Ahmedabad News: અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે ક્રિસમસ દરમિયાન યોજાતા કાર્નિવલની જેમ દિવાળીના તહેવારમાં પણ ભવ્ય દીપોત્સવનું (Kankaria Diwali Festival) આયોજન કરવાની માંગ ઉઠી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેશ સોનીએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને દિવાળીથી લાભપાંચમ સુધી પાંચથી છ દિવસનો દીપોત્સવ (Kankaria Deepotsav) યોજવા રજૂઆત કરી છે. આ દરમિયાન કાંકરિયા તળાવને લાખો દીવડાઓ અને આકર્ષક રોશનીથી શણગારવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની માગ કરવામાં આવી છે.
Kankaria Diwali Festival: લાખો દીવડાઓથી કાંકરિયાને શણગારવાની રજૂઆત
રાજેશ સોનીએ (Rajesh Soni Congress) પત્રમાં રજૂઆત કરી છે કે દિવાળી, બેસતા વર્ષ, ભાઈબીજ અને લાભપાંચમના તહેવારો દરમિયાન કાંકરિયા તળાવ ખાતે વિશેષ દીપોત્સવનું આયોજન કરવામાં આવે. તેમાં લોકસંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને જાણીતા કલાકારોના કાર્યક્રમો યોજવામાં આવે. અલગ-અલગ થીમ આધારિત કાર્યક્રમો દ્વારા અમદાવાદના નાગરિકોને તહેવારની ઉજવણી માટે શહેરમાં જ એક આકર્ષક સ્થળ મળી રહે તેવો હેતુ રજૂ કરવામાં આવ્યો છે.
તમામ નાગરિકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવાની માંગ
કોંગ્રેસે (Gujarat Congress) કાંકરિયા કાર્નિવલની (Kankaria Carnival) જેમ દીપોત્સવમાં પણ બાળકો અને પરિવારો માટે મનોરંજનનાં વિવિધ કાર્યક્રમો યોજવાની સાથે તમામ નાગરિકો માટે પ્રવેશ સંપૂર્ણ નિઃશુલ્ક રાખવાની માગ કરી છે. આશરે 18 હજાર કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના નાગરિકોને દિવાળીની ભેટરૂપે આ આયોજન કરે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ આયોજન થાય તો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પણ પરિવાર સાથે શહેરમાં જ દિવાળીની ઉજવણીનો આનંદ માણી શકે તેમ પત્રમાં જણાવાયું છે.
બહાર જવાને બદલે અમદાવાદમાં જ ઉજવણી કરી શકશે
રાજેશ સોનીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારમાં અનેક અમદાવાદીઓ બહાર ફરવા જતા હોય છે. જો કાંકરિયા ખાતે પાંચથી છ દિવસનો દીપોત્સવ યોજવામાં આવે અને પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવે તો લોકો અન્ય સ્થળે જવાને બદલે પોતાના શહેરમાં જ પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકશે. અલગ-અલગ થીમ પર સતત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાથી શહેરના નાગરિકોને મનોરંજનની તક મળશે અને અમદાવાદીઓ માટે આ આયોજન દિવાળીની ભેટ બની રહેશે.
આ પણ વાંચો: કાંકરિયા કાર્નિવલમાં ભીડ, 52 બાળકો થયા પરિવારથી અલગ, પોલીસની સતર્કતાથી પરિવાર સાથે પુનઃમિલન
આ પણ વાંચો: કાંકરિયા કાર્નિવલમાં માનવ મહેરામણ: 1 લાખથી વધુ લોકો ભેગા થતાં તમામ ગેટ બંધ
આ પણ વાંચો: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ-2025નો આજથી ભવ્ય પ્રારંભ, સાત દિવસનો મનોરંજનનો મહાકુંભ
