Lifestyle: ચોમાસાની ઋતુ (Monsoon Season) એના અંત તરફ આગળ વધી રહી છે પરંતુ, હજુયે વરસાદ થંભવાનું નામ લેતો નથી! આ મોસમમાં કંઇક ચટપટું (Spicy Food) ખાવાનું મન તો બધાને ચોક્કસ થતું જ હશે પરંતુ, આ ઋતુમાં બહારનો ખોરાક ખાવો પણ હિતાવહ નથી. આ સંજોગોમાં શું કરશો? તો ફટાફટ ઘરે જ તૈયાર કરી દો આ મસ્ત મજાની રેસિપી…એકદમ કરારી અને સ્વાદિષ્ટ બનશે!
બટાટાના સમોસા કે કચોરી તો તમે ઘણી વાર બનાવી જ હશે પણ એમાં એકવાર કાંદાનો ટિવસ્ટ આપીને જુઓ, ગજબની ટેસ્ટી લાગશે!
આલુ-પ્યાજ કચોરી (Aloo-Pyaj Kachodi) સામે બીજી કચોરી તમને ફિક્કી લાગશે. રેગ્યુલર કચોરીની રેસિપીમાં જ થોડો બદલાવ કરીને તમે આ સ્વાદથી સભર કચોરી બનાવી શકશો. વરસાદ વરસતો હોય અને કોથમીર-ફુદીનાની લીલી ચટણી કે સૉસ સાથે આ તળેલી વાનગી (Fried Recipe) ખાવાની રંગત જ કંઇક ઓર છે અને સાથે ગરમાગરમ ચા (Tea)નો પ્યાલો મળી જાય તો વાત જ શું પૂછવી! તો ચાલો જાણીએ, એની સામગ્રી અને રેસિપી (Ingredients & Recipe) વિશે…
આલુ-પ્યાજ કચોરીની રેસિપી
આલુ-પ્યાજ કચોરી બનાવવા માટે તમને આટલી સામગ્રીની જરુર પડશે.

સામગ્રી પૂરણ માટે-
2 મોટા બાફેલા બટાટા
1 બારીક સમારેલી ડુંગળી
1 ચમચી જીરું
1 ઝીણું સમારેલું મરચું
1/2 ચમચી અધકચરા ધાણા
1/2 ચમચી વરિયાળી
1/2 ચમચી હળદર
1/2 ચમચી ગરમ મસાલો
લાલ મરચું સ્વાદાનુસાર
મીઠું સ્વાદાનુસાર
2 ચમચી ઝીણી સમારેલી કોથમીર

સામગ્રી લોટ બાંધવા માટે-
1/2 કપ મેંદો
1/2 કપ ઘઉંનો લોટ
1/2 ચમચી મીઠું
1 ચમચી દહીં
1 મોટો ચમચો તેલ (મોણ માટે)
ચપટી મસળેલો અજમો
કચોરી તળવા માટે તેલ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ, મેંદો, લોટ અને મોણ તથા અન્ય સામગ્રી મિક્સ કરીને મુલાયમ લોટ બાંધી લેવો. એમાં તેલ લગાવીને ઢાંકીને રાખી મૂકવો.
2. હવે બાફેલા બટાટા (Boiled Potatoes)ને ગ્રેટ કરી લો.
3. એક કડાઇમાં થોડું તેલ મૂકીને એમાં જીરાને તતડાવો. ત્યારબાદ, સમારેલી ડુંગળી (Onion)ને સોનેરી થાય ત્યાં સુધી શેકાવા દો.
4. હવે છીણેલા બટાટાને ઉમેરી દો. એમાં તમામ મસાલા (Spicies) ઉમેરીને હલાવી લો.
5. ઓછામાં ઓછી 5 મિનિટ સુધી આ મિશ્રણને ગૅસ ધીમા તાપે થવા દો.
6. મસાલાના મિશ્રણને ઠંડું થવા દો ત્યાં સુધી ગૅસ પર તળવા માટે તેલ ગરમ થવા મૂકી દો.
7. લોટના નાના-નાના લુવા કરીને એને હાથથી જ મોટા કરો. એમાં એક નાની ગોળી જેટલો આલુ-પ્યાજ મસાલો ભરી લો અને બંધ કરી દો.
8. હવે એને હલવા હાથે વણીને નાની કચોરીનો આકાર આપો. બહુ મોટી વણવી નહિં. બધી કચોરીઓને આ રીતે તૈયાર કરી લેવી.
9. ગરમ તેલમાં ધીમા તાપે (Slow Flame) કચોરીઓને તળી લો. જો મધ્યમ તાપે તળશો તો એ કરારી (Crispy) નહિં બને.
10. સોનેરી રંગ આવે એટલે કચોરીઓને પ્લેટમાં કાઢી લેવી.
આટલા લોટમાંથી લગભગ 10 જેટલી આલુ-પ્યાજ કચોરી બની જશે. આ ગરમાગરમ કચોરીઓને ચા અને કોથમીર-ફુદીનાની લીલી ચટણી કે સૉસ સાથે સર્વ કરો.
આ પણ વાંચો:ફટાફટ ટેસ્ટી-હૅલ્ધી પાલખ ઇડલી બનાવો, બાળકોને ખવડાવો..ખુશ થઇ જશે!!
આ પણ વાંચો:રાજમા-રાઇસ ખાઇને બોર થઇ ગયા? તો પ્રસ્તુત છે રાજમા પરોઠાની અફલાતૂન રેસિપી…
