Junk Food Advertisement Ban UK: બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા જંકફૂડ વિરુદ્ધ બ્રિટન સરકારે જંગ છેડ્યો છે. 5 જાન્યુઆરી, 2026થી બ્રિટનમાં ટીવી અને ઓનલાઈન પ્લેટફોર્મ પર જંકફૂડની જાહેરાતો બતાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં વધી રહેલી સ્થૂળતા (Obesity) ને ડામવાનો છે.
રાત્રે 9 વાગ્યા પહેલા “NO JUNK FOOD AD”
બ્રિટન સરકારના નવા નિયમ મુજબ, ટીવી અને સોશિયલ મીડિયા પર સવારથી રાત્રે 9 વાગ્યા સુધી હાઈ ફેટ, સોલ્ટ અને શુગર (HFSS) ધરાવતા ખાદ્ય પદાર્થોની જાહેરાતો બતાવી શકાશે નહીં. એટલે કે જ્યારે બાળકો ટીવી કે મોબાઈલ જોતા હોય, ત્યારે તેમને આકર્ષક પેકેજિંગ વાળા જંકફૂડ (JUNK FOOD)ની જાહેરાતો જોવા મળશે નહીં.

અન્ય દેશોમાં શું છે સ્થિતિ?
બ્રિટન પહેલા પણ વિશ્વના ઘણા દેશોએ આ દિશામાં કડક પગલાં લીધા છે:
- નોર્વે: બાળકોને ટાર્ગેટ કરતી જંકફૂડ એડ્સ પર લગભગ પૂરો પ્રતિબંધ છે.
- મેક્સિકો: ખાંડવાળા પીણાં પર ભારે ટેક્સ અને શાળાઓમાં જંકફૂડ પર રોક.
- કેનેડા (ક્વિબેક): અહીં 1980ના દાયકાથી આવી જાહેરાતો પર પ્રતિબંધ અમલમાં છે.
- દક્ષિણ કોરિયા: બાળકોના કાર્યક્રમો દરમિયાન જંકફૂડ પ્રમોશન પર કડક નિયમો છે.
ભારતની ચિંતાજનક સ્થિતિ: શું અહીં કડક નિયમોની જરૂર છે?
ભારતમાં પણ બાળકો અને કિશોરોમાં સ્થૂળતા, ટાઈપ-2 ડાયાબિટીસ અને ફેટી લીવર જેવી બીમારીઓ ઝડપથી વધી રહી છે.
- નિયમો છે પણ નબળા: ભારતમાં ‘એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા’ (ASCI) ની ગાઈડલાઈન્સ છે, પણ તે મોટાભાગે ‘સ્વ-નિયમન’ સુધી મર્યાદિત છે.
- ગેરમાર્ગે દોરતી જાહેરાતો: ભારતીય બાળકો આજે પણ ટીવી અને મોબાઈલ પર રંગબેરંગી જંકફૂડ એડ્સનો શિકાર બની રહ્યા છે.
- FSSAI નો પ્રસ્તાવ: શાળાઓની આસપાસ જંકફૂડના વેચાણ પર પ્રતિબંધનો પ્રસ્તાવ છે, પરંતુ દેશભરમાં હજુ કડક અમલીકરણ બાકી છે.

જંકફૂડના આકર્ષણથી બાળકોને કેવી રીતે બચાવવા?
બ્રિટન જેવા દેશો કાયદાથી બાળકોને બચાવી રહ્યા છે, પરંતુ ભારતીય વાલીઓ ઘરેલુ સ્તરે આ 5 ફેરફારો કરીને બાળકોને ‘સ્લો પોઈઝન’ સમાન જંકફૂડ (JUNK FOOD)થી દૂર રાખી શકે છે:
-
‘સ્માર્ટ સબસ્ટિટ્યુટ’ શોધો: બાળકોને પિઝા કે બર્ગર ખાવા હોય ત્યારે ઘરે જ ઘઉંના લોટના બેઝ અને પુષ્કળ શાકભાજીનો ઉપયોગ કરીને વાનગી બનાવો. મેંદાના બદલે ઓટ્સ કે રાગીનો ઉપયોગ કરો.
-
રંગબેરંગી ફ્રૂટ બાઉલ: જંકફૂડ પેકેજિંગના રંગોથી બાળકો આકર્ષાય છે. ઘરે વિવિધ રંગના ફળો (જેમ કે ડ્રેગન ફ્રૂટ, કીવી, સફરજન) કાપીને આકર્ષક રીતે પીરસો, જેથી તેમને કુદરતી ખાંડ (Natural Sugar) મળે.
-
જાહેરાતો પાછળનું સત્ય સમજાવો: જ્યારે પણ ટીવી પર જંકફૂડની એડ આવે, ત્યારે બાળકને મિત્ર બનીને સમજાવો કે આ ખોરાકમાં કેટલું મીઠું અને નુકસાનકારક કેમિકલ્સ છે. તેમને ‘ફૂડ લેબલ’ વાંચતા શીખવો.
-
ડ્રાય ફ્રૂટ્સ અને મખાના: ચિપ્સ કે કુરકુરેના પેકેટ આપવાને બદલે શેકેલા મખાના, બદામ, અખરોટ કે ઘરે બનાવેલા ખાખરાનો નાસ્તો આપવાની ટેવ પાડો.
-
રોલ મોડેલ બનો: જો માતા-પિતા પોતે જ બાળકોની સામે કોલ્ડ ડ્રિંક્સ કે જંકફૂડ ખાશે, તો બાળકો પણ એ જ શીખશે. ઘરના ડાઈનિંગ ટેબલ પર પૌષ્ટિક અને પરંપરાગત ગુજરાતી ખોરાકને પ્રાધાન્ય આપો.
આ પણ વાંચો: અમેરિકામાં ગુજરાતી પિતાની પુત્રએ જ હત્યા કરતા મચી ચકચાર
આ પણ વાંચો: ન્યૂયોર્કમાં ‘મૂનલાઇટનિંગ’ના આરોપમાં ગુજરાતીની ધરપકડ
આ પણ વાંચો: અમેરિકામાં દારૂ પીને ધમાલ મચાવતો ગુજરાતી સ્ટુડન્ટ જેલભેગો
