Food Recipe: તહેવાર નિમિત્તે તમામ ઘરમાં ગળ્યું બનાવવાનો રિવાજ છે. જો તમે ગળ્યું ખાવાના શોખીન હો અને કંઇક સ્વાદિષ્ટ બનાવીને ખાવા માગતા હો તો એક વાર ગુજરાતના સુરતની ફેમસ મીઠાઈ ઘારી (Ghari Recipe, Surat)ને અવશ્ય ટ્રાય કરો! આ મીઠાઈ દુનિયામાં કેવળ એક જ સ્થળે મળે છે. જો તમે સુરતની નજીક રહેતા હશો કે સુરતની મુલાકાતે ગયા હશો તો આ મીઠાઈ અવશ્ય ચાખી હશે પરંતુ દેશના અન્ય ભાગમાં રહેતા લોકો આ મીઠાઈ ઘરે બનાવીને ખાઈ શકે છે. ઘારી મીઠાઈ ખાવામાં ઘણી જ મજેદાર હોય છે અને ડ્રાય ફ્રુટ્સ, માવા, બેસન અને મેંદાની સાથે ઘીનો સ્વાદ મળે છે.
દિવાળી (Diwali)ને હવે ગણતરીની ઘડીઓની વાર છે. ધનતેરસ (Dhanteras)થી આ પંચદિવસીય તહેવાર (Festival)નો પ્રારંભ થઇ જશે. એ પહેલાં ગૃહિણીઓ અને સૌ કોઇ ધામધૂમથી આ તહેવારને મનાવવાની તૈયારીઓમાં વ્યસ્ત હશે. બજારમાં મળતી રેડીમેઇડ મીઠાઈઓ (Sweets) કરતાં ઘરે શુદ્ધ રીતે, પ્રેમપૂર્વક હાથેથી બનાવેલા વ્યંજનોની મજા જ કંઇ ઓર છે!
આજકાલ તૈયાર મીઠાઈઓમાં પણ ઘણી ભેળસેળ હોવાનો ડર રહે છે. બજારમાં વિકલ્પો તો ઘણા છે પણ સ્વાસ્થ્ય (Health)ની જાળવણી અને નાણાની બચત (Money Saving) કરવી હોય તો ઘરે જ મીઠાઈઓ અને નાસ્તા બનાવવા વધુ ઉચિત છે. આજે અમે તમને એવી રેસિપી (Recipe) જણાવવા જઇ રહ્યાં છીએ કે જેનાથી તમારા ‘એક તીર અને બે નિશાન’ સાધવા જેવું કાર્ય સંપન્ન થશે! સુરતનું જમણ વખણાય છે અને એની ઘારી (Ghari Recipe),તો દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તો ફટાફટ નોંધી લો આ સુરતની ફેમસ ઘારી મીઠાઈની રેસિપી…
શી રીતે બનાવશો સુરતની ઘારી મીઠાઈ? (Ghari Recipe, Surat)
સુરતની ફેમસ ઘારી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
3 ચમચી દેશી ઘી
4 ચમચી કકરું બેસન
600 ગ્રામ માવો
1 કપ બૂરું ખાંડ
ચપટી કેસર
અડધી ચમચી લીલી ઈલાયચીનો પાવડર
400 ગ્રામ બારીક સમારેલું ડ્રાયફ્રુટ્સ-કાજુ, બદામ, પિસ્તા, ચારોળી
દેશી ઘી (તળવા માટે)
2 કપ મેંદો
1 ચમચી ઘી
જામેલું ઘી (કોટિંગ કરવા માટે)

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક પૅનમાં 3 ચમચી દેશી ઘી (Desi Ghee) ઉમેરો. એમાં 4 ચમચી કકરું બેસન મિક્સ કરી લો. બેસન અને ઘીને ધીમા તાપે હળવી સુગંધ આવે ત્યાં સુધી શેકી લો અને સાઈડમાં ઠંડું થવા માટે રાખો.
2. એક કડાઈમાં 600 ગ્રામ માવાને ઉમેરીને એમાં 1 કપ બૂરું ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
3. માવો પીગળે પછી એમાં કેસર, લીલી ઈલાયચીનો પાઉડર, 400 ગ્રામ બારીક સમારેલું ડ્રાયફ્રુટ્સ (Dry Fruits) જેમ કે કાજુ, બદામ, પિસ્તા અને ચારોળી ઉમેરી દેવી.
4. તમામ વસ્તુઓને મિક્સ કરીને ગૅસ બંધ કરી દો. એમાં શેકેલું બેસન મિક્સ કરી લો અને મિશ્રણને સારી રીતે મિક્સ કરો.
5. મિશ્રણ ઠંડુ થાય પછી હથેળીથી પેંડા જેવો ગોળ કે નાની વાડકી વડે બાટી જેવો શૅપ બનાવીને રાખવો.
6. હવે એક બાઉલમાં 2 કપ મેંદો અને 1 ચમચી ઘી ઉમેરીને નરમ લોટ બાંધી લો. એના નાના-નાના લુવા કરીને પાતળા વણી લો. વણેલી મેંદાની પાતળી પૂરીઓમાં તૈયાર કરેલી માવાવાળી બાટીઓ રાખીને સારી રીતે બંધ કરી લો અને એક્સ્ટ્રા લોટ દૂર કરી દેવો.
7. કડાઈમાં દેશી ઘી ઉમેરીને એને ગરમ કરો અને હાઈ ફ્લેમ પર તાપે તમામ ઘારીને હળવી ફ્રાય કરીને તરત કાઢી લેવી. આ માટે તમે ફ્રાય કરનારા બાઉલ જેવા સ્પેશ્યલ ઝારાનો ઉપયોગ કરી શકો છો.
8. ઠંડી કરેલી બાટીઓને જામેલા ઘીમાં એક તરફથી ડુબાડીને એની ઉપર ઘી જામવા દેવું. એની ઉપર પિસ્તા લગાવીને ફ્રિઝમાં મૂકી દેવી. મીઠાઈને ફ્રીઝમાં રાખવાથી એની ઉપર ઘી સારી રીતે જામી જાય છે.
તો તૈયાર છે તમારી ડ્રાય ફ્રુટ્સ અને માવાથી ભરપૂર સ્વાદિષ્ટ ઘીથી લથબથ ઘારી (Ghari Recipe)…આ મીઠાઈ એકવાર ખાશો તો તમને લાગશે કે મીઠાઈ (Sweet)નો આનાથી બહેતરીન સ્વાદ ક્યારેય નથી ચાખ્યો! ઘરે આવેલા મહેમાનો પણ પૂછશે કે આ મીઠાઈ ક્યાંથી ખરીદી છે? જ્યારે તમે કહેશો કે ઘરે બનાવી છે ત્યારે એ આશ્ચર્યચકિત્ થઈ જશે! આ કરવા ચોથ અથવા દિવાળીના અવસરે આ મીઠાઈ અવશ્ય બનાવીને ટ્રાય કરજો.
આ પણ વાંચો: ઘરે ગુલાબજાંબુ બનાવો, દિવાળીમાં મહેમાનોનું સ્વાગત રસીલી મીઠાઇથી કરો..! આ રહી રેસિપી…
આ પણ વાંચો: રક્ષાબંધનને ગણતરીના કલાકો…ઝટપટ બનાવો બ્રેડ ગુલાબ જાંબુ…મીઠી મધુરી સરળ મીઠાઈ..!
આ પણ વાંચો: ગળ્યું ખાવાના શોખીન છો તો બનાવો ‘પહાડી શૈયા’…સ્વાદમાં મજેદાર, પરંપરાગત સરળ મીઠાઈ…
