Rajkot News/ ગુજરાતમાં ખેડૂતોની મુશ્કેલીઓ મુદ્દે કોંગ્રેસ આક્રમક, દેવા માફીથી લઈને 150 દિવસની રોજગારીની માગ

Gujarat Farmers Protest: ગુજરાતમાં ઓછા વરસાદ અને પાક નુકસાન મુદ્દે કોંગ્રેસે રાજ્યભરમાં કિસાન અધિકાર ધરણાં યોજ્યાં. વધુ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, દેવા માફી અને વળતરની માગ સાથે અમિત ચાવડાએ 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું.

Top Stories Gujarat Rajkot Breaking News
Gujarat Farmers Protest: કોંગ્રેસે સરકાર સામે 5 માગણીઓ સાથે ધરણાં યોજ્યાં

Rajkot News: ગુજરાતમાં ઓછા વરસાદ અને ખેતીના પાકને થયેલા નુકસાનના મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર સામે મોરચો (Gujarat Farmers Protest) ખોલ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજ્યભરમાં ‘કિસાન અધિકાર ધરણાં’ (Kisan Adhikar Dharna) યોજવામાં આવ્યાં હતાં. રાજકોટ, વડોદરા અને મહેસાણા સહિતના સ્થળોએ કોંગ્રેસના નેતાઓએ વિરોધ નોંધાવી રાજ્યના વધુ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની, ખેડૂતોને યોગ્ય વળતર આપવાની અને દેવા માફ કરવાની માગ કરી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ચેતવણી આપતાં કહ્યું હતું કે, આગામી 15 દિવસમાં ખેડૂતોને રાહત નહીં મળે તો પશુઓ સાથે હિજરત કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.

Gujarat Farmers Protest: રાજકોટમાં અમિત ચાવડાના સરકાર સામે પ્રહાર

રાજકોટના ત્રિકોણબાગ ખાતે યોજાયેલા ધરણાંમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના ખેડૂતો દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં સરકારે માત્ર ચાર જિલ્લાઓને જ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, જે ખેડૂતો સાથે અન્યાય સમાન હોવાનું તેમણે જણાવ્યું હતું.

ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં પશુઓ માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કેવી રીતે થશે તે મોટો પ્રશ્ન છે. તેમણે સરકાર પાસે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોનો વ્યાપ વધારી ખેડૂતો અને પશુધન માટે તાત્કાલિક રાહતનાં પગલાં ભરવાની માગ કરી હતી.

‘વડાપ્રધાન ગુજરાત આવે ત્યારે ખેડૂતોને રાહત આપે’

અમિત ચાવડાએ (Amit Chavda) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ખેડૂતોને માત્ર આશ્વાસન નહીં, પરંતુ નક્કર રાહતની જરૂર છે. તેમના જણાવ્યા મુજબ, એક તરફ ઉદ્યોગપતિઓનાં મોટાં દેવા માફ કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ ખેડૂતોને દેવામાંથી રાહત મળતી નથી.

તેમણે આક્ષેપ કર્યો હતો કે, ખાતર, બિયારણ, ડીઝલ અને ખેતીનાં સાધનોના વધતા ભાવ વચ્ચે ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. જો સરકાર ખેડૂતો અને પશુધન માટે તાત્કાલિક પગલાં નહીં ભરે તો કોંગ્રેસ આંદોલન વધુ ઉગ્ર બનાવશે તેવી ચીમકી પણ તેમણે આપી હતી.

વડોદરામાં ભરતસિંહ સોલંકીએ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા

વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે યોજાયેલા ધરણાંમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પણ સરકારની કામગીરીની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે પાકને નુકસાન થયું છે અને સિંચાઈ માટે પાણીની અછત છે. આવા સંજોગોમાં માત્ર ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય પૂરતો નથી.

સોલંકીએ ખેડૂતોને ખાતર, બિયારણ, ડીઝલ અને અન્ય ખેતી ખર્ચમાં થતી વધારાની સામે યોગ્ય પોષણક્ષમ ભાવ (MSP) ન મળતો હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમના મતે, આર્થિક મુશ્કેલીઓ અને સરકારી રાહતના અભાવે ખેડૂતો પર દેવાનો બોજ વધી રહ્યો છે.

મહેસાણામાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

મહેસાણામાં શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષી નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં ધરણાં યોજાયાં હતાં. કાર્યક્રમ બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં 50 ટકા કરતાં ઓછો વરસાદ પડ્યો હોવા છતાં આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી. ઓછા વરસાદને કારણે પીવાના પાણીની અછત, ખરીફ પાકને નુકસાન અને પશુઓ માટે ઘાસચારાની (Crop Damage Compensation) સમસ્યા ઊભી થઈ હોવાનો તેમણે દાવો કર્યો હતો.

કોંગ્રેસની 5 મુખ્ય માગણીઓ

કોંગ્રેસે રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતો અને પશુધનને રાહત આપવા માટે પાંચ મુખ્ય માગણીઓ રજૂ કરી છે:

ઓછો વરસાદ ધરાવતા તમામ અસરગ્રસ્ત જિલ્લાઓ અને તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે.

પાકના નુકસાનનું (Crop Damage Compensation) યોગ્ય સર્વેક્ષણ કરીને ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે.

ખેડૂતોનાં દેવા માફ કરવામાં આવે અને ધિરાણની વસૂલાત એક વર્ષ માટે મોકૂફ રાખી એક વર્ષનું વ્યાજ માફ કરવામાં આવે.

પશુઓ માટે પૂરતો ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે.

જરૂરિયાતવાળા વિસ્તારોમાં 150 દિવસની રોજગારી આપતાં રાહત કામો તાત્કાલિક શરૂ કરવામાં આવે.

કોંગ્રેસે આ માગણીઓ રાજ્યપાલ, મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે કલેક્ટર મારફતે રજૂઆત કરી છે. હવે સરકાર આ માગણીઓ અંગે શું નિર્ણય લે છે અને અસરગ્રસ્ત ખેડૂતોને ક્યારે (Farmers Relief Package) રાહત મળે છે તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો: સાબરકાંઠાના ખેડૂતો માટે ખુશખબર! PM કિસાન યોજનાના 24મા હપ્તાની રકમ જમા

આ પણ વાંચો: ભીલડીમાં PM મોદીએ કર્યા કરોડોના પ્રોજેક્ટના લોકાર્પણ, ખેડૂતો અને પશુપાલકોને મોટી ભેટ

આ પણ વાંચો: ગુજરાતને વિકાસની કરોડોની ભેટ આપશે PM મોદી, ખેડૂતોના ખાતામાં આવશે ₹19,000 કરોડ