Tech News/ CNAPથી કરોડો યુઝર્સને ફાયદો,1 નવેમ્બરથી ફોનમાં દેખાશે અજાણ્યા કોલરનું નામ

કૉલર નેમ પ્રેઝન્ટેશન (CNAP) એ એક એવી સિસ્ટમ છે, જેના દ્વારા ફોન પર કોલ કરનાર વ્યક્તિની ઓળખ દર્શાવવામાં આવશે

Top Stories Tech & Auto
ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા આ માટે કૉલર નેમ પ્રેઝન્ટેશન (CNAP) સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરવામાં આવી છે

Tech News : ભારતમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા કરોડો લોકો માટે 1 નવેમ્બરથી મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા આ માટે કૉલર નેમ પ્રેઝન્ટેશન (CNAP) સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરવામાં આવી છે.જેને કારણે હવે અજાણ્યા નંબર પરથી આવતા ફોન કોલમાં માત્ર નંબર જ નહીં, પરંતુ કોલ કરનારનું નામ (Caller Name)પણ જોવા મળી શકશે. . આ નવી વ્યવસ્થાથી અનિચ્છનીય કોલ અને સાયબર ઠગાઈ (Cyber Fraud)ના કિસ્સાઓને રોકવામાં મદદ મળી શકે છે.

CNAP શું છે અને કેવી રીતે કરશે કામ?

કૉલર નેમ પ્રેઝન્ટેશન (CNAP) એ એક એવી સિસ્ટમ છે, જેના દ્વારા ફોન પર કોલ કરનાર વ્યક્તિની ઓળખ દર્શાવવામાં આવશે. અત્યાર સુધી અજાણ્યા નંબર (Unknown Caller)પરથી કોલ આવે ત્યારે મોબાઈલની સ્ક્રીન પર માત્ર નંબર જ દેખાતો હતો. જોકે, નવી વ્યવસ્થા લાગુ થયા બાદ નંબરની સાથે ટેલિકોમ કંપનીના રેકોર્ડમાં નોંધાયેલું નામ પણ દેખાશે.

ખાસ વાત એ છે કે જો કોઈ વ્યક્તિનો નંબર તમારા ફોનમાં સેવ ન હોય, તો પણ કોલ આવતી વખતે તેનું નામ જાણી શકાશે. આ નામ સિમ કાર્ડ જારી કરતી વખતે આપવામાં આવેલી ગ્રાહકની વિગતોના આધારે દર્શાવવામાં આવશે.

4G અને 5G યુઝર્સને મળશે સુવિધા

ટેલિકોમ વિભાગના નિર્દેશો અનુસાર, શરૂઆતના તબક્કામાં 4G અને તેનાથી આગળની ટેક્નોલોજીનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવાની યોજના છે. જ્યારે 2G અને 3G નેટવર્કનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે CNAP સેવા ક્યારે શરૂ થશે તે અંગે અલગથી જાહેરાત કરવામાં આવશે.

આ સિસ્ટમમાં જ્યારે કોઈ વ્યક્તિને કોલ આવશે ત્યારે ફોનની સ્ક્રીન પર સૌથી પહેલાં કોલ કરનારનો નંબર દેખાશે. ત્યારબાદ ફોનબુકમાં નંબર સેવ હોય તો સેવ કરેલું નામ અને નંબર સેવ ન હોય તો ટેલિકોમ કંપનીના રેકોર્ડમાં નોંધાયેલું નામ દર્શાવવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય કોલની પણ થશે ઓળખ

આ નવી વ્યવસ્થામાં આંતરરાષ્ટ્રીય કોલ અંગે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. વિદેશી નંબર પરથી કોલ આવે ત્યારે સ્ક્રીન પર નંબરની સાથે આંતરરાષ્ટ્રીય કોલ હોવાની જાણકારી પણ દર્શાવવામાં આવશે. આ માટે ટેલિકોમ કંપનીઓએ જરૂરી ડેટાબેઝ અને ટેક્નિકલ વ્યવસ્થા તૈયાર કરવાની રહેશે.

સાયબર ઠગાઈ રોકવામાં મળશે મદદ

છેલ્લા કેટલાક વર્ષોમાં ફેક કોલ, બેંક અધિકારીના નામે છેતરપિંડી અને અજાણ્યા નંબર પરથી થતી સાયબર ઠગાઈના કિસ્સાઓ વધ્યા છે. આવા સંજોગોમાં CNAP સિસ્ટમથી કોલ કરનારની ઓળખ કરવામાં લોકોને મદદ મળી શકે છે.

જોકે, આ સિસ્ટમ સંપૂર્ણપણે સાયબર ઠગાઈ અટકાવવાની ગેરંટી નથી. કારણ કે કોલરનું નામ દેખાવા છતાં લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ થઈ શકે છે. તેથી અજાણ્યા કોલ પર વ્યક્તિગત માહિતી, બેંક વિગતો કે OTP શેર કરવાનું ટાળવું જરૂરી છે.


આ પણ વાંચો: ફેક કોલ રોકવામાં નિષ્ફળ થતા ટેલિકોમ કંપનીઓને ટ્રાઈએ ફટકાર્યો દંડ, સ્પામ કોલ રોકવા AIનો ઉપયોગ

આ પણ વાંચો: ટેલિકોમ સેક્ટરના મોટા સમાચાર, 18 લાખ મોબાઈલ નંબર બ્લોક થયા, 1 ડિસેમ્બરથી થશે મોટો ફેરફાર

આ પણ વાંચો: અજાણ્યા નંબરથી પરથી કરાતા કોલમાં હવે કોલરનું નામ પણ દેખાશે, ટેલિકોમ કંપનીઓએ શરૂ કરી ID ડિસપ્લે સર્વિસ