Lifestyle/ ઘરે ગુલાબજાંબુ બનાવો, દિવાળીમાં મહેમાનોનું સ્વાગત રસીલી મીઠાઇથી કરો..! આ રહી રેસિપી…

બજારમાં મળતી મીઠાઈઓ કરતાં ઘરે શુદ્ધ રીતે, પ્રેમપૂર્વક હાથેથી બનાવેલા વ્યંજનોની મજા જ કંઇ ઓર છે! તો ચાલો જાણીએ, દિવાળી સ્પેશ્યિલ ગુલાબજાંબુની રેસિપી…

Trending festival Food Lifestyle

Lifestyle: દિવાળી (Diwali)ને હવે ગણતરીની ઘડીઓની વાર છે. ધનતેરસ (Dhanteras)થી આ પંચદિવસીય તહેવાર (Festival)નો પ્રારંભ થઇ જશે. આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરે (20 October) આવશે. એ પહેલાં ગૃહિણીઓ અને સૌ કોઇ ધામધૂમથી આ તહેવારને મનાવવાની તૈયારીઓમાં વ્યસ્ત હશે. બજારમાં મળતી રેડીમેઇડ મીઠાઈઓ (Sweets) કરતાં ઘરે શુદ્ધ રીતે, પ્રેમપૂર્વક હાથેથી બનાવેલા વ્યંજનોની મજા જ કંઇ ઓર છે!

આજકાલ તૈયાર મીઠાઈઓમાં પણ ઘણી ભેળસેળ હોવાનો ડર રહે છે. બજારમાં વિકલ્પો તો ઘણા છે પણ સ્વાસ્થ્ય (Health)ની જાળવણી અને નાણાની બચત (Money Saving) કરવી હોય તો ઘરે જ મીઠાઈઓ અને નાસ્તા બનાવવા વધુ ઉચિત છે. આજે અમે તમને એવી રેસિપી (Recipe) જણાવવા જઇ રહ્યાં છીએ કે જેનાથી તમારા ‘એક તીર અને બે નિશાન’ સાધવા જેવું કાર્ય સંપન્ન થશે! આ મીઠાઈ સોંઘી પણ પડશે કારણ કે, માત્ર 250 ગ્રામ માવામાંથી આશરે 40 જેટલા ગુલાબજાંબુ (Gulab Jamun) અડધા કલાકમાં જ બની જશે અને એ સ્વાસ્થ્યપ્રદ પણ રહેશે. તો ચાલો જાણીએ, દિવાળી સ્પેશ્યિલ હલવાઈ સ્ટાઇલ ગુલાબજાંબુની રેસિપી…

શી રીતે બનાવશો રસીલા ગુલાબજાંબુ?

ગુલાબજાંબુ બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

સામગ્રી

ચાસણી બનાવવા માટે

3 કપ ખાંડ

5-7 કેસરના તાંતણા

ઇલાયચી પાઉડર

ગુલાબ જળ

પાણી જરુર મુજબ

લોટ બાંધવાની સામગ્રી

250 ગ્રામ માવો

50 ગ્રામ પનીર

4 ચમચી મેંદો

1 નાની ચમચી બેકિંગ પાઉડર

ઘી કે તેલ તળવા માટે

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ ગુલાબજાંબુની ચાસણી બનાવીશું. એ માટે એક કડાઇમાં 3 કપ ખાંડ (Sugar) ઉમેરો અને 5-7 કેસરના તાંતણા ઉમેરવા. જો કે, આ વેકલ્પિક છે. ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરીને ગૅસની ફ્લેઇમ મધ્યમથી તેજ રાખવી. વચ્ચે-વચ્ચે ચલાવતાં રહેવું.

2. જ્યારે ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય અને એક ઉભરો આવી જાય એટલે એક ચમચીથી નાની ડિશમાં કાઢીને આંગળી અને અંગૂઠા વચ્ચે દબાવીને ચેક કરવી. એ ચીકાશપડતી હોવી જોઇએ પણ એમાં તાર ન બનવો જોઇએ.

3. આ તબક્કે ગૅસને બંધ કરીને એમાં ઇલાયચી પાઉડર (Cardamom Powder) અને ગુલાબ જળ (Rose Water) મિક્સ કરો. એનાથી સુગંધ અને સ્વાદ બંને વધી જાય છે. આ ચાસણીને એક તરફ રાખી મૂકવી.

4. હવે ગુલાબજાંબુ માટે લોટ બાંધવાની તૈયારી કરીશું. આ માટે તમારે 250 ગ્રામ માવાની જરુર રહેશે. તમે સામાન્ય માવો કે પછી ગુલાબજાંબુનો ખાસ હરિયાળી માવો પણ વાપરી શકો છો.

5. આ માવાને હથેળી પર ઘી લગાવીને સારી રીતે કેળવી લેવો. લગભગ 7-8 મિનિટ સુધી મસળવો આમ કરવાથી એમાં એક નરમાશ આવે છે અને ગુલાબજાંબુના ગોળા વાળતી વખતે એમાં તિરાડ પડવાની સંભાવના રહેતી નથી. તમે જો શોર્ટ કટ લેવા માગતા હો તો તમે એને મિક્સરમાં પણ સ્મૂધ બનાવી શકો છો.

6. હવે થોડું પનીર (Paneer) લઇને એને ટિશ્યૂ પેપરથી દબાવી લો જેથી એનું મોઇશ્ચર જતું રહે. આ પનીરને પલ્સ ગ્રાઇન્ડ કરીને માવા સાથે મિક્સ કરી લો. આ બંને વસ્તુને એકસાથે કેળવીને સિલ્કી સ્મૂધ બનાવી લો.

7. હવે આ મિશ્રણમાં ફક્ત 4 ચમચી મેંદો (Maida) મિક્સ કરો, એથી વધુ મેંદો નાખવો નહિં. નહિંતર ગુલાબજાંબુ કડક બનશે. હવે એમાં 1 નાની ચમચી બેકિંગ પાઉડર (Baking Powder) મિક્સ કરો. આ મિશ્રણને ચાળી લેવું જેથી એ સારી રીતે મિક્સ થઇ જાય. હવે આ તમામ સામગ્રીનો એક લોટ બાંધી લો. એને એક ભીના મલમલના કપડા વડે ઢાંકી રાખો.

8. 10 મિનિટ પછી આ લોટને ફરીથી મસળી લો અને એને બે ભાગમાં વહેંચી લો. આ બંને ભાગના રોલ બનાવીને એની નાની-નાની ગોળીઓ (Balls) વાળી લો. જરુર લાગે તો હથેળીમાં ઘી લગાવતા જઇને ગોળીઓ વાળવી જેથી એ સ્મૂધ બને.

9. એક નાની કડાઇમાં ઘી કે તેલ (Ghee or Oil) ગરમ કરો. એ વધુપડતું ગરમ હોવું જોઇએ નહિં. હવે એક-એક કરીને ગુલાબજાંબુ એમાં મિક્સ કરી લો. તળતી વખતે તેલમાં થોડો મેંદો નાખી દેવો અથવા તો એક મોટી ચમચીથી એને હલાવતાં રહેવું જેથી ગુલાબજાંબુ નીચે ચોંટે નહિં.

10. સોનેરી કલર આવે ત્યાં સુધી ધીમાથી મધ્યમ તાપે એમને તળી લેવા. હવે સાધારણ ગરમ ચાસણીમાં આ તળેલાં ગુલાબજાંબુને મિક્સ કરી લો અને બે-ત્રણ કલાક સુધી એને ઢાંકી રાખો જેથી એ સુગર સિરપ (Sugar Syrup) સારી રીતે પી શકે.

11. આ રીતે માત્ર 250 ગ્રામ માવામાંથી આશરે 40 જેટલા ગુલાબજાંબુ તૈયાર થઇ જશે. હવે આ મઘમઘતા ગુલાબજાંબુને એક સર્વિંગ બાઉલમાં ગુલાબની ધોયેલી પાંદડીઓ નાખીને સર્વ કરો, જોનારા અને ખાનારા તમામનું દિલ ખુશ થઇ જશે!

નોંધ- આ ગુલાબજાંબુને તમે એક અઠવાડિયા સુધી ફ્રિઝમાં સ્ટોર (Store) કરી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોજી-બેસનના અપ્પમ બનાવો 10 મિનિટમાં, ઝટપટ જોઇ લો આ રેસિપી…

આ પણ વાંચો:ઘરે બનાવો ખસ્તા કરારી આલુ-પ્યાજ કચોરી, આ રેસિપીને ફૉલો કરો…

આ પણ વાંચો:મખાના અને કોપરાના લાડુ બનાવો, નબળાં હાડકાંને મજબૂત બનાવો, ફૉલો કરો આ રેસિપીને…