National News/ હાઈવે અને એક્સપ્રેસવેની ગુણવત્તા સુધારવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય; હવે થશે થર્ડ-પાર્ટી ઓડિટ

NHAI હાઈવે અને એક્સપ્રેસવેના નિર્માણમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે 5,000 કિમી હાઈવેના ઓડિટ માટે થર્ડ-પાર્ટી એજન્સી (EIL) ની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે.

NATIONAL Top Stories India
NHAI

NHAI Third-Party Audit Highway Quality Check:  દેશમાં નવા બની રહેલા નેશનલ હાઈવે અને એક્સપ્રેસવેની ગુણવત્તાને લઈને સમયાંતરે સવાલો ઉઠતા રહ્યા છે. કેટલાક સ્થળોએ રસ્તાઓ સમય પહેલાં ખરાબ થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ગુણવત્તા તપાસની વ્યવસ્થાને વધુ મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. નવી વ્યવસ્થા હેઠળ આશરે 5,000 કિલોમીટર લાંબા હાઈવે અને એક્સપ્રેસવે પ્રોજેક્ટની તપાસ માટે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન એજન્સી નિયુક્ત કરવામાં આવશે. આ એજન્સી બાંધકામ શરૂ થાય ત્યારથી લઈને પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધી કામની ગુણવત્તા પર નજર રાખશે. શરૂઆતમાં આ જવાબદારી ત્રણ વર્ષ માટે આપવામાં આવશે.

NHAI

EILને મળી શકે છે મહત્વની જવાબદારી

મંત્રાલયે આ કામગીરી માટે પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ કામ કરતી એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી કંપની Engineers India Limited એટલે કે EILને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. એજન્સી ખાસ કરીને એક્સપ્રેસવે (NHAI) તેમજ ચાર અને છ લેનવાળા નેશનલ હાઈવેની(NHAI) ગુણવત્તાનું ઓડિટ કરશે. હાલમાં નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની થર્ડ પાર્ટી ગુણવત્તા તપાસ માટે સ્વતંત્ર ઓડિટર્સની મદદ લેવામાં આવે છે. આ માટે ઘણી વખત NHAI અથવા અન્ય સંબંધિત સંસ્થાઓના પેનલમાં રહેલા અનુભવી અને નિવૃત્ત સરકારી એન્જિનિયર્સની સેવાઓ લેવામાં આવે છે. હવે નવી વ્યવસ્થાથી નિરીક્ષણ પ્રક્રિયાને વધુ સ્વતંત્ર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કેટલા રસ્તાઓનું થશે ઓડિટ?

પ્રસ્તાવિત આયોજન પ્રમાણે આશરે 770 કિલોમીટર એક્સપ્રેસવે, 2,200 કિલોમીટર છ લેન હાઈવે તથા 1,000-1,000 કિલોમીટર ચાર લેન અને બે લેનના નેશનલ હાઈવેની(NHAI) તપાસ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તાજેતરના કેટલાક પ્રોજેક્ટમાં ગુણવત્તા અંગે મળેલા નબળા પ્રતિસાદ બાદ આ પગલું જરૂરી બન્યું છે. નવી એજન્સીનું મુખ્ય કામ બાંધકામ દરમિયાન નક્કી કરાયેલા ટેક્નિકલ સ્પેસિફિકેશન, ડિઝાઇન અને ગુણવત્તાના ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવાનું રહેશે.

સરકારનો ઉદ્દેશ માત્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નહીં, પરંતુ લાંબા સમય સુધી ટકી શકે તેવા ગુણવત્તાયુક્ત રસ્તાઓ તૈયાર કરવાનો છે. થર્ડ પાર્ટી ઓડિટથી બાંધકામમાં ખામીઓ સમયસર ઓળખી શકાય અને જરૂરી સુધારા કરવામાં મદદ મળશે.


આ પણ વાંચો:NHAIની નવી સુવિધા: હવે ‘લોકલ પાસ’ અને ‘માર્ગમિત્ર’થી હાઇવે મુસાફરી બનશે વધુ સરળ, જાણો કેવી રીતે મળશે લાભ

આ પણ વાંચો:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટોલ દરોમાં વધારો: ગોધરા-વડોદરા સેક્શન માટે NHAIએ જાહેર કર્યા નવા ચાર્જ

આ પણ વાંચો: રખડતા શ્વાનોના મુદ્દે હાઇકોર્ટ કડક, NHAIને ટકોર: ‘ટોલ લો છો તો હાઇવે પર ટ્રોમા સેન્ટર પણ આપો’