબો: પુરુષોની ટુર્નામેન્ટમાં જીત, મહિલા ટીમ સેમિફાઇનલમાં

Baroda Cricket Team: બરોડાની પુરુષ ટીમોએ રણજી અને સી.કે. નાયડુ ટ્રોફીમાં સતત બે જીત મેળવી, જ્યારે અંડર-19 મહિલા ટીમ T20ની સેમિફાઇનલમાં પહોંચી.

Top Stories Gujarat Vadodara
Baroda Cricket Team: પુરુષ અને મહિલા ટીમોનું શાનદાર પ્રદર્શન

Vadodara News: વિવિધ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની પુરુષ અને મહિલા ટીમો (Baroda Cricket Team) શાનદાર પ્રદર્શન કરી રહી છે. પુરુષોની ટીમોએ રણજી ટ્રોફી અને સી.કે. નાયડુ ટ્રોફીમાં સતત બે-બે જીત નોંધાવી છે. બીજી તરફ, અંડર-19 મહિલા ટીમે T20 ટુર્નામેન્ટમાં સતત છ મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ ઉપરાંત, અંડર-23 પુરુષ ટીમે સીસકેમ ટ્રોફી 2026નું ટાઇટલ જીત્યું છે, જ્યારે મહિલા ટીમ જીવન કપ T20માં ઉપવિજેતા બની છે.

Baroda Cricket Team: સીસકેમ ટ્રોફીમાં ઝારખંડને હરાવી ખિતાબ જીત્યો

પોંડિચેરીમાં યોજાયેલી સીસકેમ ટ્રોફી 2026 અંડર-23 પુરુષ આંતરરાજ્ય મલ્ટિ-ડે ટુર્નામેન્ટની ફાઇનલમાં બરોડાએ ઝારખંડને 48 રનથી હરાવી ચેમ્પિયનપદ મેળવ્યું હતું.

સપ્ટેમ્બરમાં રમાયેલી ફાઇનલમાં બરોડાના કાવ્ય ટેલરે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 13.1 ઓવરમાં બે મેઇડન સાથે માત્ર 38 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેના પ્રદર્શનથી ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન મળ્યું હતું.

રણજી ટ્રોફીમાં બરોડાની સતત બીજી જીત

અતીત શેઠના નેતૃત્વ હેઠળ બરોડાની સિનિયર પુરુષ ટીમે રણજી ટ્રોફી (Ranji Trophy)માં વિજયી શરૂઆત કરી છે. ગોવા સામે જીત મેળવ્યા બાદ ટીમે બિહારને 10 વિકેટે હરાવી સતત બીજી જીત નોંધાવી હતી.

બોલર ભાર્ગવ ભટ્ટે પ્રથમ બે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ગોવા સામે નવ અને બિહાર સામે આઠ વિકેટ મેળવી કુલ 17 વિકેટ ઝડપી હતી. બિહાર સામે પ્રિયાંશુ મોલિયાની સદી તેમજ દીપક હુડા અને મહેશ પીઠિયાની અડધી સદીઓએ પણ ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

સી.કે. નાયડુ ટ્રોફીમાં પણ બે જીત

બરોડાની અંડર-23 ટીમે સી.કે. નાયડુ ટ્રોફી (CK Nayudu Trophy)માં પણ સતત બે જીત મેળવી છે. ગોવા સામેની મેચમાં પ્રથમ દાવમાં 153 રનથી પાછળ રહ્યા બાદ બરોડાએ વાપસી કરીને ચાર વિકેટે જીત મેળવી હતી.

આ મેચમાં ભવિષ્ય પટેલે 130 રન અને નિત્ય પંડ્યાએ 65 રન બનાવ્યા હતા. બોલિંગમાં દીપ પટેલે કુલ આઠ અને હર્ષિત મૌર્યએ છ વિકેટ ઝડપી હતી.

ત્યારબાદ કટકના બારાબતી સ્ટેડિયમમાં ઓડિશા સામેની મેચમાં બરોડાએ 162 રનથી વિજય મેળવ્યો હતો. બરોડાએ પ્રથમ દાવમાં 250 અને બીજા દાવમાં 239 રન બનાવ્યા હતા. ઓડિશાની ટીમ પ્રથમ દાવમાં 211 રનમાં ઓલઆઉટ થઈ હતી. ત્યારબાદ 279 રનના લક્ષ્યાંકનો પીછો કરતી ઓડિશાની ટીમ બીજા દાવમાં માત્ર 116 રનમાં સમેટાઈ ગઈ હતી.

અંડર-19 મહિલા ટીમ સેમિફાઇનલમાં

મહિલા ક્રિકેટમાં પણ બરોડાની અંડર-19 ટીમે નોંધપાત્ર સફળતા મેળવી છે. BCCI અંડર-19 મહિલા T20 (Under-19 Women T20) ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં બરોડાએ મહારાષ્ટ્રને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમે સતત છ મેચ જીતીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે સેમિફાઇનલમાં બરોડાનો મુકાબલો કર્ણાટક સામે થશે.

બીજી તરફ, જીવન કપ મહિલા T20 સ્પર્ધામાં બરોડાની ટીમ ઉપવિજેતા બની હતી. આમ, પુરુષોની વિવિધ ટીમોની જીત અને મહિલા ટીમોના સારા પ્રદર્શનથી બરોડા ક્રિકેટ એસોસિએશન માટે આ ટુર્નામેન્ટ્સમાં સફળતાનો દોર જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો: ક્રિકેટરો સાથે કરોડોની છેતરપિંડી: પોન્ઝી સ્કીમ કેસમાં હાઈકોર્ટે CID ક્રાઇમ પાસે માગ્યો જવાબ

આ પણ વાંચો: અમદાવાદમાં વિદેશ જવાની આશામાં લાખો ગુમાવ્યા! ક્રિકેટ કોચના પરિવારની ફરિયાદથી ચકચાર

આ પણ વાંચો: શિવાલિક શર્મા કેસ: રાજસ્થાન હાઈકોર્ટે દુષ્કર્મની ફરિયાદ કરી રદ્દ, ક્રિકેટરે કહ્યું- કારકિર્દી ખતમ કરવા કેસ થયો