Bhavnagar News/ ભાવનગરમાં બાળકોની રમતની અદાવતે લોહિયાળ ખેલ! યુવક પર છરી-પાઈપથી હુમલો, માથામાં ફ્રેક્ચર

Bhavnagar Attack Case: ભાવનગરના કરચલીયાપરામાં બાળકોની રમતની જૂની અદાવતમાં યુવક પર છરી અને લોખંડના પાઈપથી હુમલો કરાયો. માથામાં ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Top Stories Gujarat
Bhavnagar Attack Case: ભાવનગરમાં બાળકોની રમતની અદાવતમાં યુવક પર છરીથી હુમલો

Bhavnagar News: ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં બાળકોની રમત બાબતે થયેલી જૂની બોલાચાલીની અદાવતમાં યુવક પર હુમલો (Bhavnagar Attack Case) કરાયો હોવાની ઘટના સામે આવી છે. શિવનગર વિસ્તારમાં ચાર શખ્સોએ યુવકના ઘરે ઘૂસીને છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેના માથામાં ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગંગાજળિયા પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Bhavnagar Attack Case: ચાર મહિના જૂની બોલાચાલીની અદાવતમાં હુમલો

મળતી માહિતી મુજબ, કરચલીયાપરામાં રહેતા બિપીનભાઈ ઉર્ફે હિપ્પો ચંદુભાઈ પરમાર 1 નવેમ્બર, 2026ના રોજ રાત્રે આશરે 8 વાગ્યે મેલડીમાંના મંદિર પાસેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આશરે ચાર મહિના પહેલાં બાળકોની રમત બાબતે આરોપીઓ સાથે તેમની તકરાર થઈ હતી.

છરી અને લોખંડના પાઈપથી યુવક પર હુમલો

ફરિયાદ મુજબ, આકાશ જીવાભાઈ વાઘેલાએ છરી વડે બિપીનભાઈના ડાબા હાથ અને વાંસાના ભાગે ઘા માર્યા (Knife Attack) હતા. જ્યારે રાકેશ ઉર્ફે વાંકો ડોકાળો વાઘેલાએ લોખંડના પાઈપથી તેમના માથામાં ફટકો માર્યો (Iron Pipe Attack) હતો. હુમલાને કારણે બિપીનભાઈ લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયા હતા.

અન્ય બે શખ્સોએ પણ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી

આરોપ છે કે હુમલા દરમિયાન જીવા વાઘેલા અને જિજ્ઞાશાબેન આકાશભાઈ વાઘેલા પણ ત્યાં આવી પહોંચ્યાં હતાં. બંનેએ બિપીનભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ હુમલાખોરોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા.

માથામાં ફ્રેક્ચર, સર ટી. હોસ્પિટલમાં સારવાર

ઘટના બાદ બૂમાબૂમ થતાં બિપીનભાઈનાં પત્ની અને પાડોશમાં રહેતા મિત્ર જીતેશભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી બિપીનભાઈને વધુ સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડ્યા હતા. તપાસ દરમિયાન તેમના માથાના ભાગે ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું.

ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ

આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસે (Gangajaliya Police) આકાશ વાઘેલા, રાકેશ વાઘેલા, જીવા વાઘેલા અને જિજ્ઞાશાબેન વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂની બોલાચાલીની અદાવતમાં થયેલા આ હુમલા અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: ભાવનગરમાં ફરજ પરના ટ્રાફિક જવાન પર છરીથી હુમલો, ગંભીર ઇજાગ્રસ્ત જવાનને હોસ્પિટલ ખસેડાયો

આ પણ વાંચો: પંચકુલા સ્કૂલમાં ત્રીજા ધોરણના વિદ્યાર્થીનો KGની બાળકી પર હુમલો, ગંભીર હાલતમાં PGIમાં સારવાર

આ પણ વાંચો: ગાઝિયાબાદમાં પતિની હત્યાનું કથિત કાવતરું: પત્ની અને જિમ ટ્રેનરની ધરપકડ, 3 વર્ષની દીકરી સામે હુમલો