Sabarkantha News: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સાબરકાંઠા જિલ્લાના આશરે 2.23 લાખ ખેડૂતોને (Sabarkantha Farmers) 24મા હપ્તાનો લાભ (PM Kisan 24th Installment) મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઑક્ટોબરે બનાસકાંઠાના ભીલડી ખાતેથી DBTના માધ્યમથી દેશભરના પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં રૂ.2,000ની સહાય ટ્રાન્સફર કરી હતી. આ નિમિત્તે સાબરકાંઠાના કાંકણોલ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાના PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
Sabarkantha Farmers: કાંકણોલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
કાંકણોલના BAPS સ્વામિનારાયણ (Kanknol BAPS Temple) મંદિર ખાતે સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, PM કિસાન યોજના ખેડૂતોને ખેતીના ખર્ચમાં મદદરૂપ બને છે. બિયારણ, ખાતર અને ખેતીની અન્ય જરૂરિયાતો માટે મળતી આર્થિક સહાય ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે ઉપયોગી સાબિત થાય છે.

તેમણે ભારે વરસાદથી થયેલા નુકસાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂ.10 હજાર કરોડના સહાય પેકેજ અંતર્ગત સાબરકાંઠાના આશરે 80 હજાર ખેડૂતોને રૂ.125 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
દેશના 9.34 કરોડથી વધુ ખેડૂતોને રૂ.18,690 કરોડથી વધુની સહાય
PM કિસાન યોજનાના (PM Kisan Samman Nidhi) 24મા હપ્તા અંતર્ગત દેશભરના 9.34 કરોડથી વધુ પાત્ર ખેડૂત પરિવારોના ખાતામાં કુલ રૂ.18,690 કરોડથી વધુની રકમ DBT દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી છે. દરેક પાત્ર ખેડૂત પરિવારને રૂ.2,000નો હપ્તો આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂ.6,000ની સહાય ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે.
![]()
ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને પણ આ હપ્તા હેઠળ રૂ.1,051 કરોડથી વધુની સહાય મળવાની માહિતી આપવામાં આવી છે.
ખેડૂતો માટે સિંચાઈ અને સહાયના મુદ્દા પર ચર્ચા
ધારાસભ્ય વી.ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, DBTના માધ્યમથી સરકારી સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં પહોંચે છે. તેમણે નર્મદાનું પાણી કચ્છના રણ સુધી પહોંચાડવા અને સિંચાઈ માટે તળાવો ભરવા જેવા પગલાંનો ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ, ખેડૂતોને સહાય મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પણ જોડાયા
કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ખેડૂતોને આર્થિક સહાયની સાથે ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવવા અને પાણી તથા કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવા અંગે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
@દિપકસિંહ રાઠોડ
આ પણ વાંચો: PM કિસાનના રૂ.2,000 તમારા ખાતામાં નહીં આવે તો શું કરશો? 24મા હપ્તા પહેલાં આ 5 બાબતો તપાસી લેજો
આ પણ વાંચો: ગુજરાતમાં ખેડૂતોને પીએમ કિસાન યોજનામાંથી ચૂકવાઈ 23083 કરોડથી વધુની રકમ
આ પણ વાંચો: પ્રધાનમંત્રી 23 જાન્યુઆરીએ કેરળની મુલાકાત લેશે,વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે
