Lifestyle/ રાજમા-રાઇસ ખાઇને બોર થઇ ગયા? તો પ્રસ્તુત છે રાજમા પરોઠાની અફલાતૂન રેસિપી…

ગરમાગરમ આલુ પરોઠા, કોબી પરોઠા, પનીર પરોઠા, મૂળાના પરોઠા, ચીઝ પરોઠા..મોંમાં પાણી આવી ગયું ને? પણ શું તમે ક્યારેય રાજમા પરોઠાનો આસ્વાદ…

Trending Food Health & Fitness Lifestyle

Lifestyle: રાજમા એક કઠોળ છે જે પ્રોટીન તથા ફાઇબરનો ઘણો ઉત્તમ સ્ત્રોત છે. રાજમાના શોખીન લોકોમાં રાજમા-રાઇસ તો હોટ-ફેવરિટ હોય જ છે પણ દર અઠવાડિયે આ એક જ ડીશ ખાઇને ઘણી વાર બોર થઇ જવાય છે અને કંઇક નવુ ખાવાનું મન થતુ હોય છે. તો ચાલો જોઇએ આ ટેસ્ટી રાજમા પરોઠાની અફલાતૂન રેસિપી!

ગરમાગરમ આલુ પરોઠા, કોબી પરોઠા, પનીર પરોઠા, મૂળાના પરોઠા, ચીઝ પરોઠા..મોંમાં પાણી આવી ગયું ને? આ બધા જ પરોઠા ખાઇને તૃપ્ત થઇ જવાય છે પણ શું તમે ક્યારેય રાજમા પરોઠાનો આસ્વાદ માણ્યો છે ખરો? આ એક ફ્યુઝન ડિશ છે જે પંજાબી રાજમા અને પરોઠાનો ઉત્તમ સંગમ છે! રાજમા પરોઠા (Rajma Paratha) ખાવામાં તો સ્વાદિષ્ટ તો છે જ પણ પ્રોટીન (Protein)થી પણ ભરપૂર છે અને વિશેષ રુપે, આ ડિશ એ લોકો પસંદ પડશે જે દરરોજ કંઇક નવીન ટ્રાય કરવા માગે છે અને વળી એ ડિશ હૅલ્ધી (Healthy Dish) પણ હોય, એવો આગ્રહ રાખે છે!

રાજમાના સ્વાસ્થ્ય સંબંધી ફાયદા

રાજમા (Kidney Beans) એક કઠોળ ગણાય છે જે પ્રોટીન તથા ફાઇબર (Fiber)નો ઘણો ઉત્તમ સ્ત્રોત છે. વળી, આ પરોઠાને મેંદાના બદલે ઘઉંના લોટમાં બનાવવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે કારણ કે, ઘઉં એ કાર્બોહાઇડ્રેટ (Carbohydrate)નો સ્ત્રોત છે અને શરીરને ઊર્જા (Energy) પ્રદાન કરે છે. એ સ્વાદ અને પોષક તત્વોથી સભર આહાર છે અને એ ખાવાથી તમારા શરીરના પોષક તત્વો (Nutrition)ની જરુરિયાત પૂર્ણ થઇ શકશે. તમે આલુ પરોઠા કે પનીર પરોઠા વગેરે ભલે બનાવતા હો પરંતુ સાથે-સાથે રાજમા પરોઠા પણ બનાવશો તો એ તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે ઉત્તમ રહેશે. આ પરોઠા લંચ બોક્સ (Lunch Box)માં ભરીને લઇ જવા માટે પણ ઉત્તમ રહેશે. તો ચાલો જોઇ લઇએ એને બનાવવાની રીત વિશે…

સામગ્રી

રાજમા પરોઠા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સ્ટફિંગ માટે

1 કપ બાફેલા રાજમા

1 બારીક સમારેલી ડુંગળી

1-2 બારીક સમારેલા લીલા મરચાં

1 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ

1 ટેબલસ્પૂન ધાણાજીરું

1 ટેબલસ્પૂન તેલ

1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર

સ્વાદાનુસાર મીઠું

લોટ બાંધવા માટે

2 કપ ઘઉં કે ઘઉં-મેંદાનો મિક્સ લોટ

સ્વાદાનુસાર મીઠું

પાણી જરુર મુજબ

ઘી અથવા તેલ (પરોઠા શેકવા માટે)

બનાવવાની વિધિ

હવે જોઇશું રાજમા પરોઠાના સ્ટફિંગ અને એને બનાવવાની રીત વિશે…

સ્ટફિંગ (Stuffing) શી રીતે બનાવશો?

1. સૌપ્રથમ એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં બારીક સમારેલી ડુંગળી, મરચાં તથા આદુ-લસણની પેસ્ટ નાખો.

2. આ તમામ સામગ્રીને તેલમાં ગુલાબી થાય ત્યાં સુધી શેકવી. હવે એમાં બધા જ મસાલા અને થોડું પાણી ઉમેરીને શેકી લો, જેથી મસાલા તળીયે ચોંટે નહિં.

3. હવે બાફેલા રાજમા એમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ, એને સ્મેશરથી ભાંગી લેવા અને સ્ટફિંગને સ્મૂધ બનાવવું. હવે
4. એક પ્લેટમાં કાઢીને એમાં તાજી સમારેલી કોથમીર ઉમેરવી. આ સ્ટફિંગને ઠંડુ થવા દો.

પરોઠા બનાવવાની રીત

1. ઘઉંનો લોટ (Wheat Flour) અથવા ઘઉં અને મેંદાને અડધા-અડધા ભાગે લઈ સ્વાદાનુસાર મીઠું ઉમેરીને લોટ બાંધી લેવો.

2. આ લોટને તેલવાળો હાથ કરીને સારી રીતે કેળવી લેવો અને 10 થી 15 મિનિટ ઢાંકીને રહેવા દેવો.

3. હવે આ લોટમાંથી મોટા લુવા બનાવી લો.

4. આ લુવાને થોડા વણીને એમાં રાજમાનું તૈયાર સ્ટફિંગ ભરી લો અને ફરીથી વાળી લો.

5. હવે પાટલી પર થોડું હાથ વડે થેપીને પછી હળવા હાથે પરોઠું વણી લેવું. જરુર પડે તો અટામણનો ઉપયોગ કરવો.

6. આ પરોઠાને ગરમ તવી પર બંને તરફથી શેકો અને ઘી કે તેલ લગાવીને સોનેરી થવા દો.

7. આ અફલાતૂન હૅલ્ધી પરોઠાને તમે દહીં, લીલી ફુદીના-કોથમીરની ચટણી અથવા તો પંજાબી અથાણા સાથે સર્વ કરો.

8. બ્રન્ચ (Brunch) અથવા ટિફિનમાં લઇ જવા માટે પણ આ પરોઠા એક ઉત્તમ વિકલ્પ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:મસ્ત વઘારવાળી કઢી બનાવો, આ રેસિપીથી!…બધા આંગળા ચાટી જશે!

આ પણ વાંચો:તમે ક્યારેય ચોખાના રસગુલ્લા ખાધા છે ખરાં? આ રેસિપીથી કૂકરમાં ફટાફટ થશે તૈયાર!