Ahmedabad News/ ‘Love You જિંદગી’ : પુસ્તક નહીં, પોતાની જાતને ઓળખવાની એક સુંદર સફર

પુસ્તક પ્રેમી રાહુલ મોર્ય દ્વારા Love You જિંદગી પુસ્તક વિશે રિવ્યૂ..

Top Stories Ahmedabad Gujarat Mantavya Vishesh
love you

Ahmedabad News: મંતવ્ય ન્યુઝના CMD જીગ્નેશ પટેલના 26 ઓક્ટોમ્બરના રોજ Love You જિંદગી.. પુસ્તક સહિત ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યા છે ત્યારે આ ત્રણેય પુસ્તકો ખૂબ લોકચાહના મેળવી રહ્યાં છે. વાચકો દ્વારા પણ આ પુસ્તકને ખૂબ આવકારવામાં આવી રહ્યું છે. જેને લઈ પુસ્તક પ્રેમી રાહુલ મોર્ય(Rahul Maurya) દ્વારા આ પુસ્તક વિશે રિવ્યૂ આપવામાં આવ્યા છે જે સૌ મંતવ્ય ન્યુઝના વાચકો સમક્ષ મુકીએ છીએ.

 Love You જિંદગી..

કેટલાક પુસ્તકો વાંચી શકાય છે, જ્યારે કેટલાક હૃદયમાં ઉતરી જાય છે! “Love You જિંદગી…” આ વાક્ય જ્યારે પહેલી વાર વાંચ્યું, ત્યારે જેટલી મીઠાશ હોઠો પર પ્રસરી, એનાથી અનેકગણી મીઠાશ હૃદયમાં ઊતરી ગઈ. પુસ્તકનું શીર્ષક જ એટલું આહ્લાદક અને હૃદયસ્પર્શી છે કે તેને વસાવવાની અને વાંચવાની લાલસા હું રોકી ન શક્યો.

પુસ્તકના વિમોચન સમારોહમાં પહોંચ્યો ત્યારે હોલ સાહિત્યપ્રેમીઓથી ખીચોખીચ ભરેલો હતો. મુખ્ય મહેમાનોમાં દેવકી(Devaki), મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી(Shankar Chaudhary) ઉપસ્થિત હતાં. કાર્યક્રમ દરમિયાન પુસ્તકના લેખક અને મંતવ્ય ન્યૂઝના CMD શ્રી જીગ્નેશ પટેલ(Jignesh Patel)નું વક્તવ્ય સાંભળ્યું. તેમના વિચારો અને રજૂઆતથી પુસ્તક વિશેની મારી ઉત્સુકતા ઓર વધી. એ જ દિવસે આ પુસ્તક વસાવ્યું.

Love You
Rahul Morya’s review of ‘Love You Zindagi’

જોકે, આ કાર્યક્રમમાં તેમનાં અન્ય બે પુસ્તકોનું પણ વિમોચન થયું હતું, પરંતુ Love You જિંદગી વાંચવાની મારી ઇચ્છા સૌથી પ્રબળ હતી. આખરે એ ઇચ્છા પૂર્ણ કરી. હવે વાત કરીએ આ પુસ્તક વિશે.

આદર્શ પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તકનાં મુખપૃષ્ઠથી લઈને અંદરના પાનાંઓ સુધીની સજાવટ એટલી સુંદર છે કે તેને હાથમાં લેતાં જાણે પુસ્તક નહીં, પણ ફૂલ હાથમાં લીધું હોય એવી અનુભૂતિ થાય. જોકે, આ ફૂલની ખરી સુગંધ માણવા માટે તેનાં પાનાં ઉથલાવવા પડે અને તેના વિચારોની દુનિયામાં પ્રવેશ કરવો પડે.

શરૂઆતમાં લેખકે વાચકમિત્રોને સંબોધતો ટૂંકો સંદેશ આપ્યો છે, જેમાં લેખકની વિચારધારા અને પુસ્તક પાછળના ભાવને સમજવાની એક નાનકડી ઝલક મળે છે. ત્યારબાદ અનુક્રમણિકામાં પુસ્તકના 63 અધ્યાયનો ક્રમબદ્ધ પરિચય મળે છે. દરેક અધ્યાયનું શીર્ષક વાચકમાં આગળ વાંચવાની ઉત્સુકતા જગાવે છે.

કેટલીક પુસ્તકો આપણને નવી માહિતી આપે છે, કેટલીક નવા વિચારો આપે છે, જ્યારે કેટલીક પુસ્તકો આપણને પોતાની અંદર ડોકિયું કરવા મજબૂર કરે છે. ‘Love You જિંદગી’ ની વિશેષતા એ છે કે તે વાચકને પોતાની જાત સાથે સંવાદ કરવાની દિશામાં લઈ જાય છે.

પુસ્તકના પ્રથમ અધ્યાયનું શીર્ષક છે—“જીવનની મહાનતમ સફર: આંતરિક નાયકની શોધ”.

આપણે આખી જિંદગી સફળતાની પાછળ દોડીએ છીએ. સમાજની અપેક્ષાઓ પૂરી કરવા, બીજાની નજરમાં સારું દેખાવા અને દુનિયા સમક્ષ પોતાની સફળતા સાબિત કરવા અનેક પ્રયત્નો કરીએ છીએ. પરંતુ આ દોડમાં એક મહત્ત્વનો પ્રશ્ન ઘણી વાર પાછળ રહી જાય છે: શું આપણે ખરેખર પોતાની જાતને ઓળખીએ છીએ?

લેખક આ પ્રશ્ન દ્વારા વાચકને બહારની દુનિયાની સફળતાઓથી આગળ વધીને પોતાની આંતરિક દુનિયાને સમજવાની પ્રેરણા આપે છે. જીવનની સફર માત્ર નામ, પ્રતિષ્ઠા કે સિદ્ધિઓ મેળવવાની નથી; તે પોતાની જાતને ઓળખવાની, સ્વીકારવાની અને સતત ઘડવાની પ્રક્રિયા પણ છે. આ જ વિચાર પ્રથમ અધ્યાયને વિશેષ બનાવે છે.

બીજા અધ્યાયનું શીર્ષક છે—“એકાંતનું દિવ્ય સામર્થ્ય: જ્યાં આત્મા પોતાની સાચી ઓળખ મેળવે છે”.

આ અધ્યાય પ્રથમ અધ્યાયના વિચારને વધુ ઊંડાણ આપે છે. લેખક એકાંતને માત્ર એકલા રહેવાની પરિસ્થિતિ તરીકે નહીં, પરંતુ પોતાની જાતને સમજવાની તક તરીકે રજૂ કરે છે. માણસ ઘણી વાર દુનિયાના ઘોંઘાટમાં બીજાઓને સાંભળતો રહે છે, પરંતુ પોતાની અંદરના અવાજને સાંભળવાનું ભૂલી જાય છે. એકાંત એ અવકાશ છે, જ્યાં વ્યક્તિ પોતાની લાગણીઓ, વિચારો અને જીવનની દિશા વિશે શાંતિથી વિચારી શકે છે.

પુસ્તકનાં આ બંને અધ્યાયોમાંથી પસાર થતાં મને અનુભવાયું કે પોતાની જાતને ઓળખવી અને પોતાની જાત સાથે સમય વિતાવવો એ જીવનની એવી પ્રક્રિયાઓ છે, જે આપણને વધુ સભાન અને સમજદાર બનાવી શકે છે.

પુસ્તકના સોળમા અધ્યાયમાં લેખક પ્રેમ અને સંબંધોની વાત કરે છે, ત્યારે તેઓ આત્મસન્માનના મહત્ત્વને પણ એટલી જ ગંભીરતાથી રજૂ કરે છે. પ્રેમનો અર્થ પોતાની જાતને ભૂલી જવો કે પોતાના આત્મસન્માનનું બલિદાન આપવું નથી. કોઈ સંબંધ ગમે તેટલો પ્રિય હોય, પરંતુ તેમાં વ્યક્તિની ગરિમા અને સ્વમાનનું સ્થાન જળવાવું જોઈએ. પ્રેમ અને આત્મસન્માન વચ્ચેનો આ સંતુલિત દૃષ્ટિકોણ મને વિશેષ ગમ્યો.

આ પુસ્તકનાં ઘણાં વાક્યો એવાં છે, જે વાચકને ઘડીભર થોભીને વિચારવા મજબૂર કરે છે. કેટલાંક વાક્યો તો જાણે સીધા હૃદયના તાર ઝણઝણાવી જાય છે. તેમાંનાં થોડાં વાક્યો મારા હૃદયને વિશેષ સ્પર્શી ગયાં:

“કેટલાક ઘા મટવા માટે નહીં, પરંતુ આપણને અંદરથી વધુ ઊંડા, વિશાળ અને કરુણામય બનાવવા માટે જ સર્જાયા હોય છે.”

“મોટાભાગના સંબંધો માત્ર કડવા શબ્દોથી નથી તૂટતા, પરંતુ તે શબ્દોની વચ્ચે ઊભા થયેલા અને ન સમજી શકાયેલા મૌનની ખાઈથી તૂટે છે.”

“કેટલીક પીડા કે ઘાનો કોઈ ઉપચાર નથી હોતો. તેને કોઈ જડીબુટ્ટી કે ફિલસૂફીથી દૂર કરી શકતા નથી. તમારે માત્ર સંપૂર્ણ સ્વીકૃતિ સાથે તેમની સાથે પ્રેમથી જીવતાં શીખવાનું હોય છે.”

“સંબંધો અને પ્રેમને સંપૂર્ણ માન આપો, પણ એ પ્રેમ ક્યારેય તમારા પોતાના આત્મસન્માનની કિંમત પર ન હોવો જોઈએ.”

આ વાક્યોમાં જીવનની પીડા, સંબંધોની જટિલતા, સ્વીકૃતિ અને આત્મસન્માન જેવા વિષયો પ્રત્યેની સંવેદનશીલતા જોવા મળે છે. જીવનમાં દરેક ઘા તરત રૂઝાઈ જાય એવું નથી હોતું, દરેક સંબંધમાં દરેક વાત શબ્દોથી સમજાવી શકાતી નથી અને દરેક પ્રશ્નનો ઉકેલ કોઈ સૂત્રમાં મળી જાય એવું પણ નથી હોતું. ક્યારેક જીવનની કેટલીક વાસ્તવિકતાઓને સ્વીકારીને તેમની સાથે જીવતાં શીખવું પડે છે. આ જ સમજ પુસ્તકના વિચારોને વાચકના અંગત અનુભવો સાથે જોડે છે.

આ પુસ્તકની જો કોઈ એક વિશેષતા મને સૌથી વધુ પ્રભાવિત કરતી હોય, તો તે છે દરેક અધ્યાયના અંતે આપવામાં આવેલું ‘આત્મચિંતન’.

લેખક અહીં માત્ર પોતાના વિચારો રજૂ કરીને અટકી જતા નથી; તેઓ વાચકના મનમાં પણ પ્રશ્નોનું વલોણું મૂકે છે. વાચકને પોતાની માન્યતાઓ, લાગણીઓ, સંબંધો અને જીવનના નિર્ણયો વિશે વિચારવાની તક આપે છે. પરિણામે, વાંચન માત્ર માહિતી મેળવવાની પ્રક્રિયા રહેતું નથી, પરંતુ પોતાની જાતને તપાસવાની અને સમજવાની પ્રક્રિયા બની જાય છે.

મારા મતે, સારા પુસ્તકની ખરી સફળતા માત્ર એમાં નથી કે વાચકે તેનાં કેટલાં પાનાં વાંચ્યાં, પરંતુ એમાં છે કે પુસ્તક વાંચ્યા પછી તેના વિચારોમાં કેટલો સંવાદ શરૂ થયો અને જીવનને જોવાની દૃષ્ટિમાં કેટલું પરિવર્તન આવ્યું.

Love You જિંદગીનું શીર્ષક આપણને જીવનને પ્રેમ કરવાની વાત કહે છે, પરંતુ જીવનને પ્રેમ કરવો એટલે માત્ર સુખદ ક્ષણોને આવકારવી નહીં. પોતાની જાતને ઓળખવી, એકાંતને સમજવો, સંબંધોમાં સંવેદનશીલ રહેવું, પીડાને સ્વીકારવી અને આત્મસન્માન જાળવવું—આ બધું પણ જીવનને સાચા અર્થમાં પ્રેમ કરવાનો જ ભાગ છે.

આ પુસ્તકનાં તમામ 63 અધ્યાયમાંથી પસાર થવાની સફર વાચકને પોતાના જીવન વિશે નવેસરથી વિચારવાની તક આપે છે. ઓછામાં ઓછું મારા માટે તો આ પુસ્તક વાંચવું માત્ર વાંચનનો અનુભવ નથી, પરંતુ પોતાની જાત અને સંબંધોને સમજવાની દિશામાં એક વિચારપ્રેરક પ્રયાણ છે.

લેખક શ્રી જીગ્નેશ પટેલે આ પુસ્તક દ્વારા વાચકો સમક્ષ વિચારોની એવી દુનિયા મૂકી છે, જેમાંથી દરેક વ્યક્તિ પોતાના અનુભવ અને સમજ પ્રમાણે કંઈક મેળવી શકે છે. આ પુસ્તકના સર્જન માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને મંગલકામનાઓ.

અંતમાં એટલું જ કહીશ કે જીવનને પ્રેમ કરવાની વાતો કરવી સહેલી છે, પરંતુ જીવનની જટિલતાઓ વચ્ચે પણ પોતાની જાત સાથે પ્રેમભર્યો સંબંધ જાળવી રાખવો એ સાચી કળા છે.

કદાચ એટલે જ—Love You જિંદગી… માત્ર એક વાક્ય નથી, પરંતુ પોતાની જાતને અને જીવનને વધુ સારી રીતે સમજવાનું એક આમંત્રણ છે.


આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝ વર્લ્ડ બુક ફેર 2026: અમદાવાદમાં વર્લ્ડ બુક ડે પર ભવ્ય સાહિત્ય મહોત્સવ

આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝનું ‘Women’s Eminence Award 2026’ – નારી શક્તિનું મહાસન્માન

આ પણ વાંચો: ગુજરાત યુનિ.ના કાર પૂલિંગના પરિપત્ર સામે મંતવ્ય ન્યૂઝે કર્યુ રિયાલિટી ચેક, આધી હકીકત, આધા ફસાના