gujrat news/ ભીલડીમાં PM મોદીએ કર્યા કરોડોના પ્રોજેક્ટના લોકાર્પણ, ખેડૂતો અને પશુપાલકોને મોટી ભેટ

PM Modi Gujarat Visit દરમિયાન ભીલડીમાં વડાપ્રધાને BBBRC અને ET-IVF લેબનું ઉદ્ઘાટન કર્યું. વાછરડાઓને દૂધ પીવડાવ્યું અને ₹14,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી.

Top Stories Gujarat Breaking News
PM Modi Gujarat Visit: ભીલડીમાં PM મોદીની કરોડોની ભેટ, BBBRC અને ET-IVF લેબનું ઉદ્ઘાટન

Gujrat News: PM Modi Gujarat Visit વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30 ઓક્ટોબરથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે બનાસકાંઠાના ભીલડીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. અહીં વડાપ્રધાને ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું ઉદ્ઘાટન કર્યું અને ET-IVF લેબોરેટરીનું પણ લોકાર્પણ કર્યું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વાછરડાઓને વ્હાલ કરીને દૂધ પણ પીવડાવ્યું હતું.

PM Modi Gujarat Visit દરમિયાન ભીલડીમાં વડાપ્રધાનનો રોડ-શો પણ યોજાયો હતો. પીએમ મોદીના આગમનને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. લોકો દ્વારા ‘મોદી કહી નહીં જાયેગા, હમ તુમ્હારે સાથ હૈ’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. ભીલડીમાં વડાપ્રધાન ₹14,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે.

 ભીલડીમાં BBBRC સેન્ટરનું ઉદ્ઘાટન

બનાસકાંઠાના ભીલડી ખાતે 127 એકર વિસ્તારમાં આશરે ₹325 કરોડના ખર્ચે ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC) તૈયાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ આ અત્યાધુનિક કેન્દ્રને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે.

આ કેન્દ્રનો મુખ્ય હેતુ પશુપાલન ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો અને ઉત્તમ નસ્લના પશુઓના સંવર્ધનને વેગ આપવાનો છે. કેન્દ્રમાં ગાય અને ભેંસના આનુવંશિક સુધારણા તથા આધુનિક પ્રજનન ટેક્નોલોજી પર કામ કરવામાં આવશે.

ખાસ કરીને કાંકરેજ ગાયની જાતિના સંવર્ધન માટે આ કેન્દ્ર મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પશુઓની જાતિ સુધારવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાનો પણ આ કેન્દ્રનો ઉદ્દેશ છે. તેનાથી પશુપાલકોની આવક વધારવામાં મદદ મળી શકે છે.

ET-IVF લેબોરેટરીનું પણ લોકાર્પણ

PM Modi Gujarat Visit દરમિયાન ભીલડીમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (ET-IVF) લેબોરેટરીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પશુપાલન ક્ષેત્રમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા માટે આ લેબોરેટરી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ ટેક્નોલોજી દ્વારા ઉત્તમ નસ્લના પશુઓનું સંવર્ધન ઝડપથી કરી શકાય છે. પશુપાલકોને વધુ ઉત્પાદક પશુધન ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હર્ષ સંઘવીનું નિવેદન: પીએમ મોદીએ 2003માં કહ્યું હતું- બનાસકાંઠા હવે પછાત નહીં રહે

હર્ષ સંઘવીએ પીએમ મોદીના જૂના નિવેદનને યાદ કરતાં કહ્યું કે, 2003માં નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા હવે પછાત નહીં રહે તેવી વાત કરી હતી. આજે જિલ્લામાં વિકાસના અનેક નવા પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યા છે.

 

 

વાછરડાઓને દૂધ પીવડાવ્યું

BBBRCની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ વાછરડાઓને વ્હાલ કર્યું હતું અને તેમને દૂધ પણ પીવડાવ્યું હતું. વડાપ્રધાનની આ મુલાકાતની તસવીરો અને વીડિયો પણ ચર્ચામાં રહ્યા હતા.

આ પ્રસંગે વડાપ્રધાનને કેન્દ્રમાં ચાલી રહેલી પશુપાલન સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ અને આધુનિક ટેક્નોલોજી વિશે માહિતી આપવામાં આવી હતી.

ભીલડીમાં રોડ-શો દરમિયાન જોવા મળ્યો ઉત્સાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભીલડીમાં રોડ-શો કરીને BBBRC સેન્ટર પહોંચ્યા હતા. પીએમ મોદીને જોવા માટે રસ્તાની બંને તરફ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. લોકો દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા અને વડાપ્રધાનનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભીલડીમાં PM મોદીના કાર્યક્રમને લઈને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ સ્થળે ગ્રામ્ય પરંપરા મુજબ ખાસ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

પ્રથમવાર ખાટલા સભાનું આયોજન

ભીલડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ખાટલા સભામાં સંબોધન કરશે. કાર્યક્રમ સ્થળે ગ્રામ્ય પરંપરાને ધ્યાનમાં રાખીને ખુરશીઓની જગ્યાએ ખાટલા ગોઠવવામાં આવ્યા હતા.

ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાના પ્રયાસરૂપે આ પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

બનાસ ડેરીના ફ્રેન્ચ ફ્રાઈઝ પ્લાન્ટનું વિસ્તરણ

PM Modi Gujarat Visit દરમિયાન વાવ-થરાદના સણાદર ખાતે બનાસ ડેરીના ફ્રેન્ચ ફ્રાઈઝ પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણનું ઈ-લોકાર્પણ પણ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ પાછળ આશરે ₹51.65 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા પ્રતિ કલાક 2 ટનથી વધારીને 5 ટન કરવામાં આવશે. આ ઉપરાંત 10 હજાર ટનની ક્ષમતાનું કોલ્ડ સ્ટોરેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટમાં બટાકાના પ્રમાણિત બિયારણથી લઈને તેની પ્રોસેસિંગ સુધીની પ્રક્રિયાને એકીકૃત કરવામાં આવી છે. બટાકા ઉત્પાદક ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય ભાવ અને ખરીદીની સુવિધા મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પ્રોસેસિંગ દરમિયાન નીકળતા કચરાનો ઉપયોગ બાયોગેસ બનાવવા માટે કરવામાં આવશે અને બાકી રહેલા અવશેષનો ઉપયોગ ખાતર તરીકે ખેડૂતો કરી શકશે.

ખેડૂતો માટે 521 કૃષિ પરિયોજનાઓની ભેટ

વડાપ્રધાન કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ પૂર્ણ થયેલી 521 પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સ પાછળ આશરે ₹4,950 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ પરિયોજનાઓમાં કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઇન, ગોડાઉન, સાઇલો, પોલીહાઉસ, ગ્રીનહાઉસ અને કૃષિ પેદાશોના પ્રોસેસિંગ કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ માળખાકીય સુવિધાઓ ખેડૂતોને પાકના સંગ્રહ, પ્રોસેસિંગ અને બજાર સુધી પહોંચવામાં મદદરૂપ બનશે.

361 નવા આંગણવાડી કેન્દ્રોનું ઉદ્ઘાટન

ગુજરાતમાં 4,030 નવા બાળમૈત્રી આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે તૈયાર થઈ ગયેલા 361 બાળમૈત્રી આંગણવાડી કેન્દ્રોનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે.

આ સમગ્ર પહેલ પાછળ આશરે ₹800 કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. આંગણવાડી કેન્દ્રોની નવી સુવિધાઓથી ચાર લાખથી વધુ લોકોને લાભ મળવાની અપેક્ષા છે.

અમદાવાદ-મહેસાણા હાઇવે બનશે આઠ લેન

અમદાવાદ અને ઉત્તર ગુજરાત વચ્ચેની કનેક્ટિવિટી સુધારવા માટે અમદાવાદ-મહેસાણા સ્ટેટ હાઇવે-41ને ચાર લેનમાંથી આઠ લેનમાં અપગ્રેડ કરવાની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ પાછળ આશરે ₹2,600 કરોડનો ખર્ચ થવાનો છે. હાઇવેના વિસ્તરણથી મુસાફરી વધુ ઝડપી અને સુરક્ષિત બનવાની સાથે ટ્રાફિકનું દબાણ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.

ગુજરાતને મળશે બે નવી ટ્રેન સેવાઓ

રેલવે કનેક્ટિવિટી મજબૂત કરવા માટે વડાપ્રધાન મોદી અમદાવાદ (સાબરમતી)-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. નવી ટ્રેન સેવાઓથી મુસાફરોને અવરજવરમાં વધુ સુવિધા મળશે.

એકતાનગરમાં નર્મદા આરતી અને ભારત પર્વ 2026

PM Modi Gujarat Visit દરમિયાન વડાપ્રધાન સાંજે એકતાનગર પહોંચશે. અહીં શૂલપાણેશ્વર નર્મદા ઘાટ ખાતે યોજાનારી નર્મદા આરતીમાં તેઓ ભાગ લેશે. આ ઘાટનું આશરે ₹15.10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત વડાપ્રધાન ભારત પર્વ 2026નું ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સંસ્કૃતિ, લોકકલા, પ્રાદેશિક વાનગીઓ, હસ્તકલા અને પ્રવાસન સ્થળોની ઝલક જોવા મળશે. આ કાર્યક્રમ 15 નવેમ્બર 2026 સુધી ચાલશે.

1.5 કરોડ LED લાઇટથી ઝળહળશે એકતાનગર

એકતા પ્રકાશ પર્વ દરમિયાન એકતાનગરને 1.5 કરોડથી વધુ LED લાઇટ્સથી સજાવવામાં આવશે. 530 મીટર લાંબા ફ્લાવર્સ વેલી રોડ અને 180 મીટર લાંબી ગ્લો ટનલ આકર્ષણનું કેન્દ્ર બનશે.

‘વિવિધતામાં એકતા’ની થીમ પર તૈયાર કરવામાં આવેલી ગ્લો ટનલમાં દેશના અલગ-અલગ પ્રદેશોની સંસ્કૃતિ, સ્થાપત્ય, લોકનૃત્ય અને હસ્તકલાની ઝલક જોવા મળશે.

આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ વિકાસ, પશુપાલન, કૃષિ, રેલવે, રોડ કનેક્ટિવિટી અને પ્રવાસન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.


આ પણ વાંચો:ભીલડીમાં પહેલીવાર ખાટલા સભા, ખેડૂતો માટે ખાટલા પર બેઠક વ્યવસ્થા

આ પણ વાંચો:સહકાર મંત્રી અમિત શાહે રૈયા ફાર્મના ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબની મુલાકાત લીધી

આ પણ વાંચો:પાલનપુર બાયપાસનો વિરોધ, ખેડૂતોની ધરણાની ચીમકી