National News : એક્સપ્રેસવે પર વાહન ચલાવતા લોકો માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ સ્પીડિંગ મેમો અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે એક્સપ્રેસવે પર 120 kmph સુધીની ઝડપે (Expressway Speed Limit)વાહન ચલાવવા બદલ મેમો મોકલવામાં ન આવે. એટલું જ નહીં, નક્કી કરેલી ઝડપ કરતાં 20 ટકા વધુ સ્પીડ એટલે કે આશરે 144 kmph સુધીના કિસ્સામાં પણ વાહનચાલકોને રાહત આપવાની વાત તેમણે કરી છે. જોકે, આ નિવેદનને સ્પીડ લિમિટમાં સત્તાવાર ફેરફાર તરીકે સમજવું નહીં.
એક્સપ્રેસવે પર સ્પીડિંગ મેમો અંગે ગડકરીના નિર્દેશ
કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના કાર્યક્રમમાં દેશના હાઇવે અને માર્ગ પરિવહનના ભવિષ્ય અંગે ચર્ચા દરમિયાન નીતિન ગડકરી (Nitin Gadkari)એ આ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે જેવા આધુનિક માર્ગો પર વાહનચાલકોને બિનજરૂરી સ્પીડિંગ નોટિસ (Speeding Challan)મોકલવાની સમસ્યા દૂર થવી જોઈએ.

ગડકરીના જણાવ્યા અનુસાર, 120 kmph સુધીની ઝડપ (Expressway Speed Limit)માટે મેમો ન મોકલવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે આ મર્યાદાથી 20 ટકા વધુ ઝડપે વાહન ચલાવતા લોકોને પણ રાહત આપવાની વાત તેમણે કરી હતી. જોકે, 144 kmphથી વધુ ઝડપે વાહન ચલાવનાર સામે કડક દંડની કાર્યવાહી થવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
AI ટેક્નોલોજીથી હાઇવે પર ટ્રાફિકનું મોનિટરિંગ
કેન્દ્રીય મંત્રીએ હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ATMS) લાગુ કરવા પર ભાર મૂક્યો હતો.
આ ટેક્નોલોજીની મદદથી હાઇવે પર વાહનોની અવરજવરનું વધુ સારી રીતે નિરીક્ષણ કરી શકાશે. ખાસ કરીને લેન ડિસિપ્લિનનું ઉલ્લંઘન કરતા વાહનોને ઓળખવામાં અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આ સિસ્ટમ ઉપયોગી બની શકે છે. દેશભરમાં એક્સપ્રેસવે અને હાઇવેનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે ત્યારે આવી આધુનિક વ્યવસ્થાની જરૂરિયાત પણ વધી રહી છે.
E20 પેટ્રોલના વિરોધને ગડકરીએ ગણાવ્યો પેઇડ પ્રોપેગેન્ડા
કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ E20 પેટ્રોલ અંગે થઈ રહેલી ટીકાઓનો પણ જવાબ આપ્યો હતો. તેમણે E20 ફ્યુઅલ સામેના વિરોધને પેઇડ પ્રોપેગેન્ડા ગણાવ્યો હતો. ગડકરીએ દાવો કર્યો હતો કે વર્ષ 2022થી દેશમાં આશરે 4 કરોડ કાર અને 20 કરોડ ટૂ-વ્હીલર્સ E20 ફ્યુઅલનો ઉપયોગ કરી રહ્યાં છે.
તેમણે સવાલ કર્યો હતો કે અત્યાર સુધી કેટલાં વાહનોને આ ઇંધણના કારણે નુકસાન થયું છે? તેમના આ નિવેદનથી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અંગે ચાલી રહેલી ચર્ચા ફરી તેજ બની છે.
હવે E100 ફ્યુઅલ પર ચાલતાં વાહનોને પણ મંજૂરી
E20 પેટ્રોલ (E20 Petrol,)ની ચર્ચા વચ્ચે વાહન ઇંધણને લગતા નિયમોમાં પણ મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989માં સુધારા હેઠળ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને હવે 100 ટકા ઇથેનોલ એટલે કે E100 ફ્યુઅલ (E100 Fuel)પર ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
આ પગલાને દેશમાં વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, એક્સપ્રેસવે પર સ્પીડિંગ મેમો અંગે ગડકરીના નિવેદન બાદ વાહનચાલકોમાં ચર્ચા શરૂ થઈ છે કે આ રાહતનો અમલ કઈ રીતે કરવામાં આવશે.
