Dharm & Bhakti: સમગ્ર ભારત વર્ષમાં શ્રી રામ (Ram) અયોદ્યા પરત ફર્યા એના માનમાં દિવાળી (Diwali) મનાવવામાં આવે છે. તમને જાણીને નવાઇ લાગશે કે, ગોવા (Goa)માં આ તહેવારની શરુઆત નરક ચતુર્દશીના દિવસથી કરવામાં આવે છે!! અહિં આ પર્વ શ્રી કૃષ્ણે નરકાસુરનો વધ કરીને વિજય મેળવ્યો હતો એની યાદમાં મનાવવામાં આવે છે. આ દિવસે ગોવામાં નરકાસુર (Narkasur)ના મોટા-મોટા પૂતળા દહન કરીને દુષ્ટતા પર સારપની જીતનો ઉત્સવ મનાવવાની પરંપરા છે.
ભારત (India) વિભિન્નતાઓથી સભર દેશ છે અને દરેક રાજ્યમાં પોતાની આગવી લોક પરંપરા અને માન્યતાઓ છે. આ પરંપરા મુજબ એ રાજ્યના વતનીઓ તહેવારો (Festivals) મનાવે છે અને દિવાળીનો તહેવાર પણ દેશના જુદા-જુદા ભાગોમાં જુદી-જુદી રીતે મનાવવામાં આવે છે. ઉત્તર પ્રદેશ (UP)ના લોકો એને શ્રી રામના અયોદ્યા પરત ફરવાના પ્રસંગને અનુલક્ષીને ઉત્સવ સ્વરુપે મનાવે છે જ્યારે ગોવામાં આ 5 દિવસના તહેવારનું સૌથી મોટું આકર્ષણ નરક ચતુર્દશી (Narak Chaturdashi) હોય છે જેને અન્ય રાજ્યોમાં કાળી ચૌદશ (Kali Chaudash)પણ કહેવાય છે. આ દિવસ વિશેષ રુપે, ‘નરકાસુર વધ દિવસ’ના નામથી પણ જાણીતો છે અને ગોવાવાસીઓ માટે આ દિવસનું મહત્વ દિવાળીથી પણ વધારે છે. તો ચાલો જાણીએ કે, ગોવામાં દિવાળીથી વિશેષ નરક ચતુર્દશીનું મહત્વ વધુ કેમ છે?

નરક ચતુર્દશીથી દિવાળીનો પ્રારંભ
નરક ચતુર્દશીનો તહેવાર ગોવામાં દિવાળીની શરુઆતનું પ્રતીક છે. આ દિવસ પછી જ ઘરની સજાવટ, દીપદાન અને પૂજાની તૈયારીઓ શરુ થઇ જાય છે. અહિં ગોવાવાસીઓની એવી માન્યતા છે કે, જ્યાં સુધી દુષ્ટતા (Evil)નો અંત ન આવે ત્યાં સુધી ખરા અર્થમાં દિવાળી મનાવી શકાય નહિં! ગોવામાં ધામધૂમથી આ ઉત્સવને મનાવવાનો હેતુ એ છે કે, દિવાળીનો અર્થ કેવળ દીવા (Lamp) પ્રગટાવવા એ નથી પણ, સ્વયંની અંદર રહેલા દુર્ગુણોનો નાશ કરવાનો છે.
શ્રી કૃષ્ણ છે ગોવાની દિવાળીના નાયક
ગોવામાં ઉજવાતી દિવાળીની પરંપરામાં ભગવાન શ્રી રામ નહિં પણ શ્રી કૃષ્ણ (Krishna)ને અસલી નાયક માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, આ જ દિવસે શ્રી કૃષ્ણે નરકાસુર નામના અસુરનો અંત આણીને દેવતાઓ અને મનુષ્યોને એના અત્યાચારોથી મુક્ત કર્યા હતા. આ કથાનકને ગોવાવાસીઓ ‘નરકાસુર વધ’ના સ્વરુપમાં યાદ કરે છે. આ દિવસે શહેરો અને ગામડાંઓમાં નરકાસુર રાક્ષસના પૂતળા બનાવવામાં આવે છે અને એમને સવારના સમયે દહન કરવાની પરંપરા છે.

સત્યભામાની સહાયથી નરકાસુરનો અંત
પૌરાણિક કથા મુજબ, નરકાસુર પ્રાગજ્યોતિષપુરનો રાજા હતો જે અત્યંત અધર્મી અને ક્રૂર હતો. આ અસુરરાજે દેવોને હરાવીને સ્વર્ગ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું. સૌથી કરુણ બાબત એ છે કે એણે સોળ હજાર અબળા સ્ત્રીઓને પોતાના કેદખાનામાં કેદ કરીને રાખી હતી. જ્યારે એનો અત્યાચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો ત્યારે દેવરાજ ઈન્દ્રે (Lord Indra) ભગવાન શ્રી કૃષ્ણની મદદ માટે ધા નાખી. આ પોકાર સાંભળીને શ્રી કૃષ્ણ પોતાની પત્ની સત્યભામા (Satyabhama) સાથે ગરુડ પર સવાર થઇને પ્રાગજ્યોતિષપુર પહોંચ્યો અને ત્યાં મુર દૈત્યનો વધ કર્યા બાદ એના છ પુત્રોનો પણ સંહાર કર્યો. નરકાસુરને સ્ત્રી દ્વારા મૃત્યુ પામવાનો શ્રાપ હતો આથી શ્રી કૃષ્ણે આ યુદ્ધમાં પોતાની પત્ની સત્યભામાની મદદ લીધી. નરકાસુર રણમેદાનમાં ઉતરતાં સત્યભામાએ પણ રણચંડી બનીને યુદ્ધ કર્યુ અને કૃષ્ણે એમની સહાયતાથી નરકાસુરનો વધ કર્યો.
નરકાસુરનો વધ એ મુક્તિનું પર્વ
જ્યારે નરકાસુરનો અંત થયો ત્યારે શ્રી કૃષ્ણે એના એકમાત્ર પુત્ર ભગદત્તને અભયદાન આપીને પ્રાગજ્યોતિષપુરનું રાજ્ય સોંપી દીધું. ત્યાર બાદ સોળ હજાર સ્ત્રીઓને કેદખાનામાંથી મુક્ત કરવામાં આવી જેમને શ્રી કૃષ્ણે પોતાના શરણમાં લીધી અને પછી એ તમામ સાથે વિવાહ કર્યા. આ ઘટના અશ્વિન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ બની હોવાનો ઉલ્લેખ હોવાથી આ દિવસને નરક ચતુર્દશીના સ્વરુપે મનાવવાની પરંપરા શરુ થઇ જેને ગોવાવાસીઓ આજે પણ ઉત્સાહપૂર્વક મનાવે છે.

પૂતળા દહનની પરંપરા
ગોવામાં નરક ચતુર્દશીની સવારે તમામ શહેરો અને ગામોમાં નરકાસુરના પૂતળાઓનું દહન કરવામાં આવે છે. આ પૂતળા લાકડાં, કપડાં અને કાગળમાંથી બનાવવામાં આવે છે જેમાં ફટાકડાં અને રંગીન સાજ-સજ્જા સામેલ હોય છે. જેવો ગોવામાં સૂર્યોદય થાય છે કે તરત જ સામૂહિક રીતે પૂતળાંનું દહન કરવામાં આવે છે. આને દુષ્ટતાનો અંત અને સદગુણોના વિજય તરીકે જોવામાં આવે છે અને આજે આધુનિક યુગમાં પણ આ ઉત્સવમાં નાના-મોટા સૌ કોઇ હરખભેર ભાગ લે છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
