Lifestyle: જ્યારે પણ લાડુ (Laddu) બનાવવાની વાત હોય ત્યારે લોકો મૂંઝવણ અનુભવે છે. એના માટે અમુક કલાક તૈયારીમાં અને અમુક બનાવવામાં જતા હોય છે. પરંતુ અમે તમારા માટે જે આસાન રેસિપી (Recipe) લઇને આવ્યા છીએ એનાથી તમે ઝટપટ સ્વાદિષ્ટ અને હૅલ્ધી (Tasty and Healthy) લાડુ તૈયાર કરી શકશો. ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી વડે તમે આ ટેસ્ટી લાડુને બનાવી શકો છો. તો ચાલો જોઇશું, એ શી રીતે બનશે?
ગળ્યું ખાવું એ તંદુરસ્તી માટે ઉત્તમ અને લાભદાયક હોય છે. જો બજારમાંથી તૈયાર મોંઘા લાડુ ખરીદવાને સ્થાને, તમે યોગ્ય રીતથી અને હૅલ્ધને અનુકૂળ સામગ્રી વડે ઘરે જ આ લાડુને તૈયાર કરશો તો એ ઉત્તમ વિકલ્પ રહેશે. ઘણા લોકો એવા હોય છે જેમને ગળ્યું ખાવાની ક્રેવિંગ (Craving) થતી હોય છે. આ સંજોગોમાં, તમે દાળિયા અથવા શેકેલા ફોતરા વિનાના ચણા (Roasted Chickpeas) તથા મખાના (Fox Nuts)નો ઉપયોગ કરીને સ્વાદથી ભરપૂર પૌષ્ટિક લાડુ તૈયાર કરી શકો છો. સૌથી અગત્યની બાબત એ છે કે, આ લાડુ કલાકોમાં નહિં પણ મિનિટોમાં રેડી થઇ જશે! વળી, એ શરીર માટે ખૂબ ગુણકારી પણ છે. તો ચાલો હવે જાણી લઇએ, આ અનોખા ઝટપટ લાડુની રેસિપી….
લાડુ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ મખાના
1 કપ શેકેલા ફોતરા વિનાના ચણા અથવા દાળિયા
1/2 કપ બદામ
1 મોટી ચમચી ખસખસ
4-5 ચમચી શક્કરટેટીના બીજ
4 ચમચી છીણેલું સૂકું કોપરું
1 કપ ખડી સાકરનો ભૂકો
4-5 ચમચી દેશી ઘી
1-2 ચમચી પિસ્તા

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ મખાનાને હળવા શેકી લો. હવે એને એક બાઉલમાં કાઢીને એ જ પૅનમાં બદામ (Almond) અને શક્કરટેટીના બીજ (Muskmelon Seeds)ને પણ શેકી લો.
2. એક મિક્સરમાં આ શેકીને ઠંડા કરેલા મખાના, શેકેલા ચણા અથવા દાળિયા, શક્કરટેટીના બીજ તથા બદામને ક્રશ કરી લો અને એનો બારીક ભૂકો બનાવી લો.
3. હવે પૅનમાં ઘી લઇને આ મિશ્રણને હળવું શેકી લેવું. એમાં છીણેલું સૂકું કોપરું (Grated Dried Coconut) નાખવું અને હલાવતા રહીને થોડી વાર શેકવું. ગૅસને ધીમો રાખવો.
4. અન્ય એક પૅનમાં ખડી સાકર (Crysta Sugar) અને થોડું પાણી લઇને પીગળે ત્યાં સુધી ગૅસ પર રાખવું. ત્યારબાદ, એમાં શેકેલા મિશ્રણમાં ધીમે-ધીમે રેડીને સારી રીતે મિક્સ કરી દેવું.
5. હવે ગૅસને બંધ કરીને સતત તવેથાથી હલાવતા રહેવું જેથી મિશ્રણ તળિયે ચોંટે નહિં. એને એક મોટા થાળ જેવા વાસણમાં કાઢીને હળવુ ઠંડુ થવા દેવું.
6. બંને હથેળીઓ પર ઘી લગાવીને આ મિશ્રણમાંથી તમને ગમે તેટલી સાઇઝના લાડુ વાળી લો. તૈયાર છે તમારા ફટાફટ બની જતા, હૅલ્ધી અને ટેસ્ટી લાડુ! તમને મન થાય ત્યારે તમે આ લાડુ બનાવીને એનો આનંદ લઇ શકો છો.
આ પણ વાંચો:શ્રાદ્ધના દિવસોમાં બનાવો આ સ્વાદિષ્ટ કેરેમલ ખીર…ફટાફટ બનશે આ રેસિપી!
આ પણ વાંચો:મસ્ત વઘારવાળી કઢી બનાવો, આ રેસિપીથી!…બધા આંગળા ચાટી જશે!
આ પણ વાંચો:તમે ક્યારેય ચોખાના રસગુલ્લા ખાધા છે ખરાં? આ રેસિપીથી કૂકરમાં ફટાફટ થશે તૈયાર!
