Dharm & Bhakti: શ્રાદ્ધ (Shraddha)ના દિવસો ચાલી રહ્યાં છે. આ સમય દરમિયાન, સૌ પિતૃઓનું પૂજન કરે છે અને એમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવામાં આવે છે. આ એવો સમય છે કે જે દરમિયાન, સાત્વિક જીવન જીવવાની તથા સાત્વિક ભોજન કરવાની (Satvik Food) સલાહ આપવામાં આવે છે. ઉપરાંત, એવા ઘણા કાર્યો હોય છે જે કરવાની શાસ્ત્રોક્ત રીતે મનાઇ હોય છે. આ સોળ દિવસો દરમિયાન, લસણ, ડુંગળીના સેવન તથા માંસ-મદ્યપાન વગેરે તામસિક ચીજવસ્તુઓથી દૂર રહેવું જોઇએ તથા દૂધથી બનેલા પદાર્થો નું સેવન કરવું જોઇએ. કેવળ ધાર્મિક જ નહિં પરંતુ, સ્વાસ્થ્ય (Health)ની દ્રષ્ટિએ પણ એમનું સેવન આ ઋતુમાં ઉત્તમ ગણાય છે.
તહેવારો અને ખાસ દિવસોમાં આ મીઠી ખીર (Kheer) કે જેને સંસ્કૃતમાં ક્ષીર કહે છે, તેનું સેવન કરવાની પરંપરા સદીઓ પુરાણી છે. જ્યારે આટલી બધી મિઠાઇઓના વિકલ્પો ન હતા ત્યારે પણ મોટાભાગના ઘરમાં વ્યંજનો (Sweets)માં ખીર તથા હલવો બનાવવામાં આવતો હતો. ચોખા (Rice) અને દૂધ (Milk)થી બનતું આ મધુર પેય વ્યંજન ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે શ્રાદ્ધના દિવસોમાં દૂધપાક અથવા ખીર બનાવતા હો તો તમારે એક વખત આ સ્પેશિયલ ખીર અવશ્ય બનાવવી જોઇએ.

સામગ્રી
1 લિટર દૂધ
1 કપ પલાળેલા ચોખા
4 ટોસ્ટ
1/2 મિલ્ક પાઉડર
1/2 કપ ઘટ્ટ દૂધ
આવશ્યકતા અનુસાર ખાંડ
ઇલાયચી પાઉડર
કેસરના તાંતણા
સમારેલા ડ્રાટફ્રુટસ
સજાવવા માટે ગુલાબની પાંદડીઓ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક કપ પલાળેલા ચોખાને મિક્સરમાં નાખીને એમાં 4 ટોસ્ટ નાખો. હવે અડધો કપ મિલ્ક પાઉડર અને અડધો કપ ધટ્ટ દૂધ ઉમેરીને, પીસીને એક સ્મૂધ પેસ્ટ બનાવી લો.
2. એક જાડા તળિયાવાળા વાસણમાં એક લિટર દૂધ નાખો. દૂધ ગરમ થાય એટલે એમાં તમે જેટલું ગળ્યું પસંદ કરતા હો એટલી ખાંડ નાખો. હવે દૂધમાં ભીંજવેલું કેસર, ઇલાયચી પાઉડર અને બારીક સમારેલા મનપસંદ ડ્રાટફ્રુટ્સ નાખો અને મધ્યમ તાપે સતત હલાવતા રહીને 10 મિનિટ સુધી ઉકળવા દો.
3. આ ઉકળેલા દૂધમાં ચોખા અને ટોસ્ટની પેસ્ટને ઉમેરી દો. એને હલાવતા રહીને 10-15 મિનિટ સુધી મધ્યમ તાપે પાકવા દો. એમાં ગઠ્ઠા ન પડે એનું ધ્યાન રાખવું.
4. આ ખીરને તમારે હવે જાદુઇ ટિવસ્ટ આપવાનો છે અને એ છે કેરેમલ સિરપ (Caramel Syrup)! આ માટે એક પૅનમાં 2 મોટી ચમચી ખાંડ લઇને સહેજ પણ હલાવ્યા વિના ધીમા તાપે પીગળવા દેવી. એનો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે ગૅસ બંધ કરી દેવો.
5. આ રીતે તૈયાર કરેલા કેરેમલ સિરપને તરત જ ખીરમાં ઉમેરી દેવો અને સાથે-સાથે સતત હલાવતા રહેવું.
6. તમારી કેરેમલ ખીર તૈયાર છે! એની ઉપર થોડો સમારેલો સૂકો મેવો નાખીને ગુલાબની પાંદડીઓથી સજાવીને રુમ ટેમ્પરેચર પર આવવા દેવી. ત્યારબાદ, ફ્રિઝમાં ઠંડી થવા માટે મૂકી દેવી.
7. ચારથી પાંચ કલાક બાદ તમારી સ્વાદિષ્ટ અને ઠંડી-ઠંડી કેરેમલ ખીર (Caramel Kheer) ખાવા માટે તૈયાર છે.
આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…
આ પણ વાંચો:
